- કોલેજની અન્ય છાત્રાઓની હાજરીમાં હોસ્ટેલની એક-એક વિદ્યાર્થિનીઓને વારા ફરતી બાથરૂમમાં લઈ જઈને ત્રણ મહિલા સંચાલકોએ વસ્ત્રો ઉતરાવી માસિક ધર્મની તપાસ કરી - છાત્રાઓએ મીડિયા સમક્ષ આવીને આપવિતી વર્ણવતા બહાર આવેલી ઘટનાથી ચકચાર
- પેડમેન જેવી ફિલ્મથી માસિકધર્મ વિશે ભ્રામકતા દુર કરવાનો પ્રયાસ તો બીજી તરફ કોલેજકક્ષાએ દીકરીઓ સાથે ધાર્મિકતાના ઓથે જાતિય સતામણી

ભુજ,તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
ભુજ થી મિરઝાપર રોડ પર આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને માસિકધર્મ પાળવાને લઈને કપડા ઉતારીને બાથરૂમમાં કડકાઈપુર્વક ચેકીંગ કરાતા આ મુદેે હોબાળો મચી ગયો છે. એક પ્રકારે જાતિય સતામણી કહી શકાય તેવી કોલેજ સંચાલકોની આ હરકતોને લઈને વાલીઓમાં ફીટકાર સાથે જબરો આક્રોશ પેદા થયો છે.
તેમજ આ કૃત્ય કરનાર તમામ સામે કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે. આજના આધુનિક જમાના એકતરફ પેડમેન જેવી ફિલ્મથી પીરીડયસને લઈને જાગૃત્તિ લવાઈ રહી છે તથા ભારત ચંદ્રયાન અને સમાનવચંદ્રમિશનની તૈયારી કરી રહ્યું છે. ત્યાં બીજીતરફ સરસ્વતીના મંદિરમાં જ ધાર્મિકતાની ઓથમાં મહિલાઓ સાથે આજે પણ આભડછેટ કરાતી હોવાની બાબત બહાર આવતા આ શરમજનક મુદો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યાર્થિનીઓ અને વાલીઓ સંચાલકો સામે કાયદાકીય પગલા ભરાય તેવી માગણી સાથે આજે કોલેજ બહાર દેખાવો કર્યા હતા.
કચ્છના વિવિધ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીઓ ભુજની આ કોલેજમાં અભ્યાસ અર્થે આવે છે જેમાંથી કેટલીક છાત્રાઓ અહીંની હોસ્ટેલમાં રહે છે. ૨૧મી સદીના યુગમાં એકતરફ અન્ય ગ્રહ તથા અવકાશમાં મહિલાઓ અંતરીક્ષયાત્રી બનીને કામગીરી કરી રહી છે, ત્યારે બીજીતરફ સંકુચિત માનસિકતા ધરાવતા મુઠ્ઠીભર લોકોએ તા.૧૧ના હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને કોલેજ પરિસરમાં બેસાડીને બળજબરીથી માસિકધર્મના પાલન કરાવવા મુદે બાથરૂમમાં લઈ જઈને કપડા ઉતરાવીને ચેકીંગ કરતા આ મુદ્દે વાલીઓમાં આક્રોશ પેદા થયો છે.
બે દિવસથી સંચાલકોના માનસિક અને શાબ્દિક દબાણનો સામનો કરી રહેલી છાત્રાઓ હિંમતભેર આજે ખુલ્લીને મીડિયા સામે શરમજનક ઘટનાનો ભેદખોલતા આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ પોતાની આપવિતી વર્ણવતા કહ્યું હતું કે, જે તે સંપ્રદાય કે કોલેજ સાથે અમને કોઈ સમસ્યા નથી. પરંતુ માસિકધર્મના પાલનના મુદે છેલ્લા કેટલાક દિવસથી અમને પરેશાન કરાઈ રહી છે.
તા.૧૧ના મહિલા સંચાલકોએ તમામ હદ વટાવીને અમારા કપડા ઉતારીને ચેકીંગ કર્યું હતું. કોલેજ પરિસરમાં અન્ય વિદ્યાર્થિનીઓની હાજરીમાં હોસ્ટેલની છાત્રાઓને વારા ફરતી બાથરૂમમાં લઈ જઈને શરમજનક સ્થિતિમાં કપડા ઉતરાવીને માસિકધર્મમાં છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી. આ ઘટનાની અમારા માનસપરખુબ જ ખરાબ અસર થઈ છે. અમે આ બાબતે ટ્રસ્ટીઓને ફરિયાદ કરતા તેઓએ માત્ર માફી મંગાવી લેશું તેવો સધિયારો આપ્યો હતો. જો કે અમે માફી નહીં પરંતુ આ હરકત બદલ કાયદાકીય પગલા ત્રણ સંચાલક મહિલાઓ સામે ભરવા માંગણી મુકી હતી. જેના જવાબમાં ટ્રસ્ટીઓએ આ કાર્યવાહીનો નનૈયો ભરીને,તમારાથી થાય તે કરી લ્યો તેવો જવાબ આપીને અમારુ વધુ અપમાન કર્યુ ંહતું.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ઘટના બહાર લાવીને વિરોધ કરવાના મુદે અમારી પરીક્ષાના માર્કસ અને કરીયર પર પણ અસર થઈ શકે છે. ઉપરાંત અમને અહીંથી કાઢી નખાશે તેવો ભય પણ છે. આમછતાં અમારી એક જ માંગણી છે કે, જે મહિલા સંચાલકોએ અમારી જોડે આ હરકત કરી છે તે તમામ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે.
આ બાબત બહાર આવતા સંચાલકો દ્વારા તેના પર ઢાંકપીછોડાનો પ્રયાસ કરાયો હતો. સંચાલકોએ વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી ઈમોશનલ બ્લેકમેઈલ કરી પગલા લેવાની વાત જતી કરવા આગ્રહ કર્યો હતો. તેમજ લખાણ પણ લખાવી લીધું હતું. આ ઘટનાની સત્યતા ચકાસવા તેમાં સંડોવણીનો આક્ષેપ છે તે કોલેજના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ડરના માર્યા તથા જવાબ આપવાથી બચવા માંગતા હોય તેમ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. બનાવ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
માસિક ધર્મની તપાસ માટે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો
વિદ્યાથનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાથનીઓને પેસેજમાં બેસાડી હતી. જે વિદ્યાથનીઓ માસિક ધર્મમાં હોય તેને ઊભી થવાનું કહેવાયું હતું. જેને પગલે બે છોકરીઓ ઊભી થઈને બાજુમાં બેસી જતાં તેમને એક બાદ એક એમ તમામ છોકરીઓને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂર થયાં હતાં. તે લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. કોલેજના મહિલા પ્રિન્સિપાલ રીટાબેને અને અન્ય શિક્ષિકાઓએ અમને આવી ફરજ પાડી હતી. કોઈની સાથે કોલેજ, હાસ્ટેલ કે અન્ય જગ્યાએ આવું ન થવું જોઈએ. આ બનાવને લઈને કડક પગલાં લેવા જોઈએ.
કોઈ વિદ્યાર્થિની અઘટિત પગલું ભરશે તો જવાબદાર કોણ? વાલીઓનો સવાલ
એકતરફ મહિલાઓને હાયરએજ્યુકેશન લઈને પુરૂષ સમોવડી બનાવવાની વાત કોલેજમાં શિખવાડાય છે. બીજીતરફ ધાર્મિકતાના નામે માસિકધર્મના પાલનના નામે માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે આ બાબત સ્વીકાર્ય નથી તેવું વાલીઓએ જણાવ્યું હતું . દુનિયા વૈજ્ઞાાનિક દષ્ટિકોણ સાથે આગળ નીકળી ગઈ છે જ્યારે ભારતમાં આજેપણ જુનવાણી માન્યતાઓ આગળ ધરીને સ્ત્રીઓ સાથે પુરુષસમાજ દ્વારા ભેદભાવ અને આભડછેટના અવનવા દાવપેચ ચાલી રહ્યા છે. આ સ્થિતીમાં ભારતની નવી પેઢીની માનસિકતા કેવી ઘડાશે? તે ગંભીર બાબત છે. વાલીઓએ જણાવ્યું હતું કે, સંસ્થાના અન્ય નિયમો વિદ્યાર્થિનીઓ પાલન કરે છે, પરંતુ માસિકધર્મના પાલન અંગે અપાતો માનસિક ત્રાસ અસહ્યનીય છે. આવી સ્થિતીમાં છાત્રાઓ કોઈ અધટિત પગલું ભરી બેસે તેવી શક્યતા પણ છે. તેના માટે જવાબદાર કોણ રહેશે?
યુનિવર્સિટી દ્વારા તપાસ કરાશે - ઈ.કુલપતિ
મહિલા સાથે માનસિક ઉત્પીડન અને ભેદભાવ ભરી આ ઘટનાના પડધા રાજ્યભરમાં પડયા છે. ત્યારે આ બનાવની સત્યતા તથા વિગતની તપાસ કરાશે તેવું કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ દર્શના ધોળકીયાએ જણાવ્યું હતું.
મહિલા સુરક્ષા સેલ ફક્ત કાગળ પર જ!
દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જાતિય સતામણી સામે વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે મહિલા સુરક્ષા સેલ બનાવવાનો નિયમ છે. પરંતુ કોલેજો તો ઠીક મોટાભાગની યુનિવર્સિટીઓમાં પણ આવા સેલ ફક્ત કાગળ પર જ ચાલતા હોય છે. રેકર્ડ પર બતાવવા માટે સમયાંતરે આવી સમિતિઓની બેઠક યોજી ચા-પાણી, નાસ્તા કરીને બધા છુટા પડી જાય છે. ભુજની જે કોલેજમાં વિવાદ થયો છે ત્યાં પણ આવી જ સ્થિતિ છે. હકીકતમાં આવા સેલ જમીનીસ્તર પર વિદ્યાર્થિનીઓની સલામતી માટેની કોઈ કામગીરી કરતા નથી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uMAojs
No comments:
Post a Comment