મોદીનો 'ટાઇમ' ટેસ્ટ: ધર્મ, જાતિ, રાષ્ટ્રવાદના નામે ભારતના ભાગલા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 22 May 2019

મોદીનો 'ટાઇમ' ટેસ્ટ: ધર્મ, જાતિ, રાષ્ટ્રવાદના નામે ભારતના ભાગલા


ન્યુયોર્ક, તા. 9 મે 2019, સોમવાર

પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ખ્યાત મેગેઝિન 'ટાઈમ'ના આગામી અંકની એશિયન-આફ્રિકન આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કવર સ્ટોરી બનાવાઈ છે જેમાં મોદીના આર્ટવર્ક તસવીર સાથેના મુખપૃષ્ઠ પર હેડિંગ છે કે ‘India's Divider in Chief એટલે કે ભારતના વિભાજન કે ભાગલા પાડનાર મુખ્ય વ્યક્તિ.

''ટાઈમ''નો આ અંક ૨૦ મેની આસપાસ બજારમાં મુકાશે પણ વેબસાઇટ પર કવર અને કવર સ્ટોરીની ઝલક બંને મુકાઈ જતા મોદીને વૈશ્વિક સ્તરે નીચા જોવાપણું થયું છે. કોઈ ઘટના કે વ્યક્તિને વિશ્વ કઈ રીતે મૂલવે છે તેનો માપદંડ કે અરીસો 'ટાઈમ'ની કવર સ્ટોરી માનવામાં આવે છે.

મેગેઝિનમાં અંદર જે કવર સ્ટોરી રજુ થઈ છે તેનું હેડિંગ તો મોદીને ભારતમાં હજુ મતદાનના મહત્વના બે તબક્કા બાકી છે ત્યારે નાલેશી સાથે ફટકાર આપે તેવું છે. લાંબુ કહી શકાય તેવું હેડિંગ છે કે ‘Can the World's Largest Democraey Endure Another Five Years of Modi Government ? શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના બીજા પાંચ વર્ષનું શાસન સહન કરી શકે ?

આતિશ તાસીર નામના એશિયાના જાણીતા રાજકીય વિશ્લેષકે ઉપરોક્ત લેખમાં નહેરૂના સમાજવાદના એ વર્ષો અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોદીને હિન્દુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા માટેની કોઈ ઈચ્છા જ નથી જણાતી, નહેરૂ પરિવાર પર શાબ્દિક હૂમલા અને કોંગ્રેસમુક્ત ભારત તે જ તેમનો ધ્યેય છે. મોદી સત્તા પર આવ્યા ત્યાં સુધી ભારતમાં ઉદાર સંસ્કૃતિનો માહોલ હતો પણ હવે ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો વિરૂદ્ધ લાગણી ઉશ્કેરવી તેમજ જાતિગત કટ્ટરતાનું વાતાવરણ  છે.

'ટાઈમ'ના આ લેખમાં ૧૯૮૪ના શીખો પરની હિંસા અને ગુજરાતના ૨૦૦૨ની કોમી હિંસાનો ઉલ્લેખ કરી એવી તુલના કરાઈ છે કે કોંગ્રેસની નેતાગીરી પણ ૧૯૮૪ની ઘટનાથી આરોપ મુક્ત નથી પણ કોંગ્રેસે ઉન્માદી ભીડથી તેમને અલગ રાખ્યું હતું. જ્યારે મોદી ૨૦૦૨ના દંગામાં 'ઉન્માદી ભીડના દોસ્ત' બન્યા હતા.

તાસીર એમ પણ લખે છે કે ૨૦૧૪માં મોદીએ નાગરિકોના આક્રોશને આર્થિક વાયદાઓ આપી તેના તરફ વશ કરી લીધા. તેમણે નોકરી અને વિકાસની વાત કરી, પણ હવે એવું માનવું મુશ્કેલ લાગે છે કે તે ખરેખર વાસ્તવિક આશાઓ જગવતી ચૂંટણી હતી. આ વચનો અને આશા  ઠગારી નીવડી છે. આર્થિક ચમત્કાર લાવવાના મોદીએ કરેલા વાયદા નિષ્ફળ ગયા છે. ખરેખર તો મોદીએ સત્તા પર આવીને ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જી ઝેર જ ફેલાવ્યું છે.

મેગેઝિનના લેખમાં એ પણ નોંધ લેવાઈ છે કે ગાય પ્રત્યેની અનુકંપા વ્યક્ત કરવાના બહાને મુસલમાનો પર અવારનવાર હુમલા થતા રહ્યા છે. એક પણ એવો મહિનો નહીં ગયો હોય જ્યારે નાગરિકોના સ્માર્ટ ફોન પર હિન્દુ ભીડ મુસલમાનોને આ માટે જવાબદાર માની ફટકારતી ના હોય. 

૨૦૧૭માં આવા જ માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ભાજપ ચૂંટણી જીત્યું તો ભગવાધારી અને નફરત ફેલાવનાર મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા. લેખમાં નહેરૂને ટાંકીને એવું લખાયું છે કે અંગ્રેજોએ ૧૯૪૭માં બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા કર્યા અને પાકિસ્તાનનો જન્મ થયો હતો પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા નહેરૂએ નિર્ણય લીધો કે ભારત માત્ર હિન્દુઓ માટે જ નહીં પણ સર્વધર્મની ભૂમિ બની રહેશે.

નહેરૂની વિચારસરણી બિનસાંપ્રદાયિક હતી. એટલે સુધી કે ભારતીય મુસલમાનોને શરિયા પર આધારિત કુટુંબ કાયદા પ્રમાણે રહેવાનો અધિકાર જેમાં ત્રણ વખત તલાક બોલીને તલાક લેવાનું સામેલ હતું. નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં એક આદેશ જારી કરીને આ તલાક પ્રથાને કાનુની અપરાધમાં ફેરવી દીધી.

લેખક-પત્રકાર આતિશ તાસીરે મોદી ભારતમાં આજે પણ મજબુત છે તે માટે કોંગ્રેસની નેતાગીરી અને સોચને જ જવાબદાર ગણી ઝાટકણી કાઢી છે. મોદીને નબળા હરિફો જ ફાયદો કરાવી આપે છે. કોંગ્રેસ પાસે મોદી વિરૂદ્ધ જાણે કોઈ એજન્ડા જ ના હોય તેવી અણઆવડતભરી સ્થિતિ છે.

પ્રિયંકા ગાંધીને મોદીને કાઉન્ટર કરવા મેદાનમાં ઉતારવા તે જ તેઓને ચૂંટણી જીતવાની કે મોદીને મહાત કરવાની પરિકલ્પના છે. આ એવું વિચિત્ર લાગે છે કે જાણે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પક્ષ ફરી હિલેરી ક્લીન્ટનને પ્રમુખના ઉમેદવાર તરીકે અને તેમાં આકર્ષણ તત્ત્વનો ઉમેરો થાય એટલે તેમના પુત્રી ચેલસીને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ઉતારે !



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YCif14

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages