
જેમ ભારતમાં અબકી બાર મોદી સરકારના ગાણા સાંભળવા મળે છે એમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ અત્યારથીજ અબકી બાર ટ્રમ્પ સકરારનું વાજું વગાડવું શરું કર્યું છે. ચીન અને અમેરિકા બંને એેક બીજાને આકરાં પગલાંની ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પે ચીનને ખોંખારીને કહી દીધું છે કે એમ ના માનતા કે મારી સરકાર ફરી વાર નહીં આવે. અમારે ત્યાં પણ અબકી બાર ટ્રમ્પ સરકારનો માહોલ ચાલે છે.
સારું છે કે ભારતમાં ચૂંટણીઓનો માહોલ છે નહીંતર અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોરમાં ભારત પણ પોતાનો ઓપીનીયન મુકવા જાત અને ખોટનો ધંધો ખેંચી લાવત.
બે મોટા લડતા હોય ત્યારે શાણા માણસે તમાશો જોઇને લડાઇમાંથી પોતે થોડું શીખવું જોઇએ. ભારતના રાજકારણીઓ પાસે હમણા એક મુદ્દાનો કાર્યક્રમ એ છે કે કોઇ પણ રીતે સત્તા કબજે કરવી. આપણા રાજકારણીઓ જાણે છે કે તેંજી-મંદી, ટ્રેડ-બેડ બધું સત્તા વિના અર્થહીન છે.
અમેરિકા અને ચીન જે રીતે ટ્રેડ વોર રમી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે પાકિસ્તાન અમેરિકાની ઝપટે ચઢી શકે છે અને અમેરિકાની ગુડ બુક્સમાંથી કાયમી સ્તરે ફેંકાઇ શકે છે. આ ટ્રેડવોરમાં પાકિસ્તાનની સ્થિતિ કફોડી થઇ છે.
તે ચીનના હાથમાં રમી રહ્યું છે અને અમેરિકા તેને ત્રાસવાદનો ટેકેદાર સમજે છે. અમેરિકા અને ચીન બે મહાસત્તાઓ ની ટ્રેડવોરના કારણે વિશ્વભરના આર્થિક તંત્ર પર વત્તી ઓછી અસર થઇ છે.
અમેરિકા અને ચીન બંને મહાસત્તાઓ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ ઉભું કરવા પ્રયાસ કરે છે. મસુદ અઝહરને જ્યારે વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાનો હતો ત્યારે ચીને વીટો વાપરીને પાકિસ્તાનની સીધી ફેવર કરી હતી.
આ રીતે ચીન પોતાની મનમાની કર્યા કરતું હતું. અંતે જ્યારે ચોમેરથી પ્રેશર વધ્યું ત્યારે તેણે મસૂદ મુદ્દે આગ્રહ છોડી દીધો હતો. મસૂદનો કિસ્સો આખા વિશ્વએ જોયો હતો. જે રીતે ચીને પાકિસ્તાનની તરફેણ કરી હતી તે જોતાં એમ લાગતું હતું કે મહાસત્તાઓ પોતપોતાના સમર્થકોને બચાવી રહ્યું છે.
હવે જ્યારે ટ્રેડવોર ભભૂકી છે ત્યારે એમ કહી શકાય કે તેનું સૌથી વધુ નુકશાન પાકિસ્તાનને થવા જઇ રહ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનને અપાતી મદદમાં કાપ મુકીને અમે મેક્સિકો સરહદે દિવાલ રચવામાં ખર્ચ કરીશું. પાકિસ્તાનને મદદની સખત્ત જરુર છે.
નાદાર પાકિસ્તાનને કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી. ભારતની વ્યૂહ રચનાએ પાકિસ્તાનને સાવ એકલું અટૂલું પાડી દીધું છે. હવે જો અમેરિકા મદદ બંધ કરે તો તેણે ચીનને સંપૂર્ણ રીતે સરંડર થઇ જવું પડે.
જે રીતે ચીન પાકિસ્તાનને કઠપૂતળીની જેમ નચાવે છે તે જોતાં એમ લાગે છે કે ચીન ગમે ત્યારે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ચીન અને પાકિસ્તાન ભારતના કાયમી સ્તરના દુશ્મનો બની ગયા છે. આ બંને દુશ્મનો એક ના થાય તે સામે ભારતે પણ તેની કૂટ નિતીનો ઉપયોગ કરવો પડશે.
અમેરિકાનો પાકિસ્તાન માટેનો છુપોે પ્રેમ વિશ્વના લોકોની નજરે ચઢે તે માટેનેા પ્લાન પણ ભારતે તૈયાર કરવો પડશે. પાકિસ્તાનનો ત્રાસવાદ તરફનો પ્રેમ જગ જાહેર હોવા છતાં તેને સહાય આપવાનું અમેરિકાને મોંઘું પડી રહ્યું છે.
ભારત અને ચીન વચ્ચેની કોલ્ડ વોર કોઇને કોઇ રીતે પાકિસ્તાન માટે નુકશાનકારક અને ભારત માટે નફાકારક બની રહે છે. જેમ જેમ ચીન પાકિસ્તાનની નજીક જાય છે એમ એમ અમેરિકા ભારતની નજીક આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એમ કહે કે ચીન યાદ રાખે કે ૨૦૨૦ની ચૂંટણીઓમાં હું ફરીથી ચૂંટાઇને આવીશ ત્યારે ટ્રેડ વોર કેટલી ઉશ્કેરણી જનક છે તે જોવા મળેે છે.
કહે છે કે ભારતનું શેરબજાર નરમ પડી જવા પાછળનું એક કારણ અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોર પણ છે. અમેરિકાએ ચીનની અનેક વસ્તુઓ પર ડયુટી ઝીંકી છે. જેના કારણે અમેરિકામાં મળતી ચીનની પ્રોડક્ટ મોંઘી થતી જાય છે. એવીજ રીતે ચીન પણ જેવા સાથે તેવાની નિતી અપનાવીને અમેરિકી પ્રોડક્ટ પર ડયુટી વધારી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરથી વધેલા પ્રેશરની આડઅસર વિવિધ ચીજો તેમજ આર્થિક તંત્ર પર થઇ રહી છે.
ટ્રમ્પ અને જીનપીંગ વચ્ચેની હવેની મંત્રણા જુનમાં જાપાન ખાતે થવાની છે. તેમાં ટ્રેડવોર પરનેા મુદ્દો હોઇ શકે છે. ત્યાં સુધી ડયુટીવોરની ખેંચ તાણ ચાલું રહેવાની છે અને વૈશ્વિક આર્થિક તંત્ર પર તેની અસર જોવા મળ્યા કરશે.
- પ્રસંગપટ
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jjr6RY
No comments:
Post a Comment