મિલ્કત તબદીલી અધિનિયમમાં બક્ષીસ અંગે કાનૂની જોગવાઈઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 9 February 2020

મિલ્કત તબદીલી અધિનિયમમાં બક્ષીસ અંગે કાનૂની જોગવાઈઓ


સ્થાવર અને જંગમ મિલ્કતની તબદીલીઓ કાનુની પીઠબળ સાથે મિલ્કત તબદીલી અધિનિયમ - ૧૮૮૨ને આધીન કરવામાં આવે છે અને મિલ્કતોની તબદીલીના જુદા જુદા પ્રકાર છે. તેમાં વેચાણ, ગીરો, બક્ષીસ, ભાડા-ખરીદી, ભાડાપટ્ટો વિગેરેનો સમાવેશ થાય છે. આ બધા તબદીલીના વ્યવહારોમાં જે પાયાના તત્વો (Ingredient) સમાયેલા છે.

ગત લેખમાં મિલ્કત અધિનિયમ હેઠળ વેચનારા અને ખરીદનારાઓ માટે શું શું કાળજી તેઓના હિતોના રક્ષણ માટે રાખવી જોઈએ તે અંગે આલેખન કરવામાં આવેલ જેમાં વાચકો તરફથી રજૂઆતો આવી કે મિલ્કત તબદીલીમાં બક્ષિસ ‘Gift'નો પણ સમાવેશ થાય છે અને બક્ષીસ સ્થાવર અને જંગમ મિલ્કતની (Moveable and Immoveable Properties) થાય છે એટલે બક્ષીસમાં પાછળથી સબંધિત હિત ધરાવતા પક્ષકારો દ્વારા ઉપસ્થિત થતા પ્રશ્નોને કારણે આમ જનતાને પણ જાણકારી મળી રહે તે માટે બક્ષીસની કાનુની જોગવાઈઓ અંગેનું નિરૃપણ કરવામાં આવે છે.

બક્ષીસ અંગે મિલ્કત તબદીલી અધિનિયમમાં કલમ-૧૨૨ થી ૧૨૯માં કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. બક્ષીસમાં પણ માલિકી હક્કનો ફેરબદલો થાય છે. પરંતુ જેમ વેચાણ અને અન્ય વ્યવહારોમાં અવેજ સાથે (With Consideration) વ્યવહાર થાય છે. જ્યારે બક્ષીસમાં વિના અવેજ (Without Consideration) માલિકી હક્કમાં ફેરફાર થાય છે.

કાયદાકીય રીતે બક્ષીસની વ્યાખ્યા જોઈએ તો મિલ્કતના દાતાઓ બક્ષીસથી અપાતી મિલ્કત સ્વેચ્છાએ કોઈપણ પ્રકારના અવેજ વિના અને ભેટ સ્વરૃપે જે આદાતા (Donee) હોય તે વ્યક્તિએ સ્વીકારેલી જેમાં સ્થાવર અને જંગમ બન્ને પ્રકારની મિલ્કતો ભેટ સ્વરૃપે આપી શકાય અને આવી ભેટ હયાતીમાં જ સ્વીકારેલ હોવી જરૃરી છે. બક્ષીસ અંગેની વ્યાખ્યા સ્વરૃપે સમજ મેળવ્યા પછી, બક્ષીસમાં સમાયેલ તત્વો/ લક્ષણો  (Ingredient)  મહત્વના છે.

જેમાં (૧) મિલ્કતની ફેરબદલી, માલિકી હક્કનો બદલો Transfer of Rights થવા જોઈએ, બક્ષીસ સ્થાવર અને જંગમ મિલ્કત બન્નેની થઈ શકે છે. (૨) બક્ષીસ અસ્તિત્વમાં હોય તેવી સ્થાવર કે જંગમ મિલ્કતની થઈ શકે, આમ બક્ષીસની વિષયવસ્તુ વિદ્યમાન હોવી જરૃરી છે. ભવિષ્યમાં ઉત્પન્ન થનારી મિલ્કતની બક્ષીસ થઈ શકે નહી, આમ બે જીવીત વ્યક્તિ વચ્ચે વિદ્યમાન મિલ્કત વચ્ચેના વ્યવહારની બાબત છે. વિલથી આપેલ મિલ્કતોને આ જોગવાઈઓ લાગુ પડતી નથી, તે અંગે અલગ જોગવાઈ છે. (૩) મિલ્કતની ફેરબદલી સ્વેચ્છાપૂર્વકની હોવી જોઈએ.

બક્ષીસના પાયાના તત્વમાં સ્વેચ્છાએ મિલ્કતની ભેટ તે મુખ્ય છે, જેને કહી શકાય કે હૃદયના ભાવ સાથે, બક્ષીસકર્તાએ કોઈપણ પ્રકારના દબાણ કે લાગવગ, ધાકધમકીને વશ થયા વિના સ્વતંત્રપણે તે મિલ્કત સામી વ્યક્તિને આપી છે તેવું હોવું જરૃરી છે. (૪) બક્ષીસ અવેજ વિના હોવી જોઈએ, આમ તો બક્ષીસના પાયાના અર્થઘટનમાં કોઈપણ પ્રકારના અવેજ, બદલા વગર બક્ષીસ આપવામાં આવે છે એટલે Without Consideration  એ બક્ષીસમાં અગત્યનું અંગ છે. (૫) બક્ષીસનો સ્વીકાર કરેલ હોવો જોઈએ અથવા તેના વતી કોઈ વ્યક્તિએ સ્વીકાર કરેલ હોવો જોઈએ. સર્વ સમાન્ય સિધ્ધાંત મુજબ બક્ષીસ અપાયા બાદ સ્વીકાર થવો પણ જરૃરી છે, સગીર દાતા બનતો નથી, પરંતુ તે આદાતા  (Donee)  બની શકે છે.

આવો આ દાતા જ્યારે પુખ્તવયનો થાય અને તેને જવાબદારીનું ભાન થાય અને સ્વીકાર કરે તો તે જવાબદારીથી બંધાય છે. સગીરના વતી બીજી વ્યક્તિ પણ બક્ષીસ સ્વીકારી શકે છે, સગીરને બક્ષીસ કર્યા બાદ દાતા તે પરત લઈ શકે નહી, સિવાય કે સગીર પોતે તે પરત કરે, આમ બક્ષીસમાં સ્વેચ્છાનું જેટલું અગત્યનું અંગ છે તેવું બક્ષીસના સ્વીકારનું તત્વ પણ મહત્વનું છે. આદાતાએ (Donee) દાતાની હયાતિ દરમ્યાન જ બક્ષીસનો સ્વીકાર કરવાનો છે. જો આદાતા (Donee)  બક્ષીસનો સ્વીકાર કરે તો મિલ્કતનું ટાઈટલ તેને પસાર થશે. આમ બક્ષીસમાં ઉક્ત જણાવ્યા પ્રમાણેના તત્વો વિદ્યમાન હોવા જરૃરી છે.

મિલ્કત તબદીલી અધિનિયમમાં તમામ પ્રકારના વ્યવહારોની ફેરબદલી કઈ રીતે કરવી તેની પણ કાર્યપધ્ધતિ સુચવવામાં આવી છે. બક્ષીસમાં પણ સ્થાવર મિલ્કતની ફેરબદલી નોંધાયેલ દસ્તાવેજથી દાતા અને તેના વતી કોઈના દ્વારા અને બે વ્યક્તિઓની સાક્ષીએ થઈ શકે છે. તે જ રીતે જંગમ મિલ્કતની ફેરબદલી નોંધાયેલા અને સહી કરાયેલા દસ્તાવેજથી અથવા તો વસ્તુની સોંપણીથી થઈ શકે છે, બક્ષીસમાં ભેટ સ્વરૃપે અપાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતની ફેરબદલી પણ અગત્યની છે.

મિલ્કત તબદીલી અધિનિયમમાં એકવાર બક્ષીસ થયા બાદ અને કબજો/ માલિકી હક્કમાં ફેરફાર થયા બાદ બક્ષીસ મોકૂફ કે રદ કરી શકાતી નથી, એટલે કે જો કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને એમ કરવામાં આવ્યું હશે અથવા તો ઉપર ‘Gift' ને લગતા જે તત્વો/ લક્ષણો બતાવવામાં આવ્યા છે તેનો ભંગ કરીને ભેટ કરવામાં આવી હોય તો તે ફક્ત અદાલત (Court) દ્વારા જો તે પુરવાર થાય તો તેવા વ્યવહારને રદ કરી શકાય.

સામાન્ય રીતે સંપૂર્ણ બનેલી બક્ષીસો તે રદ કરી શકાતી નથી અને આમ છતાં કલમ-૧૨૩ એવી જોગવાઈ કરે છે કે અમુક જણાવેલ સંજોગોમાં ઉપસ્થિત થાય તો સંપૂર્ણ થયેલી બક્ષીસ પણ મોકૂફ રાખી શકાય અથવા તો સંજોગો અને યથા પ્રસંગે અંશત: કે પુરે પુરા પણ રદ કરી શકાય. પરંતુ બક્ષીસ રદ કરવા માટે પણ વ્યાજબી અને પર્યાપ્ત કારણો પુરાવા સહ અદાલતમાં રજૂ કરવા પડે અને સાબિત કરવા પડે. સામાન્ય રીતે બક્ષીસ થયા બાદ તેનો અમલ થાય છે અને બક્ષીસ કરનાર તેનો અમલ કરવા પણ બંધાયેલો છે કોઈપણ કારણ બતાવ્યા સિવાય બક્ષીસ ખત રદ કરી શકાય નહી.

આમ પ્રવર્તમાન સમયમાં બક્ષીસથી અપાતી સ્થાવર કે જંગમ મિલ્કત પણ નોંધાયેલ દસ્તાવેજથી અને ઉપર જણાવેલ તત્વોની જાણકારી જરૃરી છે જેથી દાતા (Donor) અને આદાતા ((Donee) બન્નેનો ઉદ્દેશ અને હેતુ જળવાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SahyvD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages