
નડિયાદ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
નડિયાદમાં આવેલ જિલ્લાની મુખ્ય ખેતીવાડી સમિતિએ નગરનજનોને સસ્તા દરે ઘેર બેઠા શાકભાજી પૂરી પાડવાનો અનોખો સેવાપ્રયોગ હાથ ધર્યો છે. છેલ્લાં બે દિવસમાં શાકમાર્કેટમાં ખેડૂતોએ અંગત વાહનોમાં શાકભાજીના તૈયાર રાહત પેકેટ ભરીને વિવિધ રહેણાંક વિસ્તારોમાં હજ્જારો મણ શાક ઠાલવ્યું છે. બજાર ભાવ કરતાં અડધી કિંમતે અપાતી આ શાકભાજીને મેળવવા ગરીબ અને મધ્યમવર્ગ પડાપડી કરી રહ્યો છે.
ખેડા જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લાં બે દિવસથી કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાને કારણે શહેરીજનોને જીવન જરૂરી ખાદ્યખોરાક મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. વળી શહેરનું મુખ્ય શાકમાર્કેટ પણ ગઇકાલે બહાર પાડેલા જાહેરનામાને કારણે બંધ થઇ ગયું હતું. આથી જિલ્લાના શાકમાર્કેટ એસોશિએશને ભેગા મળીને શહેરીજનોને શાકભાજી મેળવવામાં તકલીફ ન પડે તે માટે નવતર સેવાપ્રયોગ હાથ ધર્યો છે.
બટાકા, ડુંગળી, ટામેટા, કોબીજ, ફૂલેવાર, રીંગણ, દૂધી, મરચાં જેવા શાકભાજી આ સમિતિએ સરેરાશ ૧૦ રૂપિયે કિલો શહેરીજનોને આપ્યા છે. આ માટે ૧૦૦થી વધુ ખેડૂતપુત્રો અને ખેતમજૂરોએ રાતભર બેસીને ચારથી પાંચ કિલોના રાહત પેકેટ બનાવ્યા છે. અને નાની ટેમ્પી કે ટ્રેક્ટર જેવા ૫૦થી વધુ વાહનોમાં નડિયાદના વિવિધ વિસ્તારોમાં આ શાકભાજી વેચવા માટે સામાન્ય ખેડૂત સેવાભાવી કાર્યકરો બનીને નીકળી પડયા છે. આ હરતુ ફરતુ શાકમાર્કેટ નડિયાદના મિશન રોડ, ગીતાંજલી ચોકડી, વલ્લભનગર,સાંઇબાબા મંદિર, શારદા મંદિર, પીપલગ રોડ, સંતરામ દેરી, ઇન્દિરાનગરી, પ્રગતિ નગર, સરદારનગર,વછેવાડ, છાંટીયાવાડની લીમડી, ડભાણ ભાગોળ, સલુણ બજાર જેવા એકેએક વિસ્તારોમાં ફરી વળ્યું છે.
સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન આ ફરતા શાકમાર્કેટે બે દિવસમાં ૧૬૦૦૦ કિલો શાકભાજી વેચી છે. જેમાં બટાકા, ડુંગળી, ટામેટા અને મરચાં સૌથી વધારે વેચયા છે. એપીએમસીના પ્રમુખ વિપુલભાઇ પટેલે જણાવ્યું છે કે અમારી પ્રાયોરીટી લોકોને શાક પહોંચાડવાની છે. આથી અમે પડતર ભાવે તો ક્યાંક સમિતિ તરફથી ખોટ ભરપાઇ કરીને પણ નગરજનોને ઘેર ઘેર શાક પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39qQs8Z
No comments:
Post a Comment