ચીજ-વસ્તુઓના અતિરેકના આ જમાનામાં હેનરી ડેવિડ થોરોને ખાસ વાંચવા જોઈએ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ચીજ-વસ્તુઓના અતિરેકના આ જમાનામાં હેનરી ડેવિડ થોરોને ખાસ વાંચવા જોઈએ



હું રોજ સવારે મારી બુદ્ધિ પર ભગવદ્ ગીતાના બ્રહ્માંડીય તત્ત્વ દર્શનનો અભિષેક કરું છું, એવું તેમણે કહેલું

આજે ડેવિડ હેન્રી થોરોનો મૃત્યુ દિવસ છે. થોરો એટલે નિબંધકાર, કવિ, પ્રકૃતિવાદી, તત્ત્વ ચિંતક, ગુલામી પ્રથા અને મોતની સજાના વિરોધી, ઈતિહાસવિદ્દ અને આજના કથિત વિકાસના ટીકાકાર. થોરો એટલે એ વ્યક્તિ જેણે જીવનના બે વર્ષ તળાવ કિનારે ઝૂંપડી બાંધી વિતાવ્યા. થોરો એટલે એ વ્યક્તિ જેણે દુનિયાને કહ્યું કે જીવનના ઘણા બધા સવાલોના જવાબો પ્રકૃતિ પાસેથી મળી જાય છે, જેણે દુનિયાને કહ્યું, એકાંત એ સૌથી નિકટતમ સાથી છે. જેના જીવન અને સર્જને લિયો ટોસ્ટોય, મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રભાવિત કર્યા.

દુનિયા પર અને વિશ્વની મહાન હસ્તીઓ પર અસર પાડનારા આ મહાન વિચારકને વાંચવા જોઈએ. ખાસ કરીને એવા સમયે જ્યારે જેટલી સુવિધાઓ વધતી જાય છે એટલી મનની અશાંતિ વધતી જાય છે અને દુન્યવી સમસ્યાઓ વધતી જાય છે. બજારવાદે દુનિયાની પાળ પીટી નાખી છે. એવી-એવી વસ્તુઓ બજારમાં આવી રહી છે જેની કોઈ જરૂરિયાત જ નથી અથવા જેના વિના જીવન સરસ રીતે ચાલી શકે તેમ છે.

વાંચવામાં કોઈને જૂનવાણી કે પુરાતનવાદી વલણ લાગે, પણ ખરેખર આ વલણ અનુ આધુનિક છે. અતિ ભૌતિકવાદને કારણે કચરો, પ્રદૂષણ, મોંઘવારી, અછત આ બધી સમસ્યાઓ એટલી વિરાટ બની ચૂકી છે કે ક્યારેક ને ક્યારેક દુનિયાએ કરકસર પર આવી જવું પડશે. વસ્તુઓના વિવેકપૂર્ણ વપરાશ પર આવી જવું પડશે. યાદ કરો ગાંધીએ શું કહ્યું હતું? પૃથ્વી પાસે એટલું છે કે તે દરેકની જરૂરિયાત સંતોષી શકે છે, પણ લોભ કોઈનો નહીં.

ગાંધી જેવી જ વાતે થોરોએ પણ કરેલી, સમજદાર લોકો તમામ પ્રકારની સુવિધાઓ અને લક્ઝરીનું માન રાખીને બને તેટલું સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી ચીજ વસ્તુઓથી કામ ચલાવે છે.

૧૨મી જુલાઈ ૧૮૧૭ના અમેરિકાના મેસેચુસેટ્સ રાજ્યની કોન્કોર્ડ કાઉન્ટીમાં તેમનો જન્મ. અમેરિકા જ્યારે બ્રિટનનું સંસ્થાન હતું ત્યારે તેમના દાદા બટર રેબેલિયન વિદ્યાર્થી આંદોલનમાં જોડાયેલા. એટલે વિદ્રોહના સંસ્કાર વારસાઈ હતા. આથી થોરોને અરાજકતાવાદી કહેવામાં આવે અથવા તેઓ જ્યારે સવિનય કાનૂનભંગની વાત કરે ત્યારે નવાઈ લાગવી જોઈએ નહીં! પિતા કારખાનેદાર હતા, પરિવાર સુખી-સંપન્ન હતો. હાર્વર્ડમાં ગ્રેજ્યુએશન કર્યું.

પાછા ફર્યા પછી અમેરિકાના મહાન નિબંધકાર રાલ્ફ ડબલ્યુ. ઇમર્સન સાથે મુલાકાત થઈ. તેઓ તેમનાથી ૧૪ વર્ષ સિનિયર હતા. એ સમયે લાઇબ્રેરી હોવી એ રેર વાત હતી. ઇમર્સનના ઘરે ભવ્ય લાઇબ્રેરી હતી. પુસ્તકોનું સારું એવું કલેક્શન હતું. થોરોએ તેમને ત્યાં રહી એ પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. જેમ-જેમ તેઓ દુનિયાના મહાન પુસ્તકો વાંચતા ગયા તેમ-તેમ તેઓ બદલાતા ગયા.

ઇમર્સનની લાઇબ્રેરીમાં વેદ, ગીતા અને ઉપનિષદ હતા. તેનો અભ્યાસ કરીને થોરો ખૂબ પ્રભાવિત થયા. થોરોને પ્રભાવિત કરનારાઓમાં એરિસ્ટોટલ, એસિલસ, ઇમર્સન, થોમસ કાર્લાઇલ અને ચાર્લ્સ ડાર્વિનની સાથેનું એક નામ ઇંડિયન ફિલોસોફી છે. તેમનો જે વિચાર પિંડ બંધાયો તેમાં ભારતીય દર્શનનો નોંધનીય ફાળો હતો.

ભારતીય ગ્રંથોમાં તેમને સર્વાધિક પ્રિય કશું હોય તો ગીતા. તેમણે કહેલું, રોજ સવારે હું મારી બુદ્ધિ પર ભગવદ્ ગીતાના વિસ્મયકારક અને બ્રહ્માંડીય તત્ત્વદર્શનનો અભિષેક કરું છું. તેની સરખામણીમાં આધુનિક વિશ્વ અને તેનું સાહિત્ય ક્ષુદ્ર અને ક્ષુલ્લક લાગે છે.

જુલાઈ ૧૮૪૫થી બે વર્ષ માટે તેમણે સિમ્પલ લિવિંગનો એક અદ્ભુત પ્રયોગ કર્યો. વોલ્ડન તળાવના કિનારે મિત્ર ઇમર્સને ખરીદેલી જમીન પર ઝૂંપડી બાંધીને રહેવા જતા રહેલા. ભારતીયો માટે આ વાત નવી નથી. કેમ કે આપણે આપણા ઋષિ મુનિઓને સહસ્ત્રાબ્દીઓથી એકાંતમાં વસતા જોયા છે. જંગલમાં રહેતા જોયા છે, પથ્થર પર સૂતા જોયા છે એટલે આપણને આનાથી અચરજ નથી થતું. અચરજ ન થવાનું કારણ એ નથી કે આપણા માટે તે સહજ છે.

અચરજ ન થવાનું કારણ એ છે કે આપણી લાગણી એ બાબતમાં રીઢી થઈ ચૂકી છે. નદી કિનારે રહેવા જવાનું તો છોડો, શું આપણે ભારતીય સાંસારિકો એક દિવસ પણ પોતાની સાથે રહી શકીએ છીએ ખરા? કનેક્ટિવિટીની આ દુનિયામાં માણસની માણસ સાથેની અને માણસની સ્વ સાથેની ડિસકનેક્ટિવિટી વધતી જાય છે. માણસ પોતાનાથી ક્યારેય નહોતો એટલો ડિસકનેક્ટ આજે છે, એટલે થોરો આજે વધારે પ્રસ્તુત છે.

વોલ્ડન તળાવના કિનારે ગાળેલા બે વર્ષ દરમિયાન તેમણે પ્રકૃતિનો ગહન અભ્યાસ કર્યો. તેમનો આ અભ્યાસ આધુનિક પર્યાવરણવાદની આધારશીલા છે. ૧૮૫૪માં તેમનું પ્રથમ પુસ્તક આવેલું, વૉલ્ડન ઓર લાઇફ ઇન ધ વુડ્સ. ૧૮૮૧માં પ્રગટ કરેલા પુસ્તક અર્લી સ્પ્રિંગ ઇન મેસેચુસેટ્સમાં તેમણે પ્રકૃતિ વિશેના અવલોકનો મૂક્યા હતા. ૧૮૪૯માં સિવિલ ડિસઓબેડિયન્સ નામનો ૫૫ પાનાંનો નિબંધ લખેલો, જે અત્યારે પુસ્તક સ્વરૂપે પ્રાપ્ય છે.

૧૮૪૧માં તેમણે પોતાની નોંધપોથીમાં લખેલું, અસ્તિત્ત્વ સૌથી મોટો કથાકાર છે. કેવડી મોટી વાત! અ વીક ઇન ધ કોન્કોર્ડ એન્ડ મેરિમેક રીવર્સ શીર્ષકથી તેમણે ૧૮૪૯માં લેખ લખેલો. તેમાં વિધાન કરેલું, લોકો હજુ એકબીજાની જ પૂજા કરે છે, ઈશ્વરની પૂજા શરૂ કરી નથી. સિવિલ ડિસઓબેડિયન્સ નિબંધમાં લખેલું, સરકાર જ્યારે કોઈને અન્યાયપૂર્વક કેદમાં પૂરે ત્યારે ઉમદા માણસોએ પણ જેલમાં જવું જોઈએ.

વોલ્ડન ઑર લાઇફ ઇન વુડ્સમાં તેમણે લખેલું, માણસ સાધનોનું સાધન બની ગયો છે. થોરોએ આવી વાત કેમ કરેલી? કારણ કે તેઓ ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવ જીવનમાં અને માનવ વ્યવહારમાં આવેલું પરિવર્તન જોઈ ચૂક્યા હતા. તેમણે કહેલા એ સત્યને આજે પણ કાટ લાગ્યો નથી. ખરું કહીએ તો થોરોને સમજવા એ આપણી પીડાઓનું નિવારણ છે.

કબીલામાં વસતો આદિમાનવ જેટલો સુખી હતો એટલો આજનો ટેક્નો માનવ નથી. ગામડાંમાં રહેતા લોકોની તુલનાએ શહેરમાં રહેતા લોકો ઓછા સુખી હોય છે. એવું કેમ? જેટલી સુવિધા સેંકડો વર્ષો પહેલા રજવાડા પાસે નહોતી તેટલી આજનો આમ આદમી ભોગવી રહ્યો છે. 

આદિમાનવ પાસે તો સુવિધાઓના નામે મીંડું હતું. આજે માણસ પાસે ઓડકાર ખાધા પછી પણ વધી પડે એટલી સમૃદ્ધિ છે. તોય પીડાનું સ્તર એટલું ને એટલું છે. આદિમ મનુષ્યને જેટલી પીડા હતી એના કરતા સેંકડો હજારો ગણું વધારે છે. શા માટે? કેમ કે આપણા લોભને થોભ નથી.

જ્યારે જમતા હોઇએ ત્યારે એક પોઇન્ટ સુધી પહોંચતા પેટ તરત જ કહે છે કે બસ. એ વાત અલગ છે કે આપણે એ સિગ્નલને ઝીલતા નથી અને દાબ્યે જ જઈએ છીએ. જેમ જમવામાં ક્યાં અટકવું એ ખબર નથી તેમ ફેસિલિટીઝમાં ક્યાં ઊભા રહી જવું એ ખબર નથી. આપણી પીડાનો મુદ્રાલેખ છે, યે દિલ માંગે મોર.

અસંતોષ આપણી સુવિધાઓ જરૂર વધારી રહ્યો છે, પણ આપણી શાંતિ ઘટાડતો જાય છે. યે દિલ માંગે મોર-ની દોડમાં આપણે જીવવાનું ભૂલી ગયા છીએ, સુખી થવાનું ચૂકી ગયા છીએ.  બજારવાદે ક્યારની હદ વટાવી દીધી છે. તે ખરાબ શા માટે છે? બજાર માત્ર પોતાના ફેલાવા વિશે જ વિચારે છે. કંપનીઓ માનવી જરૂરિયાતનો વિચાર માત્ર પોતાનો પ્રોફિટ વધારવા માટે કરે છે. લોકોને જીવનમાં પરમ સુખની પ્રાપ્તિ થાય, લોકોનું અહિત ન થાય એવા લક્ષ્યાંકો માર્કેટ પ્લેયર્સ સપનાંમાં પણ સેવતા નથી.

એક તો મનુષ્યના લોભને ક્યાંય થોભ નથી અને એમાં બજારવાદ તેને વધારે થોભ વિનાના બનાવી દે છે. દાખલા તરીકે તમને એસીનો ચસકો લગાડી દે છે. પણ ખરેખર તમે એસીથી સુખી થઈ શકો છો ખરા? ૧૦૦ ટકાની ગેરેન્ટી છે કે દુઃખી જ થતા હશો. કારણ કે એ.સી.માં રહેનારો માણસ જ્યારે બહાર નીકળે ત્યારે એસીમાં ન રહેતા માણસ કરતા વધારે ગરમીનો અનુભવ કરે છે. 

સામાન્ય માણસને ઉનાળાનો બપોરનો તડકો અસહ્ય લાગે છે, પણ ચીલ્ડ એ.સી.માં રહેતો માણસ જો ખરા બપોરના તડકામાં બહાર નીકળે તો તેનું આવી જ બને. નોર્મલ માણસ કરતા તેને વધારે ગરમી અનુભવાય. તો એસીએ તમને સુખી કર્યા કે દુઃખી?

ટૂથબ્રશમાં માત્ર એક ટપકા જેટલી જ ટૂથપેસ્ટ કાફી હોય છે, પણ ટૂથપેસ્ટની એડમાં બ્રશ પર પેસ્ટની લાંબી લીટી કરતી છોકરી દેખાડવામાં આવશે. શા માટે? જો આ કંપનીઓ લોકોને માત્ર એક ટપકું જ ટૂથપેસ્ટ વાપરનારી સંન્નારીની એડ દેખાડવા લાગે તો ટૂથપેસ્ટ ઓછી વપરાય. તેમનું ટર્નઓવર જેટલું થાય છે તેના કરતા ચોથા ભાગનું થઈ જાય. આ તો ખોટનો ધંધો કહેવાય. એટલે તેઓ તેમનો નફો વધારવા, તેમનો ધંધો વધારવા ખોટું બતાડયા કરશે.

માર્ક ઝકરબર્ગ ક્યારેય કહેશે નહીં કે ફેસબુકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. તેની પાછલ કલાકો બરબાદ ન કરો. એરકંડીશનર સાવ ખરાબ જ છે એવું નથી. ગરમીમાં વરદાન છે, પણ જો વિવેકથી વાપરો તો. ચીલ્ડ એ.સી.માં રહેતા અને પછી તડકામાં નીકળે ત્યારે ગાંડા જેવા થઈ જતા લોકોને નજરે જોયા છે. એના કરતા એ.સી.માં ન રહેતા લોકો તડકામાં સ્વસ્થતાથી હરી ફરી શકે છે.

એટલે અત્યારે થોરો વધારે પ્રસ્તુત છે. અત્યારે તેમને વાંચવાની જરૂર છે. વિકાસની વ્યાખ્યા આપણે જીડીપીને જ બનાવી લીધી છે. જીડીપી વધ્યો તો વિકાસ થયો. જીડીપી ન વધ્યો તો વિકાસ ન થયો. સામાજિક, માનસિક કે બૌદ્ધિક વિકાસનું કોઈ આકલન ભારત સરકાર પાસે નથી. એ તો ભલું થયું કે ભુતાને ગ્રોસ હેપ્પીનેસ ઇન્ડેક્સ માપવાનું શરૂ કર્યું અને યુએન આજે સમગ્ર વિશ્વમાં હેપીનેસનો સર્વે કરાવે છે. બાકી આપણી સરકાર કે ઇવન પશ્ચિમી દેશોની સરકાર આજ સુધી તેના વિશે વિચારતી નહોતી.

કરોડપતિ થવું વધારે જરૂરી છે? કે સુખી થવું વધારે જરૂરી છે? કરોડપતિ થવું ખરાબ નથી, પણ તેના માટે આપણે જે બલિદાનો આપીએ છીએ તે બહુ મોટા હોય છે. એ ભૂલો આપણને મરણપથારીએ પડીએ પછી જ તાદૃશ થાય છે. આ દેશમાં વૃદ્ધોથી વધારે દયનીય કોઈ નથી. બૂઢાપામાં તેમને સમજાય છે કે તેમણે જીવન નકામી ભાગદોડમાં વેડફી નાખ્યું. જીવવાનું ચુકાઈ ગયું.

એના કરતા બહેતર છે કે પૈસા અને વસ્તુઓની પાછળ જરા ઓછું દોડી જીવી લીધું હોત, માણી લીધું હોત. વસ્તુ હોય તો જ માણી શકાય? માણવા માટે ખર્ચા કરવા જરૂરી થોડા છે? બે કલાક ખુલ્લી હવામાં ખુરશી નાખીને બેસો એ પણ સેલિબ્રેશન જ છેને. સંત થઈ જવાની વાત નથી, પણ જે સ્પીડ છે એને જરાક સ્લો કરીને જિંદગીને જીવી લેવાની વાત છે. 

પોતાની સાથે સમય વિતાવવો જરૂરી છે, ગમતી વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો જરૂરી છે, ગમતી પ્રવૃત્તિઓમાં ભલે તેનાથી ઝીરો આર્થિક ઉપાર્જન થતું હોય તો પણ તેમાં યથાયોગ્ય સમય આપવાની  આવશ્યકતા છે. તીવ્ર અસંતોષ, વધુને વધુ ફેસિલિટીઝ પાછળની દોટ આ બધું મિસ કરાવી દે છે. જેટલી જરૂર હોય તેના કરતા એક-બે વસ્તુ ઓછી રાખીને જીવતા શીખવું જોઈએ. સુખનું સરનામું ત્યાં છે. થોરોની ફિલોસોફી આ જ કહે છે. જો ન સમજાતું હોય તો ફરી-ફરી થોરોને વાંચવા જોઈએ.

આજની નવી જોક
છગન (મગનને: ચીને મસૂદને ત્રાસવાદી જાહેર કરવા અંગે સમર્થન આપી દીધું. સરકારે અભૂતપૂર્વ કૂટનીતિનો ઉપયોગ કર્યો.

મગનઃ કેવી રીતે?

છગનઃ જિનપિંગને ધમકી આપી, મસૂદને ત્રાસવાદી જાહેર કરો છો કે ચીનમાં રેસ-૩ રિલીઝ કરાવીએ.

મગનઃ હેં!?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PTuQtS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages