37 હત્યા, 73 લૂંટ, 26 બળાત્કાર અને 168 અપહરણના ગુના નોંધાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 July 2019

37 હત્યા, 73 લૂંટ, 26 બળાત્કાર અને 168 અપહરણના ગુના નોંધાયા



ગાંધીનગર, તા. 2 જુલાઈ 2019, મંગળવાર

રાજયમાં દિનપ્રતિદિન ગુનાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે તેમાંથી ગાંધીનગર જિલ્લો પણ બાકાત રહયો નથી. જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ચોરી, લૂંટ, ધાડ, ધમકી, બળાત્કાર અને હત્યાના ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. બે વર્ષ દરમ્યાન ૭૩ લૂંટ, ૩૭ હત્યા, ર૬ બળાત્કાર અને ૧૬૮ અપહરણના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે તો જિલ્લામાં આ ગુનાઓ સંદર્ભે અત્યાર સુધી બે વર્ષમાં ૩૦૧૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ૯૧ આરોપી હજુ પોલીસ પકડથી દુર રહયા છે. જેમને પકડવા માટે પોલીસની વિવિધ ટીમો અને ખાસ કરીને એબસ્કવોન્ડર સ્કવોડ કામે લાગેલ છે. 

ગુજરાત રાજયની આમ તો શાંત રાજય તરીકે ગણના કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી આ રાજયમાં પણ ગંભીર કહી શકાય તેવા ગુનાઓમાં ઉત્તરોતર વધારો થતો રહયો છે. ખાસ કરીને લૂંટ, ધાડ, હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ હવે રોજ પોલીસ ચોપડે નોંધાઈ રહયા છે. રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારના ગુનાઓ હવે સામાન્ય બન્યા છે.

સરકારે આજે વિધાનસભામાં રજૂ  કરેલા આંકડાઓ પ્રમાણે જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન લૂંટના ૭૩, ચોરીના ૬૯૮, ધાડના ૧૦, ધમકીના ૪૧૦, હત્યાના ૩૭, હત્યાના પ્રયાસના પ૦, બળાત્કારના ર૬, અપહરણના ૧૬૮, મારામારીના ૩૬૭, છેડતીના ૬૬, આપઘાતના ૩૦૩ અને ઘરફોડ ચોરીના ર૬૨ ગુનાઓ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા આ ગુનાઓ પૈકી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે પણ દોડધામ કરવામા આવે છે અને જે અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮માં ૧૪૮૯ અને વર્ષ ર૦૧૮-૧૯માં ૧૪૭૨ આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

આમ જિલ્લામાં નોંધાયેલા બે વર્ષના ગુનાઓમાં સંડોવાયેલા ૩૦૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં ૯૧ આરોપીઓ જે હજુ સુધી પકડાયા નથી તેમને પકડવા માટે પણ ખાસ સ્કવોડ બનાવીને તેને પકડવા પ્રયાસ કરવામાં આવી રહયા છે. ગાંધીનગર જિલ્લામાં હાલ સીસીટીવી સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે જેના પગલે બનતા ગુનાઓ અટકાવવા અને ગુનાઓ આચર્યા બાદ આરોપીઓને પકડવામાં પણ આ સર્વેલન્સ કામ આવી રહયું છે. પાટનગર એવા ગાંધીનગર શહેરમાં જ અત્યાર સુધી ૩૫૦થી વધુ કેમેરા અલગ અલગ યોજના હેઠળલાગી ગયા છે જે શહેરના દરેક ખુણા ઉપર બાજ નજર રાખી રહયા છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/305nyXF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages