કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર કર્યુંઃ ન્યુયોર્કની સ્થિતિ ગંભીર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 25 March 2020

કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર કર્યુંઃ ન્યુયોર્કની સ્થિતિ ગંભીર

- ટ્રમ્પના નિર્ણયને સેનેટનું પણ સમર્થન મળ્યું
- દરેક યુવાનને 1200 ડોલર, બાળકને 500 ડોલર આપવાની જોગવાઈ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સરકાર ટૂંક સમયમાં રકમ જમા કરશે
- નાના ઔદ્યોગિક એકમોને 367 અબજ ડોલર મળશે
-મોટા ઉદ્યોગો આર્થિક કટોકટીમાંથી બહાર નીકળી શકે તે માટે લોન આપશે

વૉશિંગ્ટન, તા.  26 માર્ચ 2020, ગુરૂવાર

અમેરિકન સરકારે કોરોના સામે લડવા માટે બે લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.  આ રાહત પેકેજના ટ્રમ્પના નિર્ણયને સેનેટનું પણ સમર્થન મળ્યું છે. એટલે ટૂંક સમયમાં સહાય મળી જશે. અમેરિકન સેનેટના બહુમતી નેતા મિટ્ચ મેકોનેલે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ અને સેનેટ વચ્ચે સહમતી થઈ હતી એ પ્રમાણે અમેરિકન સરકારે બે લાખ કરોડ ડોલરનું રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજમાં વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે.

દરમિયાન બીજી બાજુ અમેરિકામાં ન્યુયોર્કની સ્થિતિ ગંભીર થઈ રહી હોવાની ચેતવણી ત્યાં કામ કરતી કોરોના ટાસ્ક ફોર્સની ટીમે આપી હતી. અમેરિકામાં ન્યુયોર્ક કોરોના ફેલાવાનું કેન્દ્ર બન્યું છે. અહીં કુલ ૨૫ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ૨૧૦ થયો છે. પરંતુ અહીં કામ કરતી ટાસ્ટ ફોર્સનું કહેવું છે કે જલદી કડક પગલાં લેવામાં નહી આવે તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે એમ છે. દરેક યુવાનને ૧૨૦૦ ડોલર અપાશે. બાળક દીઠ સરકાર તેમના પેરેન્ટ્સના અકાઉન્ટમાં ૫૦૦ ડોલર જમા કરશે. હેલ્થ કેર માટે ૧૩૦ અબજ ડોલરની ફાળવણી થઈ છે. ઉદ્યોગ એકમોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પણ ખાસ જોગવાઈ થઈ છે. એ પ્રમાણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ટ્રમ્પે ૩૬૭ અબજ ડોલરની ફાળવણી કરી છે.

મોટા ઉદ્યોગો આ કટોકટીમાંથી બહાર આવીને ફરીથી ઉદ્યોગ એકમો ધમધમતા કરી શકે તે માટે તેમને પણ લોન અપાશે. અમેરિકાના ઈતિહાસનું આ સૌથી મોટું રાહત પેકેજ છે.

વ્હાઈટ હાઉસમાંથી થયેલી જાહેરાત પ્રમાણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ રાહત પેકેજનો પ્રસ્તાવ રજૂ કર્યોહતો, જેને સેનેટમાં રિપબ્લિક અને ડેમોક્રેટિક સાંસદોનો ટેકો મળી ગયો હતો. સત્તાવાર પ્રક્રિયા થયા પછી અમેરિકાના પ્રમુખની સહી થશે અને તે પછી લાભાર્થીઓને લાભ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સેનેટમાં આ બિલ ઝડપથી પસાર થાય એ જરૂરી હતું. 

કારણ કે કોરોનાનો ફેલાવો જે ઝડપથી થઈ રહ્યો છે એ જોતાં લોકોને સમયસર રાહત મળે એ પણ જરૂરી છે. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર અને મુશ્કેલી સર્જયાવગર બિલને મંજૂરી આપે. આ બિલ દેશહિતમાં છે અને તેમાં સમય વેડફવો જોઈએ નહીં. ટ્રમ્પની આ ટકોર પછી સેનેટે પણ રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WIeuJP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages