વડોદરા,તા.12 જૂન, બુધવાર
વડોદરા શહેરમાં રજીસ્ટર્ડ ઓફિસ બનાવી તેની અલગ અલગ શહેરોમાં બ્રાંચો ખોલી તેમજ એજન્ટો બનાવી લોભામણી સ્કીમો દ્વારા લોકોને છેતરી પોતાની કંપનીમાં રોકાણ કરાવીને કરોડો રૃપિયાની ઠગાઇ કર્યા બાદ કંપનીના સંચાલકો ઉઠમણું કરી ફરાર થઇ જવાના બનાવમાં આઠ ફાયનાન્સિયલ તેમજ રિઅલ્ટી કંપનીનો ભોગ બનનાર લોકો પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે. આવી ઠગ કંપનીના સંચાલકો દ્વારા લોકોના પૈસે ઉભી કરેલી પ્રોપર્ટીઓ ટાંચમાં લેવામાં આવી રહી છે અને તેની હરાજી કર્યા બાદ હવે લોકોને નાણાં ચુકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે હલધર રિઅલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝ લી., એએસએનસી મલ્ટીટ્રેડ એન્ડ સર્વિસ પ્રા.લી., એચવીએન રિઅલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા લી. તેમજ મૈત્રીય સર્વિસીઝ પ્રા.લી. નામની ચાર ગૃપ કંપનીના સંચાલકો સામે સીઆઇડી ક્રાઇમ તેમજ વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઉપરોક્ત ચારેય કંપનીમાં આશરે ૧૦ હજાર જેટલા રોકાણકારોએ કરોડો રૃપિયાની રકમ ગુમાવી છે. આ રોકાણકારો પૈકી કેટલાક લોકો જ પોલીસ સમક્ષ આવ્યા છે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હવે કોર્ટના હુકમથી આરોપીઓની મિલકતો ઓળખી કાઢી તેઓની મિલકતો ટાંચમાં લેવાનો પણ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને તે મુજબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. કંપનીમાં રોકાણ કર્યા બાદ પાકતી મુદતે નાણાં નહી મળતા અનેક લોકો આ કંપનીઓની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેથી ચારેય કંપનીઓના રોકાણકારોની રકમ પરત અપાવવા માટે વડોદરા શહેર એસડીએમની નિયુક્તિ કરવામાં આવી છે. શહેર એસડીએમની નર્મદાભવનના છઠ્ઠા માળે આવેલી કચેરીમાં ચારેય લેભાગુ કંપનીના રોકાણકારો તા.૧૭ જુનથી ૧૬ જુલાઇ સુધી ક્લેઇમ નોંધાવી શકશે.
ઉપરોક્ત ચારેય કંપનીઓએ વડોદરા શહેર ઉપરાંત જિલ્લા તેમજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને ભરૃચ જિલ્લામાં પણ પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ-૨૦૦૩ મુજબ ભોગ બનનાર વ્યક્તિઓ દાવા કરશે તો ઠગ કંપનીઓમાં રોકેલી રકમ પરત મળી શકે તેમ છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Izxku6
No comments:
Post a Comment