
નવીદિલ્હી,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા ભૂતપૂર્વ સાંસદ ડો. ઉદિતરાજની એક ટ્વિટના કારણે કોંગ્રેસમાં ધમાસાણ મચી ગયું છે. મોદી સરકારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે બનાવેલા ટ્રસ્ટમા બ્રાહ્મણો જ હોવાની ટીકા રાજે કરી હતી. તેમણે લખેલું કે, ભારતમાં દલિતોની વસતી બ્રાહ્મણો કરતાં ત્રણ ગણી છે પછી સરકારી રામમંદિર ટ્રસ્ટને માત્ર બ્રાહ્મણોને ભરોસે કઈ રીતે છોડી શકાય ? બહુજનો પાસે મજૂરી કરાવાય છે ને માલ બ્રાહ્મણો ખાય છે.
આ ટ્વિટના પગલે કોંગ્રેસના બ્રાહ્મણ નેતા મેદાનમાં આવી ગયા. રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીએ ડો. રાજને ચર્ચાનો પડકાર ફેંકતાં લખ્યું કે, બ્રાહ્મણ હોવું પાપ નથી. જિતિન પ્રસાદે કોઈ પણ જ્ઞાાતિ પર પ્રહાર નહીં કરવાની સલાહ ડો. રાજને આપી છે. બીજા બ્રાહ્મણ નેતા પણ રાજ સામે બળાપો કાઢી ચૂક્યા છે.
કોંગ્રેસના બ્રાહ્મણ નેતાઓએ સોનિયાને પણ ફરિયાદ કરી છે. આ પ્રકારની કોમેન્ટ્સથી બ્રાહ્મણ સહિતના સવર્ણો કોંગ્રેસથી વધારે દૂર થશે તેથી ડો. રાજને ચૂપ રહેવા કહેવા સોનિયાને અપીલ કરાઈ છે.
શાહે કેજરીવાલનાં પેમ્ફ્લેટ વહેંચ્યાની તસવીર વાયરલ
દિલ્હીમાં શનિવારે વિધાનસભા માટે મતદાન થાય એ પહેલાં વોટ્સએપ પર ફરતી થયેલી એક તસવીરે રમૂજ જગાવી દીધી. આ તસવીરમાં અમિત શાહ લોકોને એવાં પેમ્ફ્લેટ વહેંચી રહ્યા છે કે જેના પર લખ્યું છે, આયેગા તો કેજરીવાલ હી. આ ફોટો પર લખ્યું છે કે, ઓહ, અમિતજી આ પેમ્ફ્લેટ્સ વહેંચી રહ્યા છે.
સ્વાભાવિક રીતે જ અમિત શાહ આ રીતે કેજરીવાલનો પ્રચાર ના જ કરે ને આ તસવીર ટેકનોલોજીની કરામત કરીને બનાવાયેલી છે. જો કે તસવીર એ રીતે બનાવાઈ હતી કે કોઈ પણ વ્યક્તિ આ તસવીરને સાચી માની જ લે. આ તસવીર શાહ દિલ્હી કેંટના ભાજપના ઉમેદવાર મનિષસિંહનો પ્રચાર કરતા હતા તેમાં છેડછાડ કરીને બનાવાયેલી છે. શાહ એ વખતે મનિષ શાહનાં પેમ્ફ્લેટ જ વહેંચતા હતા પણ તેમના બદલે બીજાનો હાથ બતાવીને આ તસવીર બનાવી દેવાઈ હતી. આ તસવીરને કોઈએ સાચી ના માની પણ લોકોને મજા ચોક્કસ પડી.
ડાબેરીઓએ ગાંધીજીના મૃતદેહનો ફોટો છાપતાં ફિટકાર
કેરળની ડાબેરી સરકારે ગાંધીજીનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવા અપનાવેલા રસ્તાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. શુક્રવારે કેરળ સરકારનું બજેટ હતું. આ બજેટના કવર પેજ પર મહાત્મા ગાંધીની હત્યા સમયનું ચિત્ર છે. ગાંધીજી નાથુરામ ગોડસેની ત્રણ ગોળી ખાઈને લોહીમાં લથબથ થઈને પડયા છે. ગાંધીજીની મૃતદેહની આસપાસ કેટલાક અનુયાયી આઘાતથી સ્તબ્ધ છે અને કેટલાક ચોધાર આંસુએ રડી રહ્યા છે. કેરળના નાણાં મંત્રી થોમ આઈઝેકે દાવો કર્યો કે, ગાંધીજીની હત્યા કટ્ટરવાદી હિંદુઓએ કરી હતી તે લોકો ના ભૂલે એ માટે આ મેસેજ આપવા આ તસવીર છાપી છે.
ગાંધીજીના નામનો ઉપયોગ મતબેંકના રાજકારણ માટે વ્યાપક રીતે થયો છે પણ આટલી હલકી કક્ષાએ કોઈ ગયું નથી. ડાબેરી પક્ષોને ગાંધીજીની વિચારધારા પસંદ નથી પણ રાજકીય ફાયદા માટે ડાબેરીઓને ગાંધીજીની હત્યામાં વટાવવામાં પણ શરમ નથી આવી તેની આકરી ટીકા થઈ રહી છે. લોકો પણ ડાબેરીઓ પર આ હરકત માટે ફિટકાર વરસાવી રહ્યાં છે.
અયોધ્યાના મહંતે અમિત શાહને દોડતા કરી દીધા
મોદી સરકારે બનાવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાથી નારાજ રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસે અમિત શાહને દોડતા કરી દીધા. મહંતે પોતાનો સમાવેશ ટ્રસ્ટમાં ના કરાયો તેની સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરતાં શાહે યોગી આદિત્યનાથને ફોન કરીને મહંતને મનાવી લેવા આદેશ આપ્યો. યોગીએ તરત જ ભાજપના ત્રણ નેતાને મહંત પાસે અયોધ્યા મોકલ્યા હતા. અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા, મેયર ષિકેશ ઉપાધ્યાય અને અયોધ્યા ભાજપ પ્રમુખ અભિષેક મિશ્રા તાત્કાલિક અયોધ્યા ગયા. જો કે મહંતના અનુયાયીઓએ તેમને મંદિરમાં જ ના જવા દીધા. ત્રણેય નેતાએ કલાકો લગી સમજાવટ કરી છતાં મહંતને મળવા સુધ્ધાં અંદર ના જવા દેવાતાં છેવટે તેમણે ખાલી હાથે પાછા ફરવું પડયું. આ ઘટનાક્રમની જાણ કરાતાં અમિત શાહે મહંતને ફોન કર્યો. આ ફોન પછી મહંતના અનુગામી મહંત કલ્યાણ દાસે જાહેરાત કરી છે કે, શાહે મહંતને ટ્રસ્ટમાં લેવાની ખાતરી આપી છે. હજુ ત્રણ ટ્રસ્ટીની જગા ખાલી છે ને તેમાંથી એક પર મહંતને લેવાશે એવો દાવો તેમણે કર્યો છે.
દર્શનનો લાભ લેવામાં કેજરીવાલ સ્માર્ટ સાબિત થયા
શનિવારે દિલ્હી વિધાનસભા માટે મતદાન પહેલાં નેતાઓમાં મંદિરે દર્શન કરીને હિંદુવાદી મતદારોને રીઝવવાની હોડ જામી. આ હોડમાં પણ અરવિંદ કેજરીવાલ છવાઈ ગયા. કેજરીવાલે ભગવાનના નામનો ઉપયોગ પણ પોતાનો પ્રચાર કરવા માટે ખૂબીપૂર્વક કરી લીધો.
દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી છતરપુરમાં આદ્ય કાત્યાયની મંદિરમાં ગયા ને પછી કાલકાજી મંદિરમાં જઈને પણ પૂજા કરી. એ પછી સોશિયલ મીડિયા પર તિવારીએ પૂજાનો વીડિયો મૂક્યો.
બીજી તરફ કેજરીવાલ પરિવાર સાથે હનુમાનજીના મંદિરે દર્શન માટે ગયા. કેજરીવાલે કોનોટ પ્લેસના મંદિરમાં દર્શન પછી મૂકેલી પોસ્ટે કેજરીવાલને સોશિયલ મીડિયામાં ચર્ચામાં લાવી દીધા. કેજરીવાલે લખ્યું કે, પ્રાચીન હનુમાન મંદિર જઈને હનુમાનજીના આશિર્વાદ લીધા. દેશ અને દિલ્હીની પ્રગતિ માટે પ્રાર્થના કરી. ભગવાનજીએ મને કહ્યું કે, સારું કામ કરી રહ્યા છો, આ રીતે જ લોકોની સેવા કરતા રહો. પરિણામ મારા પર છોડી દો. બધું સારું જ થશે.
બે હજાર રૂપિયાની નોટો બંધ કરી દેવાશે ?
દેશમાં ફરી નોટબંધી આવી રહી હોવાના અહેવાલથી ખળભળાટ મચ્યો છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે, એક સરકારી બેંકે પોતાના કર્મચારીઓને લેખિતમાં આદેશ આપ્યો છે કે, હવે પછી બે હજાર રૂપિયાની નોટો ગ્રાહકોને આપવી નહીં કે એટીએમમાં પણ નાંખવી નહીં. તેના બદલે ગ્રાહકોને સો અને બસો રૂપિયાની મહત્તમ નોટો આપવી. આ જ નોટો એટીએમમાં પણ નાંખવી. ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયાની નોટો સ્વીકારવાની સૂચના પણ અપાઈ છે. આ સૂચનાના કારણે એવી વાતો ચાલી છે કે, બે હજાર રૂપિયાની નોટો બહુ જલદી બંધ કરી દેવાનું સરકાર વિચારી રહી છે.
આ મુદ્દે નાણાં મંત્રાલયના અધિકારીઓ કશું કહેવા તૈયાર નથી. બીજી તરફ બેંકોના અધિકારીઓ પણ ચૂપ છે. રાજકીય વિશ્લેષકોના મતે તેનું કારણ એ હોઈ શકે કે સરકાર તેમને જાણ કર્યા વિના જ આ નિર્ણય લેવાની તૈયારી કરી રહી હોય એવું બને.
મહત્તમ મત મેળવવા અમીત શાહના પ્રયાસો
આવતી કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે પક્ષ પ્રમુખ અમીત શાહે તમામ કાર્યકરોને દસ વાગ્યા સુધીમાં પોતાનો મત આપી તમામ ૧૩૭૫૦ મતદાન મથકોમાં ફેલાઇ જવું જોઇએ. ભાજપના સૂત્રો અનુસાર, શાહે મતદાન મથકના ઇનચાર્જને ખાસ સુચના આપી હતી કે મત આપવું એ જ કંઇ બહાદૂરી નથી, પણ મહત્ત્મ મતો નંખાવવા એ મોટું કામ છે. દેશના પાટનગરમાં ફરી વળેલા શાબે પક્ષના કાર્યકરોને આવતી કાલે સવારે છ વાગે પથારીમાંથી ઊભા થઇ જવા અને મતદાન મથકે પહોંચી જવા આદેશ કર્યો હતો. દિલ્હીની ચૂંટણીને ભાજપ વિરૂધ્ધ આપ તરીકે જોવામાં આવે છે.
દિલ્હી વિધાનસભાના ચર્ચાસ્પદ ઉમેદવારો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતને હરાવીને પહેલી વાર ચૂંટણી જીતેલા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ઉચ્ચ સ્તરીય ચૂંટણીમાં કેજરીવાલની સામે ભાજપ અને કોંગ્રેસ એમ બંને એ યાદવ ઉમેદવારો ઊભા રાખ્યા છે. તેઓ પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. પ્રતાપગંજમાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા બે વાર ચૂંટણી જીતી ચૂકેયા હતા. આ વખતે તેમની સામે ઉત્તરાખંડના ગઢવાલમાંથી આવેલા નેગી અને રાવત મેદાનમાં ઉતર્યા છે. તો કાલકાજીમાં દિલ્હીના શાળાઓમાં શિક્ષણમાં સુધાર લાવનાર આતીશીને આપ એ મેદાનમાં ઉતારી છે જેનો મુકાલબલો કોગ્રેસના શિવાની ચોપરા કરે છે. શિવાની ચોપરા દિલ્હી કોંગ્રેસના વડા સુભાષ ચોપરાની પુત્રી છે. બંને પહેલીવાર ચૂંટણી લડે છે. સુભાષ ચોપરા ત્રણ વાર અહીંથી ચૂંટાયા હતા. રાજેન્દ્રનગરમાં સ્પર્ધા બે યુવાનો વચ્ચે છે. આપના ઉમેદવાર છે રાઘવ ચઢ્ઢા જ્યારે કોંગ્રેસના છે રોકી તુસીદ. આ બંનેનો મુકાબલો ભાજપના પીઠ નેતા આર.પી.સિંહની સામે છે.
સિસોદિયાના ખાસ અધિકારીની સીબીઆઇએ ધરપકડ કરી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના ખાસ ફરજ પરના અધિકારીની સીબીઆઇએ ધરપકડ કરતાં સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું હતું કે લાંચીયાઓ સામે કડક હાથે કામ લેવું જોઇએ. જો કે ધરપકડના કારણે રાજકારણ ગરમાયું હતું. ધરપકડ કરાયેલો અધિકારી ગોપાલ કૃષ્ણ મોધવ સિસોદિયાની આફિસમાં કામ કરતો હતો અને ટ્ેક્સની પતાવટ માટે લાંચ લેતાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. સીબીઆઇએ આજે છટકું ગોઠવી તેને પકડી લીધો હતો.'તેની ધરપકડના સમય સાથે મારે કંઇ લેવા દેવા નથી. જે કોઇપણ લાંચ લેતાં ઝડપાય તેની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ.અમે લાંચને જરાય ચલાવી લતાં નથી'એમ સિસોદિયા એ ટવિટ કર્યું હતું.
મનોજ તિવારી સારો ડાન્સરઃ કેજરીવાલ
આપના નેતા કેજરીવાલ કહે છે કે તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનો ડાન્સ અને તેમના ભોજપુરી ગીગો બહુ ગમે છે.મને તેમના વિડીયો ખબ ગમે છે'એમ તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે તો તિવારીના ગીતો સાંભળે છે અને ડાન્સવાળા તેમના ગીતો જુએ છે. કેજરીવાલ પૂર્વાંચલીઓનું અપમાન કરે છે એવા ભાજપના આક્ષેપોના જવાબમાં તેમણે કહ્યું હોય એવું લાગે છે.
જામીયા મિલિયાની બહાર ચૂંટણી
જામીયા મિલીયા ઇસ્લામિયા યુનિ.ને અલગ કરનાર રસ્તા પર નાગરિક ધારા સામે વિરોધનું આયોજન કરી રહેલી જામીયા કો ઓર્ડેનેશન કમિટિએ મતદાન કેન્દ્રો થી દૂર જવા નિર્ણય કર્યો હતો, પરંતુ રસ્તા પર તો રહેશે જ.શનિવારે દિલ્હીમાં ચૂંટણી હોવાથી પોલીસે જામીયા મિલિયા ઇસ્લામીયા યુનિ.વહીવટી તંત્રને મૌલાના મોહમ્મદ અલી જૌહર માર્ગ પરથી પ્રદર્શનકારીઓને દૂર કરવા કહ્યું હતું.
યુનિ.વહીવટી તંત્રે આ પત્રને પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન અને જેસીસીને ફોરવર્ડ કર્યો હતો.
દિલ્હીમાં વિશ્વ ઉર્દુ સમારંભ મોકુફ ઉર્દુ ભાષાને પ્રોત્સાહન આપવા સરકારી દ્વારા રચાયેલી એજન્સીએ પહેલી જ વાર કેન્દ્ર સરકારના દબાણને વશ થઇ વિશ્વ ઉર્દુ સંમેલનને મોકુફ રાખ્યો હતો. સરકારને ડર હતો કે કેટલાક લોકો સીએએના વિરૂધ્ધમાં બોલશે. પંદર દેશોના ૨૫ સહિત લગભગ એક સો ઉર્દુ વિદ્વોનોને આમંત્રિત કરનાર નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ ેચાલુ સપ્તાહમાં યોજાનારા સમારંભને મોકુફ રાખતો પત્ર લખ્યો હતો.
હિન્દુ નેતાની હત્યા કરનાર તેની જ પત્ની નીકળી
લખનઉમાં કરાયેલી અખીલ ભારતીય હિન્દુ સભાના વડા રણજીત બચ્ચનની હત્યા તેની જ બીજી પત્નીએ કરાવી હતી. રણજીતના પરસ્ત્રી સાથે સબંધની જાણ થતાં તેની હત્યા કરાઇ હતી. લખનઉ પોલીસ અનુસાર,બચ્ચનની બીજી પત્ની સ્મૃત્તિ શ્રીવાસ્તવ અને તેના પ્રેમી દિપેન્દર અને ડ્રાઇવર સંજીત ગૌતમની હત્યા સબંધમાં ધરપકડ કરાઇ હતી.
- ઇન્દર સાહની
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39h2imj
No comments:
Post a Comment