પાલનપુર, તા. 06 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી કેનાલોમાં વારંવાર ગાબડા પડવાનો સિસિલો યથાવત રહેતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે એક તરફ ખેડૂતોને પાણી ન મલતા ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. તો બીજી તરફ કેનાલોમાં પાણી છોડવામાં આવતા વારંવાર ગાબડા પડી રહ્યા છે. જેને કારણે બંને બાજુ નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવે છે. ત્યારે ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કડક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ખેડૂતો માટે વારાફરતી નવી આફતો આવી રહી છે. જેમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, તીડની આફત બાદ હવે કેનાલોના ગાબડા સૌથી મોટી સમસ્યા બની છે ત્યારે કેવડિયાથી લઈ રાજસ્થાન સુધી ૪૬૦ કિલોમીટર લાંબી મેઈન કેનાલ બનાસકાંઠાના ૭ તાલુકાઓમાંથી પસાર થાય છે. નર્મદાની માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં મોટા ભ્રષ્ટાચારના કારણે વારંવાર ગાબડાઓ પડે છે. ગાબડાના કારણે સૌથી કફોડી પરિસ્થિતિ ખેડૂતોની છે. જે પાણીના આશીર્વાદના કારણે ખેતરમાં પાક તૈયાર થયો હોય તે જ પાણી પાકને પાયમાલ કરે છે. જ્યારે કેનાલમાં ગાબડા પડે છે ત્યારે ખેતરો બેટમાં ફેરવાય છે જેથી ખેતરોમાં ઉભો પાક નાશ પામે છે. એના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. જિલ્લાના ૭ તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી. પરંતુ કેનાલમાં થયેલો ભ્રષ્ટાચાર આજે કેનાલરૃપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતાં જ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. પરંતુ આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી માટે તરસતા હતા. પરંતુ આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીનને જીવતદાન આપ્યું. પરંતુ આજે ભ્રષ્ટાચારના પાપે જે ગાબડા પડયા છે તેના કારણે પાણીનો વેડફાટ થયો છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસમાં કેનાલોમાં ૧૮થી વધુ મસમોટા ગાબડા પડયા છે. જેને લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સરહદી વિસ્તાર વાવ તાલુકામાં માત્ર ૨૪ કલાકમાં જ બે કેનાલોમાં મસમોટા ભંગાણ પડતા એક વાર ફરીથી તંત્રની બેદરકારીને કારણે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૃપ નહીં પરંતુ શ્રાપરૃપ બની રહી છે. જેમાં વાવ પંથકમાંથી પસાર થતી અરજણપુરા ગામની માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનુ ંગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘુસ્યા હતા. તો બીજી તરફ કુંડળીયા ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને મોટાપાયે નુકસાન થતું જોવા મળી રહ્યુ ંછે. આ મામલે ખેડૂતો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોી પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
મુખ્ય ઈજનેરે ગાબડા માટે ખેડૂતોને ગણાવ્યા જવાબદાર
કેનાલમાં ગાબડા પડવા મામલે નર્મદા વિભાગના મુખ્ય ઈજનેર કે.આર. પરીખે જણાવ્યુ ંહતું કે પાણી ખેંચવા માટે લગાવેલા પંપો એકસાથે બંધ થાય છે. એકસાથે પંપ બંધ થતા કેનાલ ઓવરફ્લો થાય છે. બનાસકાંઠામાં માત્ર ૪૪ ગાબડા જ પડયા છે. ભંગાણથી ફક્ત ૧૫ ખેડૂતોને નુકસાન થયું છે.
વાવ પંથકમાં માત્ર 24 કલાકમાં બે મસમોટા ગાબડા
વાવ તાલુકાના અરજણપુરા ગામની માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનું ગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘુસ્યા હતા. તો બીજી તરફ કુંડળીયા ગામની ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતાં પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું.
મળતીયાને કોન્ટ્રાક્ટ અપાય છે, કોંગ્રેસ
સમગ્ર મામલે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મળતીયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાયો છે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં નથી મુકવામાં આવતા.
છેલ્લા 1 માસમાં 18થી વધુ ગાબડા પડયા
૧. તા. ૮-૧-૨૦૨૦ના રોજ વાવના જાનાવાડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સનેસડા ગામની સીમમાં ૨૦ ફૂટનું ભંગાણ લાખો લિટર પાણી વેડફાયું.
૨. તા. ૯-૧-૨૦૨૦ના રોજ વાવના ભાટવર ગામની સીમમાં ભંગાણ, પાંચ એકર દિવેલાના પાકમાં પાણી ફરી વળ્યું.
૩. તા. ૧૮-૧-૨૦૨૦... વાવના ઢીમા નજીક સ્પ્રેડા કેનાલ ઓવરફ્લો થતાં ઘઉં, મકાઈના પાકમાં પાણી ફરી વળ્યું.
૪. વાવ તાલુકાના લાલપુરા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતા ઘઉં, મકાઈના પાકમાં પાણી ફરી વળ્યું.
૫. સુઈગામના રડકા માઈનોલ કેનાલ ઓવરફ્લો થતા મકાઈ ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યું.
૬. ૨૧-૧-૨૦૨૦ વાવના રાછેણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ઢીમા ગામની સીમમાં ઓવરફ્લો.
૭. વાવના ઉપચા માઈનોર એક કેનાલમાં ૧૦ ફૂટનું ભંગાણ, લાખો લીટર પાણીનો વેડફાટ.
૮. થરાદના ભોરલ કેનાલમાં ૨૦ ફૂટનું ભંગાણ... લાખો લીટર પાણીનો વેડફાટ.
૯. ૨૩-૧-૨૦૨૦... વાવના ભાટવર ગામની સીમમાં ૧૦ ફૂટનું ભંગાણ ... ૧ એકર રાઈના પાકમાં ઘુંટણસમું પાણી ભરાયું.
૧૦. ૨૬-૧-૨૦૨૦...વાવના જોડીયા ડિસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી ગોલગામ માઈનોર ૩ કેનાલમાં ૧૦ ફૂટનું ભંગાણ થતા ૧૦ એકર ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યું.
૧૧. ૨૭-૧-૨૦૨૦...વાવના ચાંદરવા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતા ૪ એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું.
૧૨. વાવના બાલુત્રી કેનાલમાં આકોલી ગામની સીમમાં ભંગાણ થતા ૧૦ એકર જીરૃ, ઈસબગુલના પાકમાં પાણી ફરી વળ્યું.
૧૩. વાવના જાનાવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સનેસડા ગામની સીમમાં ૫૦ ફૂટ જેટલું ભંગાણ થતા લાખો લિટર પાણીનો બેફામ કલાકો સુધી વેડફાટ થયો.
૧૪. વાવના રાછેણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ઢેરીયાણા ગામની સીમમાં ૪૦ ફૂટ જેટલું મધરાતે ગાબડું પડતાં ૪૦ એકર જીરૃ અને દિવેલાના પાકમાં ઘુંટણસમું પાણી ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.
૧૫. વાવના અરજણપુરા ગામની સીમમાં ગૌચરની જગ્યામાં કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ.
૧૬. ચુવા માઈનોર કેનાલ ઓવરફ્લો...
૧૭. કુંડાળીયા માઈનોર કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડું થતા જીરાનો પાક બળીને ખાખ.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38cbOHy
No comments:
Post a Comment