
ધોરાજી, તા. 15 મે 2019, બુધવાર
ધોરાજીની દોઢ લાખની વસતી માટે હરવા - ફરવાનું એક માત્ર સ્થળ જનતા બાગ ઉજ્જડ થઇ ચૂક્યો છે. નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે બાગનાં વિકાસ માટે રૂા. ૬૦ લાખનો ખર્ચ કરાયો હતો, જેમાં કૌભાંડોનાં આક્ષેપો થયા હતા. કોંગ્રેસ સત્તામાં આવતા બગીચા કૌભાંડની વિજિલન્સ તપાસ કરાવવાની અને જવાબદારો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી. પરંતુ દોઢ વર્ષમાં કશું થયું નથી. શહેરીજનો કહી રહ્યા છે કે, જનતા બાગમાં ભાજપે કૌભાંડ કર્યું અને કોંગ્રેસે છુપાવી દીધું. બન્ને પક્ષોની સરખી નીતિથી શહેરીજનો બાગની સુવિધાથી વંચિત છે. જનતા બાગ ફરતે દુકાનોનાં પણ દબાણો થઇ ગયા છે.
ધોરાજીના નગરજનોએ જણાવેલ કે ગોંડલ સ્ટેટના વખતમાં બનેલો આ જનતા બાગ સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે આવતો હતો. પરંતુ રાજકીય સત્તાધીશોએ આ જનતા બાગની દશા બગાડી નાખતા આજે જનતા બાગ ખાતર ડેપો હોય એ પ્રકારનો જોવા મળી રહ્યું છે.
ભાજપની નગરપાલિકા હતી ત્યારે આ જનતા બાગનો વિકાસ કરવા માટે રૂપિયા ૬૦ લાખનો ખર્ચ કર્યો હતો.પરંતુ એ ખર્ચે કોનો વિકાસ થયો એ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. બાદમાં નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવતા નગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડમાં ખાતરી આપેલી કે આ બાબતે અમો વિજિલન્સ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરીશું.
પરંતુ આજે દોઢ વર્ષ જેવો સમય થવા છતાં કશું જ કાર્યવાહી થઇ નથી ત્યારે ધોરાજીની જનતા બન્ને રાજકીય પાર્ટીઓના હોદ્દેદારોને ઓળખી ગઇ છે. આ સમયે ધોરાજીના જાગૃત નાગરીક નિવૃત્ત શિક્ષક મહેશભાઇ ભટ્ટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, ધોેરાજીની જનતા કેટલીક તકલીફો સહન કરતી આવી છે. જનતા બાગ માટે કેટલા રૂપિયા ખર્ચ્યા, પાણી માટે કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં હજુ સુધી લોકોને કોઇ પ્રકારની સુવિધા મળી નથી. ભાજપવાળા કંઇ કરતા નથી. કોંગ્રેસ પબ્લીકને ઉલ્લુંં બનાવે છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WL4wVd
No comments:
Post a Comment