વિસનગર,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
મહેસાણામાં એક જ મહોલ્લામાં રહેતા યુવક અને યુવતીનો પ્રેમસંબંધ સમાજ નહી સ્વીકારતા બાસણા પાસેની સુજલામ સુફલામ કેનાલમાં પડી મોત વ્હાલુ કર્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવકે વિડીયો કોલીંગ કરી પરિવારને જાણ કરતા યુવકનો પરિવાર દોડતો આવ્યો હતો. લગભગ બે કલાક સુધી હદની રકઝક બાદ વિસનગર પોલીસે પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.
મહેસાણા દૂધ સાગર ડેરી પાછળ આવેલ શંકરપુરા વિસ્તારના વિશાલ કનુજી ઠાકોર ઉ.વ.૨૩ અને પૂનમ છનાજી ઠાકોર ઉ.વ.૨૩ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ બન્ને એક જ મહોલ્લામાં રહેતા હોવાથી સમાજના રિતરીવાજ પ્રમાણે લગ્ન શક્ય નહોતા. સમાજના બંધનો સાથે સાથે જીવન જીવવાનું શક્યન હી લાગતા આ બન્ને યુવક અને યુવતીએ કમરના ભાગે દુપટ્ટાથી બાંધી વિસનગર તાલુકાના બાસણા ગામ પાસેની સુજલામ સુફલામ કેનાલમાં ઝંપલાવ્યું હતું. પાણી ભરેલ કેનાલમાં બે મૃતદેહ હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જિલ્લા કંટ્રોલને જાણ કરતા મહેસાણા ફાયર ફાયટરની ટીમ આવી સવારે ૧૧ કલાકે દુપટ્ટાથી એકબીજાને બાંધેલ બન્ને મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. જિલ્લા કંટ્રોલને બનાવની જાણ કરતા મહેસાણા અને વિસનગર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસ મૃતદેહ સ્વીકારવા કે નહી તે બાબતે અવઢવમાં મુકાઈ હતી. કેનાલ બાસણા અને દેલા વચ્ચે આવેલી હોવાથી મૃતદેહ સ્વીકારવામાં બન્ને તાલુકાની પોલીસ પ્રથમ આનાકાની કરતી હોવાનું જોવા મળ્યું હતું. જ્યાં લાંબી મડાગાંઠ બાદ વિસનગર તાલુકા પીએસઆઈ ડી.આર.રાઠોડે મૃતદેહનો કબજો સ્વીકાર્યો હતો અને પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.
આત્મહત્યા પહેલા યુવકે વિડીયો કોલીંગ કરી પરિવારને જાણ કરી
મહેસાણા શંકરપુરા વિસ્તારના યુવક અને યુવતિએ આત્મહત્યા કરતા પહેલા યુવકે સવારે ૮-૩૦ કલાકે તેના પરિવારને વિડીયો કોલીંગ કરી આત્મહત્યા કરી રહ્યા હોવાની જાણ કરી હતી. યુવક ખાનગી માલિકીની ગાડીમાં ડ્રાઈવીંગ કરતો હોવાથી બાસણા કેનાલ પાસે પડેલી ગાડી લઈ જવાની જાણ કરી હતી. યુવકનો પરિવાર કેનાલ પાસે આવતા મોબાઈલ અને ચપ્પલ મળી આવ્યા હતા. ફાયર ફાયટર ટીમની મદદથી પાણી ભરેલ કેનાલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા.
હદ નક્કી કરવાના વિવાદમાં પોલીસ મોતનો મલાજો જાળવી શકી નહી
વિસનગર-મહેસાણા વચ્ચે બાસણા પાસેની સુજલામ સુફલામ કેનાલમાં પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરતા ફાયર ફાયટર ટીમે સવારે ૧૧-૦૦ કલાકે મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થળ ઉપર પહોંચેલ વિસનગર અને મહેસાણા તાલુકાની પોલીસ ટીમ બન્નેના મૃતદેહ સ્વીકારવા અવઢવમાં મુકાઈ હતી. ચિત્રોડા ગામના પૂર્વ ડેલીગેટ અરવિંદ ચૌધરી, બાસણાના સરપંચ વિજય ચૌધરી વિગેરે આગેવાનો સ્થળ ઉપર આવ્યા બાદ હદ નક્કી થતા વિસનગર તાલુકા પોલીસે બપોરે ૧ કલાકે બન્ને મૃતદેહ સ્વિકાર્યા હતા. બન્ને તાલુકાની પોલીસ વચ્ચે હદ નક્કી કરવાના વિવાદમાં બે કલાક મૃતદેહ રઝળતા મોતનો મલાજો નહી જળવાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vt3qoc
No comments:
Post a Comment