
રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્ત દાસ આમ તો હિઝ માસ્ટર્સ વોઇસ હોવાને કારણે અનેકવાર વિખ્યાત અર્થશાીઓની ટીકાનો ભોગ બન્યા છે. પરંતુ તેમની નિયુક્તિ થઈ ત્યારે ભારતીય અર્થતંત્ર પર ડિબાંગ કાળા વાદળોનો ઘેરાવો હતો અને પછીથી આજ સુધી એમાંના કેટલાક વાદળોને રૂપેરી કિનાર દેખાવા લાગી છે તોય પૂર્ણતઃ ઉજાસથી તો દેશ હજુ બહુ દૂર છે. આ સંકટકાળ જ તેમનો સત્તાકાળ છે. નાણાંમંત્રી અને વડાપ્રધાન જે આંકડાબાજીઓ રમવા મીડિયામાં પ્રગટ થાય છે તે તમામ કોષ્ટકો, વર્ગીકરણ અને ફાળવણી હકીકતમાં પહેલા શશિકાન્ત દાસના ટેબલ પર અવતરે છે પછી એ રાજદીક્ષિત જિહવા પર સવાર થાય છે. આ શશિકાન્ત દાસ અત્યાર સુધી કલ્પનાઓ, પ્રચાર વિદ્યા અને સરકારી વાજિંત્રના ઢાળે ઢળેલા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે હવે તેઓ વાસ્તવિકતા સ્વીકારવા લાગ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે ચાલુ નાણાંકીય વરસ ૨૦૨૦ - ૨૦૨૧ નો આથક વિકાસ દર માઈનસ એટલે કે શૂન્યથી નીચે પાંચ ટકા જેવો રહેશે.
દુનિયાની જે રેટિંગ એજન્સીઓ છે તે અને ભારત વિરોધી બ્રિટિશ મીડિયા લાબીને આ જાહેરાત એ શશિકાન્ત દાસે મારેલો એક સણસણતો તમાચો છે. એ એજન્સીઓ ભારત વિરુદ્ધ સતત આથક વિષવેલ ઉછેરતા રહે છે. હવે જ્યારે મિસ્ટર દાસે સાવ બોટમ લાઈન જ કબૂલ કરી છે ત્યારે રેટિંગ એજન્સીઓનું ચકચક ચીંચીં બંધ જ થઈ ગયું છે. એની સામે હકીકત એ છે કે ભારતીય કૃષિનો દેશને બહુ મોટો આધાર છે. છેલ્લા બે મહિના એટલે રવિપાક પૂરો થયાનો અને આગામી ખરીફ પાકની તૈયારી કરવાનો સમયગાળો. આ સમયમાં સરકારે ખેડૂતોને મંજુરી આપી એના પહેલાથી જ દેશભરના ગ્રામ વિસ્તારોમાં ખેતીકામ એક દિવસેય અટક્યા નથી. તાલુકા અને જિલ્લા મથકના તાબાની જમીનોમાં પણ કામ કરવા જતાં કિસાનોને કોઈએ રોક્યા નથી. જે લોકો મંદીના ઢોલ વગાડીને સોનાને અર્ધા લાખની અગાસીએ ઊંચે લઈ જાય છે તે લોકો દેશમાં પ્રવૃત્ત આંતરરાષ્ટ્રીય લાબીના એક હિસ્સા તરીકે ભારતીય અર્થતંત્રની ઘોર ખોદવા માટેનો કરાર કરી ચૂકેલા શખ્સો, શખ્સિયતો અને સંસ્થાઓ છે જેને ઓળખવાનું આમ આદમીનું તો ગજુ નથી.
મંદી તો અમેરીકામાં પણ ઇ.સ. ૧૯૨૯માં આવેલી જ્યારે શેરબજાર કડડભુસ થઈ ગયું હતું. કરોડો લોકોએ નોકરી ગુમાવી હતી અને લાખો લોકો રસ્તા પર આવી ગયા હતા. પરંતુ એ મહામંદી પછી અમેરિકા બેઠું નહીં પણ સફાળું ઉભું થયું અને બંને વિશ્વયુદ્ધમાં ભાગ લઈને યુદ્ધનો તખ્તો પોતાની તરફેણમાં અને શક્તિશાળી જર્મનીની વિરુદ્ધમાં પલટાવી દીધો હતો. સ્પ્રિંગની જેમ ઉછળીને અમેરિકા સુપરપાવર બન્યું. કોરોનાકાળ સમાપ્ત થાય અથવા તો નવરાત્રિ પછીના કવાર્ટરમાં ભારતના અર્થતંત્રમાં તેજી આવવાની શકયતા છે. કલ્પનાતીત પ્રગતિ થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. ભલે વધારે પડતો આશાવાદ લાગે પણ એ હવા તો છે જ. ઘણા નિષ્ણાતોનું પણ કહેવું એવું છે કે ભારતીય અર્થતંત્ર પુરપાટ વેગે દોડશે. દુનિયાની મહાસત્તાઓના અર્થતંત્ર ડોલી ઉઠયા છે ત્યારે ભારતની સ્થિતિ પ્રમાણમાં સારી છે. ચક્રો ધીમી ઝડપે પણ ગતિમાન છે.
ગાંધીજીની રાહે સ્વદેશી અપનાવોની સૂચનાને ભારતીય નાગરિકો ગંભીરતાથી લઈ રહ્યા છે. સરકારની સૂચનાઓ સરકારી કે તરકારી કક્ષાની જ હોય છે એવું આમાં નથી. સ્વદેશીનું પૂંછડું પ્રજાએ એવું પકડી લીધું છે કે લોકોની પ્રાતઃકાલીન ટૂથપેસ્ટથી મોડી રાત્રિના મચ્છર વિરોધી રેકેટ સુધીની આયાતી ચીજોનો બહિષ્કાર અને અને એના સ્વદેશી રિપ્લેસમેન્ટ ચાલુ થઈ ગયા છે. આ એક ખતરનાક ટ્રેન્ડ છે જે ચીનાઓના અર્થતંત્રને અને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને ઊંડી ખીણમાં ધકેલી દેશે. આજે દેશના શહેરી વિસ્તાર કરતા ગ્રામ વિસ્તારની આથક પ્રવાહિતા વધુ છે. પૈસો જેટલો ઝડપથી ફરે અને જેટલી વધુ જગ્યાએ ફરે એટલો દેશને ફાયદો થાય એ સાદું ગણિત છે. લોકડાઉન પછી લોકલ વેપારીઓ, ફેરિયાઓ વગેરેના ધંધામાં તડાકો પડયો છે. પરોક્ષ કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ ધરાવતા શો-રૂમ અને મોલ કલ્ચરથી ભારતીયો દૂર ભાગી રહ્યા છે. પૈસો થોડી જગ્યાએ જ કેન્દ્રિત થવાને બદલે વિકેન્દ્રિત થઈ રહ્યો છે. દિવાળી ઉપર ભારતીયો ૨૦૨૦ ની સાલની બચતનો મોટો ભાગ ખરીદી કરવામાં વાપરશે. ઓનલાઇન ઓર્ડર આપવાનું પ્રમાણ નહિવત થઈ ગયું છે.
કોરોનાની બીક હોવા છતાં હવે લોકો લોકલ ઉપર ભરોસો કરે છે. અત્યારે ઉત્પાદન ક્ષેત્રે માણસોની કમી છે અને બીજા પ્રશ્નો પણ છે. છતાં પણ ભારતીય અર્થતંત્રનું ભવિષ્ય અંધકારમય નથી. લોકડાઉને દેશને નુકસાન પહોચાડયું છે એ હકીકત છે. આથક નુકસાન અકલ્પનીય છે. પરંતુ દર્દ જ દવા બને એવા સંજોગો પેદા થયા છે. બિનજરૂરી ખર્ચ પર કાપ આવ્યો છે અને જરૂરી વસ્તુઓનું વેચાણ વધ્યું છે. લક્ઝુરિયસ આઈટમો માટે બેફામ વપરાતો પૈસો એક સમયે વિદેશ જતો. એ પૈસો ભારતીય વેપારીઓ તરફ વળ્યો છે. ચાઈનીઝ માલ પ્રત્યે લોકોની ખિન્નતા વધી ગઈ છે. સસ્તા ચાઈનીઝ માલને જાકારો મળે એ પણ અર્થતંત્ર માટે હકારાત્મક બાબત છે. કોઈપણ દેશનું અર્થતંત્ર હંમેશા દેશની પ્રજાના લોકમાનસ ઉપર આધાર રાખતું હોય છે. આ લોકડાઉને વિદેશી ઉત્પાદનો માટેની ઘેલછા ઓછી કરી દીધી છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો લોકોને હવે મોહ છે, આકર્ષણ છે. લોકો બ્રાન્ડનો મોહ જતો કરી રહ્યા છે. દૂધથી લઈને કેક સુધી, ફનચરથી લઈને કપડાં સુધી બધે લોકલ માર્કેટમાં ચહલપહલ વધી ગઈ છે. આ એક શુભ સંકેત છે. કીડી પગલે પહાડ ચડવાનું આ ભારતીય પ્રજાનું નવું રસપ્રદ સાહસ છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WXtuDm
No comments:
Post a Comment