
હિંદુત્વની રાજનીતિ ત્યારે જ સાર્થક થશે જ્યારે તમામ જ્ઞાાતિઓ રદ કરી દરેક હિંદુને એકસમાન ગણવામાં આવશે (વ્યવહારમાં પણ)
In democracy near equality is no equality. આ ઉક્તિ છે ન્યૂયોર્ક શહેરના ભૂતપૂર્વ મેયર માઇકલ રુબેન્સ બ્લૂમ્બર્ગની. અડધી-પડધી સમાનતા જેવું કશું હોતું નથી. કાં તો સમાનતા હોય છે અથવા નથી હોતી. ભારતમાં નથી. ભારતમાં દલિતો પરના અત્યાચારનો અમાનવીય સિલસિલો છેક ઉત્તર વૈદિક કાળથી ચાલ્યો આવે છે. કમસેકમ અઢી, પોણા ત્રણ હજાર વર્ષ પહેલાથી. વિશેષ દુઃખની વાત એ છે કે ૨૦૧૪ પછી દલિતો પરના અત્યાચારો ઘટવાને બદલે વધ્યા છે અને સતત વધી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતના દીકરાનો વરઘોડો નીકળ્યો તો સરપંચે મીટીંગ બોલાવી તેનો બહિષ્કાર કરી દીધો. કેમ ભાઈ? દલિત માણસ નથી? શું ઘોડા પર બેસવાનો અધિકાર કોઈ એક જ્ઞાાતિના વરરાજા પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે? કાસ્ટિઝમ એક એવી મનોરુગ્ણતા છે જેમાંથી કરોડો ભારતીયો હજુ સુધી ઊગરી શક્યા નથી.
ઉત્તરાખંડમાં કહેવાતા સવર્ણોના લગ્નમાં ગયેલો દલિત યુવાન જ્યારે ખુરશી પર બેસીને જમી રહ્યો હતો ત્યારે તેને ગાળો દઈને આઘો જતો રહેવા કહેવામાં આવ્યું. તે ન ખસ્યો તો તેને પાશવી માર મારવામાં આવ્યો.
રડતા-રડતા મંડપની બહાર નીકળ્યો તો ફરી ટીચવામાં આવ્યો. નવ દિવસ પછી તે મૃત્યુ પામ્યો. તેના પિતાની પણ આ રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, પણ કહે છેને કે સમરથ કો નહીં દોષ ગુસાઈ. જેની પાસે શક્તિ છે તેના વિરુદ્ધ કોણ પુરાવા એકત્રિત કરી શકવાનું?
દલિતો પર અત્યાચાર કરનારા તો દોષિત છે જ, તેનાથી પણ મોટો દોષી છે ઊંચ-નીચની ભાવના સેવતો સમાજનો એક વિશાળ વર્ગ. આજે ૨૧મી સદીમાં પણ પોતાને ઊંચી જ્ઞાાતિના અને બીજાને નીચી જ્ઞાાતિના ગણતા લોકોની સંખ્યા જંગી છે. ૨૦૧૭માં ગાંધીનગર જિલ્લાના લિંબોદરા ગામમાં મૂછ રાખવા મુદ્દે દલિત યુવાન પર હુમલો થયો હતો. ઉરી કાંડ તો બધાને યાદ હશે! દશભરમાં આવા બનાવો એકધારા નોંધાતા રહે છે.
ભારતમાં દર ૧૮ મિનિટે એક દલિત પર હુમલો થાય છે. ૨૦૧૬ પછીનો ડેટા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કર્યો નથી. ત્યાં સુધીની જે વિગતો પ્રકટ થઈ છે તે અનુસાર ૨૦૧૪માં દલિતો પર અત્યાચારના ૪૦,૪૦૧ બનાવ નોંધાયા હતા.
૨૦૧૬માં ૪૦,૮૦૧. દલિતો પર સૌથી વધુ અત્યાચાર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થઈ રહ્યા છે. ગુજરાત પણ ટોપ ફાઇવમાં છે. દલિતો પર અત્યાચારના જે ગુના નોંધાય છે તેમાં મહિલાઓ પર અત્યાચારનું પ્રમાણ ખૂબ ઝાઝું છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજા અને અપહરણના ગુનાઓ પણ વધારે નોંધાઈ રહ્યા છે.
ગુજરાતમાં દર એક લાખે ૧૫ એસસી-એસટી પર અત્યાચાર થાય છે. બિહારમાં સૌથી વધુ ૩૨ પર, રાજસ્થાનમાં ૩૦ પર, મધ્ય પ્રદેશમાં ૨૫ પર અત્યાચાર થાય છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર સૌથી ઓછો અત્યાચાર પશ્ચિમ બંગાળમાં થાય છે. દર એક લાખ એસસી-એસટીએ બે પર. ભલે લક્ષ્ય શૂન્ય સુધી પહોંચવાનું હોવું જોઈએ, પણ ભારતમાં અનુસુચિત જાતિ અને જનજાતિની જે સ્થિતિ છે તે જોતા પશ્ચિમ બંગાળમાં ઘણી સારી હાલત કહેવાય.
તે માટે મમતા બેનરજી અભિનંદનને પાત્ર ગણાય. વિકાસની પૂરી વ્યાખ્યા સમજવી જોઈએ. માત્ર માળખાકીય વિકાસ એ જ વિકાસ નથી. સંતુલિત સમાજ એ પણ વિકાસનો જ ભાગ છે. આપણે બીઆરટીએસ, ફ્લાયઓવર અને લીસા-લીસા રોડને જ વિકાસ સમજી લીધો છે. આપણા વિઝનમાં ખામી છે, જે સુધારવી જોઈએ.
ટકાવારીની દૃષ્ટિએ દલિતો પર સૌથી વધુ અત્યાચાર ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં થાય છે. જે મેટ્રોસિટીઝમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર થતાં હોય તેમાં જયપુર, બેંગાલુરુ, લખનઉ, હૈદરાબાદ, પટના અને કાનપુર મોખરે આવે છે.
આજકાલ હિંદુ અસ્મિતાની રાજનીતિ જોરશોરથી ખેલાઈ રહી છે, જે હળાહળ દંભથી ભરેલી છે. ખરેખર હિંદુત્વ સાર્થક કરવું જ હોય તો પહેલા જ્ઞાાતિના વાડા હટાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ. હિંદુ ધર્મમાં લગભગ ૩,૦૦૦ જેટલી જ્ઞાાતિઓ છે. મુખ્ય ત્રણ ડિવિઝન. જનરલ, ઓબીસી અને એસસી-એસટી. આ બધી જ આડશો દૂર કરી દેવામાં આવે, દરેક હિંદુને એક સમાન દરજ્જો આપી દેવો જોઈએ. બંધારણના ચોપડા પર બધા સમાન છે જ. પણ વ્યવહાર જગતમાં કોઈ સમાનતા નથી. તે લાવવાનું કામ કોણ કરશે?
એટલે જ ડૉ. ભિમરાવ રામનાથ આમ્બેડકરે કહેલું, So longs you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you.
૨૦૧૪ પછી દલિતો પર અત્યાચાર વધ્યા છે તે માટે તમે એનડીએ સરકારને દોષિત ઠરાવો તે વચગાળાનું આશ્વાસન છે. ખરેખર તો સમાજ દોષી છે. દલિતો સાથેનો ભેદભાવ દર્શાવે છે કે આપણા આદર્શો કેટલા ખોખલા છે. આપણે કેટલા દંભી છીએ. આપણી ધાર્મિક શીખ કેટલી કાચી છે. આપણને કણ-કણમાં ઈશ્વર દેખાય છે, પણ દલિત પરિવાર આપણી બાજુમાં રહેવામાં આવે તે પોસાતું નથી.
શહેરોમાં જ્ઞાાતિ પ્રમાણેના વિસ્તારો છે. સરકારે જો જાતિવાદ ખતમ કરવો હોય તો જ્ઞાાતિ પ્રમાણેની વસાહતો સખત પ્રતિબંધિત કરી દેવી જોઈએ. નવી બનતી દરેક વસાહતમાં જુદી-જુદી તમામ જ્ઞાાતિઓ અને ધર્મના લોકોને મકાન આપવા ફરજિયાત બનાવવા જોઈએ. સમાન હિસ્સે મકાન આપવાના. સવર્ણ, અવર્ણ અને લઘુમતી સમુદાય તમામને આપવાના. મનુષ્ય માત્ર એકસમાન છે તે આપણે જાણીએ છીએ તો આત્મસાત શા માટે નથી કરી શકતા?
સરકારે નોટબંધી પછી કેશલેસ ઇંડિયાનું બહાનું ધર્યું ત્યારે કાસ્ટલેસ ઇંડિયા વિશે બહુ મેસેજ ફરતા થયેલા. એ ઊભરો વોટ્સએપમાં જ આવ્યો અને તેમાં જ શમી ગયો. દલિતો પર અત્યાચાર શા માટે થાય છે? જ્યારે હિંદુ ધર્મનો એક ભાઈ પોતાને બીજા હિંદુ ભાઈ કરતા ઊંચો ગણે છે ત્યારે. હિંદુત્વની રાજનીતિ કરનારાઓએ હિંદુ ધર્મમાં સુધારથી શરૂઆત કરવી જોઈએ. હિંદુ ધર્મને જાતિ મુક્ત ઘોષિત કરી દેવો જોઈએ.
કોઈ પણ હિંદુ માત્ર હિંદુ. તે ન બ્રાહ્મણ, ન લોહાણા, ન પટેલ ન દલિત. તેઓ આવું નહીં કરી શકે. તેમને ખબર છે કે તેઓ કાસ્ટલેસ હિંદુની ચળવળ ચલાવશે તો તેમને જનતાનો ટેકો નહીં મળે. કેમ કે હિંદુ ધર્મમાં એવા કરોડો લોકો છે જે પોતાની જ્ઞાાતિને ઊંચી માને છે અને તેનું અભિમાન રાખે છે. તેઓમાં સમતામૂલક દૃષ્ટિકોણનો આવિર્ભાવ થયો નથી. બહારથી ડાહી-ડાહી વાતો કરનારાઓને પણ અંદરખાનેથી પોતાની જ્ઞાાતિગત ઓળખો બહુ પ્રિય હોય છે.
લેખકો, સેલિબ્રિટિઓ જ્ઞાાતિમંડળોના કાર્યક્રમોમાં જઈને ઊંચા પુરસ્કારો મેળવા તેમને પોરસ ચડાવે છે. તેમનું અભિમાન પોષે છે. ગાંધી અને સરદાર જ્ઞાતિગત ઓળખના વિરોધી હતા. તેઓ તેમની જ્ઞાાતિના કાર્યક્રમોમાં જતા ત્યારે પણ તેમને જ્ઞાાતિની ઓળખ ત્યજવા અનુરોધ કરતા. હવે એવા નેતાઓ ક્યાં? ઊલટું અહીં તો જ્ઞાાતિઓનું એટલું અભિમાન વધારવામાં આવે છે કે તે ધર્મ અને સમગ્ર મનુષ્યતાથી પણ મોટી બની બેસે છે.
ભારતમાં નેતાઓએ વિભાજન સિવાય કશું કર્યું નથી. પટેલો અને બિનપટેલોને સામસામા લાવી દીધા. જાટ અને બિનજાટને. મરાઠી અને બિહારી. દલિત અને સવર્ણ, હિંદુ અને મુસ્લિમ. આ બધા બિલાડીની જેમ અંદરો-અંદર બાખડે ત્યારે પેલા વાંદારઓ મોજથી રોટલા ખાય.
હિંદુ રાષ્ટ્રવાદીઓ પ્રાચીન ભારતમાં સુવર્ણ યુગ જુએ છે. તેમણે રામ શરણ શર્માને વાંચવા જોઈએ. આ પ્રબુદ્ધ ઈતિહાસકાર કહે છે કે ભારતનો સુવર્ણ યુગ પણ ખરા અર્થમાં સુવર્ણ યુગ નહોતો. પ્રાચીન સમયના અને તે સમય પ્રમાણેના સમૃદ્ધ ભારતમાં પણ સામાજિક ન્યાય નહોતો. શુદ્રોને સમાજથી અલગ રાખવામાં આવતા હતા.
પેશ્વાઓના રાજમાં દલિતોને ઝાડું બાંધીને ચાલવું પડતું હતું જેથી રસ્તા પર તેમના પગની છાપ ન પડે. ગળામાં થૂંકદાની ટીંગાડવાની જેથી રોડ પર તેમનું થૂંક ન પડે. (ખરેખર તો રોડ પર ન થૂંકવું એ દરેક દેશવાસીની ફરજ છે.) ને વળી તેમને છાયામાં જ બહાર નીકળવાનું. જેથી રસ્તા પર તેમનો પડછાયો ન પડે.
બૂરા અંગ્રેજોએ જેમ ભારતને ચા, છાપખાનું, પોસ્ટ ઑફિસ, બેંક, રેલવે, પુુરાતત્ત્વ, આધુનિક પ્રશાસન વગેરે આપ્યાં છે તેમ દલિતોને તેમને સેનામાં સામેલ કરીને પણ એક ક્રાંતિકારી કામ કર્યું હતું. પહેલી વખત દલિતોને કોઈએ યોદ્ધાનું ગૌરવ બક્ષેલું. અંગ્રેજો ન આવ્યા હોત તો જેમ સતિપ્રથા બંધ ન થઈ હોત તેમ કદાચ આ કામ પણ ન થયું હોત.
દલિતોના ઘરે જમવાનું નહીં, તેમને વાસણમાં પાણી નહીં આપવાનું, હાથના ખોબામાં આપવાનું. તેમને સ્પર્શવાનું નહીં. પાકિસ્તાનમાં ખ્રિસ્તી મહિલા આસિયા બીબી ખેતરમાં કામ કરતી હતી ત્યારે તેણે મુસ્લિમ મહિલાઓના ગ્લાસમાં પાણી પી લીધું. એ મુસ્લિમ મહિલાઓ આસિયા બીબીને અસ્પૃશ્ય માનતી હતી. વિવાદ એટલો વધ્યો કે આસિયા બીબીને દેશ છોડીને જવું પડયું. ભારતે પણ શું આ જ પંથે ચાલવાનું છે?
આઝાદીના સાત દાયકા પછી પણ આ બધું બંધ નથી થયું તો શું હિંદુ ધર્મમાં સુધારાની જરૂર નથી? પહેલા એમ હતું કે શિક્ષણ આવશે તો ઊંચ-નીચની ભાવના જતી રહેશે, પરંતુ આજે શિક્ષિત ભારતીયો પણ જ્ઞાાતિના અભિમાનથી ફાટફાટ થતા જોવા મળે છે. આ રોગનું નિવારણ શોધવું રહ્યું.
જે લોકો સામાજિક વિકાસની રેસમાં પાછળ રહી ગયા છે તેમને તિરસ્કૃત કે બહિસ્કૃત કરવાને બદલે ટેકો આપવો જોઈએ. તેમને માન-સન્માન આપવાં જોઈએ. રાજકારણીઓ જ્ઞાાતિ, ધર્મ અને રાષ્ટ્રનું નામ વટાવીને રાજનીતિ ખેલ્યા કરે છે. કેમ કે તે સૌથી સહેલી રાજનીતિ છે. તેમાં ઝડપથી કરિયર બને છે.
રાજા રામમોહન રાયની જેમ તમે સમાજ સુધારવા નીકળો તો સફળતા મળે ત્યાં તમે ઘરડા થઈ જાવ. એટલે જ રાજકારણીઓ સમાજ સુધારણાના સળગતા લાકડા ઉપાડવાને બદલે જ્ઞાાતિઓની ચાટુકારી કરી ઝડપથી આગળ નીકળી જાય છે.
હા, હિંદુ ધર્મને જ્ઞાાતિમુક્ત કરી દેવામાં એક નુકસાન છે. પછી ભાગલાવાદીઓ ભાગ પાડીને રાજકારણ નહીં ખેલી શકે.
હોય નહીં
સ્ત્રી-પુરુષ સમાનતાની બાબતમાં ભારત છેક ૧૦૩મું
જેન્ડર ઇક્વાલિટી. મતલબ સ્ત્રી-પુરુષ એકસમાન. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ૨૦૧૮માં લૈંગિક અસમાનતા વિશે એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ભારત આ બાબતમાં વિશ્વના દેશોમાં ૧૦૮મા સ્થાન પર છે. આઇસલેન્ડ પ્રથમ, નોર્વે બીજું, સ્વીડન ત્રીજું, ચીન ૧૦૩મું, સાઉદી અરેબિયા ૧૪૧મું, પાકિસ્તાન ૧૪૮મું, અમેરિકા ૫૧મું, રશિયા ૭૫મું, બાંગ્લાદેશ ૪૮મું, ફ્રાન્સ ૧૨મું અને બ્રિટન ૧૫મું છે. આપણે ત્યાં સ્ત્રીઓને પુરુષ સમોવડી કરવામાં હજુ એક સદી લાગી જશે.
આજની નવી જોક
છગનઃ યાર મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ?
મગનઃ શું-શું?
છગનઃ મેં મારી ગર્લફ્રેન્ડને દિલ આપી દીધું.
મગનઃ લે, એ તો સારી વાત કહેવાય. એમાં ખોટું શું?
છગનઃ યાર, પણ એને દિલની નહીં, દિમાગની જરૂર હતી.
મગનઃ હેં!?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JjrfVw
No comments:
Post a Comment