
ભાવનગર, તા. 26 મે 2019, રવિવાર
અમદાવાદના ધોલેરા નજીક આજે વહેલી સવારે યમરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કુમળીવયની બાળા, મહિલા સહિત પાંચ વ્યક્તિના મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરથી અમદાવાદ તરફ જઈ રહેલ મારૃતિ કાર ધોલેરાથી 3 કિ.મી. આગળ પીપળી રોડ તરફ પહોંચી ત્યારે આજે રવિવારે સવારે 7.30 કલાકના અરસામાં અમદાવાદ તરફથી ભાવનગર આવી રહેલ ઈનોવા કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ ગોઝારી ઘટનામાં બન્ને કારના બૂકડા બોલી ગયા હતા. જ્યારે કારમાં સવાર મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે રહેતા પટેલ પરિવારના નિરજભાઈ પ્રણલાદભાઈ પટેલ, વિશાલભાઈ બાબુભાઈ કાનાણી, અસ્મિતાબેન ભરતભાઈ પટેલ, આર્વી ભરતભાઈ પટેલ (ઉ.વ.5)ને ગંભીર ઈજા થતા ચારેયના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. તેમજ અન્ય કારમાં સવાર નેકલેશભાઈ જેન્તીભાઈ ગોહેલ (ઉ.વ.આ.30)નું સારવારમાં મૃત્યુ થતાં મૃત્યાંક પાંચ થયો હતો.
જ્યારે વિક્કીરાજ, કૃણાલ, દિપક અને પંકજ નામના ચાર યુવાનોને નાની-મોટી ઈજા પહોંચતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગોઝારી અકસ્માતની ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ધોલેરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. વધુમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનો ભાવનગર નજીક આવેલી નિરમા કંપનીમાં કામ કરતા હોવાનું ધોલેરા પોલીસ સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30MVgSU
No comments:
Post a Comment