
(પીટીઆઈ) શિમલા, તા. 13 મે, 2019, સોમવાર
હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલી એક સદીથી પણ પુરાણી ગ્રાન્ડ હોટેલમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. રાત્રે ૧૨:૩૦ કલાકે હોટેલના રિસેપ્શનમાં લાગેલી આગે તાજેતરમાં જ પુન:નિર્માણ કરાયેલા માયો બ્લોકના ત્રણ માળને પોતાની જ્વાળાઓની લપેટમાં લીધા હતા જેથી તે બ્લોકમાં ભારે નુકસાન થયું છે.
શિમલાના પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે નાઈટ ડયુટીમાં નીકળેલા એક કોન્સ્ટેબલને સૌ પ્રથમ આ બનાવ અંગે જાણ થઈ હતી અને તેણે અગ્નિશામક વિભાગને માહિતી આપી હતી. આગ લાગી તે સમયે બિલ્ડીંગમાં કોઈ પણ વ્યક્તિ ઉપસ્થિત નહોતી અને વહેલી સવારે ત્રણ કલાકે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
શિમલાના ડેપ્યુટી કમિશનર રાજેશ્વર ગોયલે જણાવ્યું કે સાંકડા રસ્તાઓને કારણે અગ્નિશામક દળની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી હતી તથા પાણીની તંગીની સમસ્યા પણ અનુભવાઈ હતી. આ હોટેલના બિલ્ડીંગમાં કેન્દ્ર સરકારની અનેક કચેરીઓ આવેલી છે અને તેનું વ્યવસ્થાપન કેન્દ્રીય લોકનિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે છે જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઈ છે.
હોટેલના માયો બ્લોકમાં વીવીઆઈપી રુમો આવેલા છે જે સપ્તાહના અંત સુધીમાં સંપૂર્ણ ભરાઈ જાય છે. જો કે તે વિભાગનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી સંપૂર્ણ ખાલી હતો અને કોઈ વ્યક્તિ તેમાં હાજર નહોતી. હોટેલના આ બ્લોકને તાજેતરમાં જ વૈભવી ફર્નિચર વડે ફરીથી રિનોવેટ કરવામાં આવ્યો હતો.
૧૮૯૨માં વાઈસરોયના રસોઈયા શેવલિયર ફેડરિકોએ બે લાખ રુપિયામાં જમીન ખરીદીને શિમલાની પ્રથમ ધ ગ્રાન્ડ હોટેલ બનાવડાવી હતી. અગાઉ ૧૯૨૨માં હોટેલના ત્રણ બિલ્ડીંગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા પરંતુ ૧૯૩૦ આસપાસ તેનું બાંધકામ ફરીથી કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ઐતિહાસિક હોટેલની સંપૂર્ણ વહીવટી જવાબદારી કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સંભાળતું આવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCbOqB
No comments:
Post a Comment