
૨૦૧૪માં દેશ ગુજરાતને ઓળખતો હતો, મને કોઇ ઓળખતું ન હતું, આ બધું લેખે લાગ્યું: ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ૩૦૦ બેઠકો જીતવા દાવો કર્યો હતો પણ મારી મજાક ઉડાવાઇ હતી: જનાદેશના મૂળમાં ગુજરાતની વિકાસગાથા
આ વખતની ચૂંટણી નરેન્દ્ર મોદી કે ભાજપ નહીં, ભારતની જનતા લડી હતી: સમસ્યામુક્ત ભારતનુ સ્વપ્ન છે
અમદાવાદ, તા.26 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમત મેળવ્યા બાદ ગુજરાતની જનતાનો આભાર માનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના એક દિવસીય મહેમાન બન્યા હતાં.
અમદાવાદમાં ખાનપુર સ્થિત જે.પી.ચોકમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાએ આપેલાં જનમત માટે ગુજરાતના વિકાસને મુખ્ય પરિબળ ગણાવતાં કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી થઇ ત્યારે મને કોઇ ઓળખતુ ન હતું. પણ ગુજરાતને ભારતભરની જનતા ઓળખતી હતી કેમ કે, ભારતના જનજન સુધી ગુજરાતનો વિકાસ અને સિધ્ધી પહોંચી ગઇ હતી.
૨૦૧૪ અને ૨૦૧૯માં જે જનાદેશ મળ્યો તેના મૂળમાં ગુજરાતનુ ગૌરવ અને વિકાસગાથા છે. સુરતમાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં ૨૨ માસૂમ વિદ્યાર્થીઓના મોત નિપજતાં લોકસભાની ચૂંટણીમાં મળેલી જીતના જશ્નને સાદાઇપૂર્વક ઉજવવા નિર્ણય લેવાયો હતો .
આ કારણોસર ખાનપુર સ્થિત જેપી ચોકમાં આયોજિત અભિવાદન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ ફુલહારથી સ્વાગત સુધ્ધાં કરાયુ ન હતુ.માત્ર કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતું.
લોકસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ પ્રથમ જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગઇકાલથી હું દ્વિધામાં હતો કે, અભિવાદન સમારોહમાં જવુ કે નહીં,કારણ કે, એક તરફ કરુણા હતી તો બીજી તરફ કર્તવ્ય .સુરતની ઘટના એવી હતીકે, કરુણા અને દર્દનો ભાવ હતો.
બીજી તરફ, જે ધરતીએ મને મોટો કર્યો હોય ,વૈશ્વિક ઘટના બની હોય ત્યારે જો હું ન જઉ તો કઇંક ઉણો ઉતર્યો હોય તેવું લાગે. સાથે એક સંતાન તરીકે માતાના આર્શિવાદ પણ લેવા હતાં . ગુજરાતની જનતાના દર્શન કરવા આવ્યો છું .સાર્વજનિક જીવનમાં આટલો અપાર પ્રેમ મળે તો આભારના શબ્દો ય ઓછા પડે.
વર્ષ ૨૦૧૪માં મને ગુજરાતની વિદાય આપવામાં આવી તે વાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યુંકે, ગુજરાતમાંથી ભારે હૈયે વિદાય મળી ખરી પણ સાથે સાથે લોકોમાં એક વિશ્વાસ હતોકે, નરેન્દ્ર મોદી કઇંક સારુ કરશે. ગુજરાતે જે શિખવાડયુ તે આજે લેખે લાગ્યુ છે.પ્રજાનો વિશ્વાસ જીતવા શબ્દોથી ચાલે નહીં, પ્રજાલક્ષી કામો કરવા પડે છે. ગુજરાતની ભાજપની સરકારોએ જે કામ કર્યુ તેનુ આ પરિણામ છે.
વર્ષ ૨૦૧૯માં બધાય રાજકીય પંડિતો ખોટા પડયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો કે,છઠ્ઠા ચરણનુ મતદાન પૂર્ણ થતાં જ મે કહ્યું કે,ભાજપ-એનડીએ ૩૦૦થી વધુ બેઠકો મેળવશે ત્યારે મજાક ઉડાવવામાં આવી હતી. મારો આંકડો સાચો ઠર્યો હતો. એક સરકારને ફરીથી બેસાડવા માટે અપાયેલા પ્રત્યેક મતમાં મજબૂત સરકારનો વિશ્વાસ હતો. સુરક્ષાની ગેરંટી અને સમૃધ્ધિની દિશા તરફ લઇ જનારી સરકાર હશે તેવા વિશ્વાસ સાથે જનતાએ મત આપ્યો હતો.
પ્રથમ ચરણમાં જયારે ચૂંટણી પ્રચાર કરવા ગયાં ત્યારે મે એ દ્રશ્યો જોયાં ત્યારે મે કહ્યું કે, આ ચૂંટણી ન તો નરેન્દ્ર મોદી લડે છે. ન તો ભાજપ લડી રહી છે. આ ચૂંટણી ભારતની જનતા લડી રહી છે. અગાઉ ક્યારેય આટલુ જંગી મતદાન થયુ નથી. વેવ શબ્દ પણ નાનો પડે. ગુજરાતમાં ય જાણે ઘણાં રેકર્ડ તૂટયાં જેમકે,વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૭૩ બેઠકો પર ભાજપને જંગી લીડ મળી. ગુજરાતની જનતાનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે.
વિજયની સાથે જવાબદારી વધે છે. વિજય પચાવવો ય અઘરો છે. વિવેક અને મર્યાદા વિજય પચાવવાની જડીબુટ્ટી છે. લોકોએ મૂકેલાં વિશ્વાસને વધુ બળવત્તર બનાવવાનો છે. આગામી પાંચ વર્ષ હવે ખુબ જ મહત્વના છે ત્યારે ભારતે સદિયો પુરાણું સ્થાન મેળવવાનો અવસર છે. ભારત અભૂતપૂર્વ સિધ્ધી મેળવે તે માટેના અવસર છે.વડાપ્રધાને સુરત આગ દુર્ઘટનામાં મોતને ભેટેલા માસુમ બાળકોને ભારે હૈયે શ્રધ્ધાજંલિ અર્પી હતી.
આવનારાં પાંચ વર્ષ ભારત માટે અભૂતપૂર્વ બની રહેશે . ૧૯૪૨થી માંડીને ૧૯૪૭ સુધીના ઇતિહાસ દરમિયાન રાષ્ટ્ર જીવનમાં પરિવર્તન લાવનારો સમયગાળો હતો. જનતાની ભાગીદારી એટલી વ્યાપક હતીકે, અગ્રેજો માટે પણ એ જમાનામાં આંદોલન કચડવા મુશ્કેલ હતાં.
નરેન્દ્ર મોદીએ એવી નેમ વ્યક્ત કરી કે, પડકારો-પરિબળો હંમેશા ઉર્જા આપે છે. ગમે તેવા પડકાર હોય ગુરુદ્રોણની સામે એકલવ્ય સાધના કરતો હોય તેમ પાંચ વર્ષ સુધી આ દેશને સમસ્યાથી મુક્ત કરવા આગળ ધપવુ જ રહ્યુ .દુનિયાની અર્થવ્યવસ્થામાં સદીઓ પુરાણુ સ્થાન ભારતને અપાવવુ છે. વેશ્વિક પરિબળો પર પ્રભાવ પાડનારુ ભારત ઉભરી આવે તે માટે કટિબદ્ધ થવાનો સમય છે.
વડાપ્રધાને સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું કે, પાંચ વર્ષ સુધી ભારતને સમૃધ્ધિના શિખર પર લઇ જઇએ .એકરસ સમાજ માટે એક સંકલ્પ,એક લક્ષ્ય લઇ ભારત અભુતપૂર્વ સિધ્ધી પ્રાપ્ત કરે તેવો અવસર ઉભો કરીએ. લોકોએ મને દાયિત્વ આપ્યુ છે. આ કોઇ કોન્ટ્રાક્ટ નથી પણ સંયુક્ત જવાબદારી છે. ચોચ સહન કરવાની જવાબદારી મારી અને સફળતાનો હક દેશના નાગરિકોનો છે. સ્વચ્છતા જેમ જન આંદોલન બન્યુ તેમ સમૃધ્ધ ભારત પણ જનઆંદોલન બનાવવુ છે.
પ્રધાનમંત્રી તરીકે પદનામિત થતાં પહેલાં હુ ગુજરાતની જનતા પાસે આર્શિવાદ લેવા આવ્યો છું. આ ધરતીના આર્શિવાદ નવા પ્રારંભે મારા માટે અદકેરું મહત્વ ધરાવે છે. લોકોના સપનાનુ,અપેક્ષાનુ, અને આકાંક્ષાનુ ભારત બને તે માટે હું હરહંમેશ પ્રયત્નશીલ રહીશ.
જેપી ચોકમાં ચિક્કાર ભીડ જામી હતી. નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા લોકોએ જાણે પડાપડી કરી હતી. વડાપ્રધાન મોડી સાંજે સાતેક વાગે ખાનપુર પહોચ્યા હતાં. સ્ટેજ પર પહોંચતાં લોકોએ મોદી મોદીના નારાં લગાવી વાતાવરણ ગુંજવી દીધુ હતુ. ખાનપુર આસપાસના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MaFSfO
No comments:
Post a Comment