
દેશને સારા હવામાન શસ્ત્રીની જરૂર છે. ભારત સરકારની પૂનાની વેધશાળા ચોમાસાને ઓળખવામાં દર વરસે એકાદ ગોથું તો ખાય છે. ઈસરો પાસે પ્રો. પિશારોટ્ટી કક્ષાના મહાન ઋતુવિજ્ઞાાનીઓ હતા ત્યાં સુધી આગાહીઓ અને વહેતા પવનના વરતારા ખરા ઉતરતા હતા. પરંતુ હવે હવામાન નિષ્ણાતોની નવી પેઢી, અગાઉ કરતા વધુ અદ્યતન ટેકનોલોજી હોવા છતાં ભૂલભૂલામણીમાં અટવાઈ જાય છે.
આ વખતે ભારતીય ચોમાસાની સત્તાવાર શરૂઆત દસમી જૂને થઈ. આમ જુઓ તો દસમી જૂન એ આજથી બે દાયકા પહેલાની ચોમાસાના પ્રારંભની તારીખ છે. આ વખતે લોકડાઉનને કારણે વાતાવરણ પરિશુદ્ધ થયું અને એનો નૈઋત્યને તથા ઈશાનથી પાછા ફરતા પવનોને લાભ મળ્યો. જેથી ભારતમાં સમયસરનું ચોમાસુ બેઠું. જેને ખેડૂતોએ ઓળખીને વાવણી પણ કરી લીધી. છતાં ભારત સરકારનું હવામાન ખાતું એકધારું પ્રિ-મોન્સૂનની રેકર્ડ વગાડયા જ કરે છે.
હજુ આ વર્ષે દિલ્હી સહિતના અનેક નગરો અને ઉપનગરો કોરા રહ્યા છે અને દિલ્હીમાં તો કેજરીવાલને મફલરને બદલે છત્રી નીચે જોવાનો અવસર તેના પ્રજાજનોને નથી મળ્યો. પણ હવામાન ખાતાની આગાહી છે કે ચોમાસું આવતા અઠવાડિયે દિલ્હીના દિલને ભીંજવવાનો પ્રયત્ન કરશે. સોમવારથી જ વાદળની જલધારા દિલ્હી ઉપર અભિષેક કરવા લાગી હશે.
ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે આ વર્ષે દિલ્હીમાં એક અઠવાડિયું વહેલો વરસાદ પડશે. નવી દિલ્હી અને નોઈડાને વરસાદની જરૂર હોય છે. આ ભૂમિપ્રદેશ હવા, જમીન અને પાણી એમ ત્રણેયનું અંતિમ કક્ષાનું પ્રદૂષણ ધરાવે છે. વરસાદને કારણે પ્રદૂષિત જગ્યાને થોડી શાતા વળે છે. દિલ્હીમાં રાજકીય આબોહવા સાથે વાસ્તવિક ગરમાવો પણ બહુ રહે છે.
હવામાન ખાતાના એક વરિષ્ઠ અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે આવતા અઠવાડિયે ઉત્તર અને પશ્ચિમી ભારતમાં ભેજવાળા પવનોનો દબદબો રહેશે એવું કહ્યું છે. આ પવનો સમગ્ર દિલ્હી રાજ્ય, હરિયાણા અને રાજસ્થાનના મોટા વિસ્તારને આવરી લેશે. સામાન્યતઃ જુનના અંત પછી દિલ્હીનું ચોમાસુ શરૂ થતું હોય છે. આ દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઉપર તો ભારે દબાણ છે પરંતુ એ જ રાજ્યના આકાશમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે.
આ હળવું દબાણ ધીમે ધીમે ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. તેનો અર્થ એ કે ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ અને બંગાળમાં વરસાદનું ધમધોકાર આગમન થશે. એકવીસ જુનથી લઈને પચ્ચીસ જૂન સુધી ઉત્તર પશ્ચિમ ભારતનું તાપમાન પણ ઓછું હશે અને વરસાદ પણ સારા પ્રમાણમાં પડશે. પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તરપૂર્વીય રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હી ઉપર આ જ અઠવાડિયામાં સારો વરસાદ પડશે.
આ વર્ષે વરસાદ સારો છે એવું તો બહુ પહેલાથી કહેવાઇ ગયું હતું. તેને પરિણામે ભારતના ખેડૂતોને પણ રાહતની લાગણી થઈ હતી. ઉત્તર પશ્ચિમી ભારતમાં ૧૦૩ ટકા વરસાદ પડશે એવું હવામાન ખાતાનું માનવું છે. જો એટલો વરસાદ ખરેખર પડશે તો આ ચોમાસુ સંતોષકારક કહેવાશે. આ વર્ષે રાજધાનીનો ઉનાળો બહુ આકરો પસાર થયેલો અને વિક્રમજનક તાપમાન પહોંચ્યું હતું. દિલ્હી અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને આ ચોમાસે પૂરતા પાણી માટે વરસાદની જરૂર છે. તેમના સિંચાઈના સ્ત્રોત લુપ્ત થયેલા છે.
જો આગામી સોમવારથી બુધવાર સુધીમાં મધ્ય ભારતમાં વરસાદ પડી જાય તો સારું નહીંતર એક લાંબા અંતરાલની રાહ જોવી પડશે. ઉત્તર પશ્ચિમી ભારત તો ભારતના અનાજનો કોઠાર કહેવાય છે. એટલો મબલક પાક અહીં લેવાતો હોય છે. ભારતમાં ખેતીનો આધાર હજુ પણ વરસાદ જ છે. આપણે આટલા દાયકાઓ ઇઝરાયેલની ફક્ત વાતો કરી છે. ખેતીને ચોમાસાથી સ્વાયત્ત રૂપ આપી શક્યા નથી.
નસીબની બલિહારી જ કહેવી પડે કે આ વર્ષે દક્ષિણ એશિયાની આબોહવા સારા ચોમાસાની તરફેણમાં છે. સરેરાશ ભારતીય ચિંતિત છે. કોરોના વાયરસને કારણે સેંકડો લોકોના મૃત્યુ થયા તો વાયરસ સિવાયના બીજા કારણોસર પણ આ લોકડાઉન દરમિયાન ઘણા વ્યક્તિઓના મૃત્યુ થયા. ધંધા-રોજગારમાં ઘટાડો થયો છે. તો આખા દેશમાં સસ્તા ચીની માલનો વિરોધ શરૂ થયો છે. ઘણે ઠેકાણે લોકો પોતાના ઘરના ખરીદેલા ટીવીની તોડફોડ કરીને વીડિયો બનાવે છે. સ્વદેશી ઉત્પાદનની એક હવા ચાલી છે જે ઇચ્છનીય છે.
આવા માહોલમાં સારો વરસાદ પડવો અતિજરૂરી છે. શિયાળો કે ઉનાળો સારો ન જાય તો ચાલે પણ આવતા આખા વર્ષનો આધાર વરસાદ ઉપર હોય છે. શેરબજારના ખેલાડીઓ પણ વરસાદ ઉપર આધાર રાખતા હોય છે. વરસાદ બધાને પાણી સિવાય એક નવી અપેક્ષા આપે છે, ઉત્સાહનો સંચાર કરે છે. ભૂકંપ અને વાયરસના લીધે જે હતાશાનો વ્યાપ વધ્યો છે એની સામે આ વખતનું સારું ચોમાસુ બધાને શાતા આપશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YQmTKT
No comments:
Post a Comment