
હાલમાં રાજ્યસભામાં એનડીએની સંખ્યા 107 છે જેમાં દોઢ વર્ષમાં 19 સાંસદોનો ઉમેરો થશે
નવી દિલ્હી, તા. 25 મે, 2019, શનિવાર
લોકસભામાં બહુમતી મળ્યા પછી હવે ભાજપનો ધ્યેય રાજ્યસભામાં બહુમતી મેળવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૦ સુધીમાં એનડીએ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે. જેના કારણે મોદી સરકારને મહત્ત્વપૂર્ણ બિલો પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ગયા વર્ષે રાજ્યસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપના સાંસદોની સંખ્યા કોંગ્રેસના સાંસદો કરતા વધારે હતી. હાલમાં રાજ્યસભાની ૨૪૫ બેઠકોમાંથી એનડીએ પાસે ૧૦૧ છે. આ ઉપરાંત તેને સ્વપ્નદા ગુપ્તા, મેરી કોમ અને નરેન્દ્ર જાધવ જેવા નોમિનેટેડ સભ્યો અને ત્રણ અપક્ષ સાંસદોનું પણ સમર્થન પ્રાપ્ત છે.
જેના કારણે તેના સભ્યોની કુલ સંખ્યા ૧૦૭ થાય છે.યુપીએ દ્વારા નોમિનેટ કરાયેલા કેટીએસ તુલસી પણ ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હોવાથી એનડીએ પોતાની પસંદગીના ઉમેદવાર ઉતારી શકશે. નવેમ્બર, ૨૦૨૦ સુધીમાં એનડીએને ૧૪ રાજ્યોમાંથી રાજ્યસભાની વધુ ૧૯ બેઠકો મળશે.
આ ૧૪ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, ગુજરાત અને મધ્ય પ્રદેશનો પણ સમાવેશ થાય છે. જેના કારણે રાજ્યસભામાં એનડીએના સાંસદોની સંખ્યા વધીને ૧૨૫ થઇ જશે. છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ વખત કોઇ સરકાર રાજ્યસભામાં બહુમતી મેળવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યસભામાં બહુમતી ન હોવાને કારણે મોદી સરકારે કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો પસાર કરી શકી ન હતી. તેમાં ટ્રિપલ તલાક, મોટર વેહિકલ એક્ટનો સમાવેશ થાય છે.
લોકસભા સાંસદની પસંદગી સીધી જ પ્રજા દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના સાંસદોની પસંદગી રાજ્યોના ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે જે પક્ષના જેટલા વધારે ધારાસભ્યો હોય છે તે પક્ષના રાજ્યસભામાં તેટલા વધારે સાંસદ હોય છે.
રાજ્યસભાના સાંસદોની મુદ્દત છ વર્ષની હોય છે જ્યારે લોકસભા સાંસદોની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. જો કે લોકસભાના તમામ સાંસદોની પસંદગી એક સાથે થતી હોવાથી તેમની મુદ્દત એકસરખી હોય છે. જ્યારે રાજયસભામાં તમામ સાંસદોની ચૂંટણી એક સાથે થતી ન હોવાથી સાંસદોની ટર્મ અલગ અલગ સમયે પૂર્ણ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ws4tkh
No comments:
Post a Comment