
મુંબઇ, તા. 3 મે, 2019, શુક્રવાર
તાજેતરમાં ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ કરેલા એક વિસ્ફોટમાં ૧૫ પોલીસ કમાન્ડો શહીદ થયા હતા તથા એક નાગરિકનું પણ મોત થયું હતું. આ વિસ્ફોટને પગલે નકસલોએ કોન્ટ્રેકટરોને ગઢચિરોલી જિલ્લામાં રોડ તથા પુલોનું બાંધકામ નહીં કરવાની ચેતવણી આપી છે.
પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે નકસલવાદીઓની ઉત્તર ગઢચિરોલી વિભાગીય સમિતિએ વિવિધ સ્થળોએ એવું જણાવતાં બેનરો મૂક્યાં છે કે આ વિસ્તારમાં ચાલતાં વિકાસનાં કાર્યો સ્થાનિક લોકો માટે નહીં પરંતુ આંગળીને વેઢે ગણાય તેવા ધનવાન લોકો માટે છે એમ એક અધિકારીએ કહ્યું હતું. નવા ભારતનાં નામે હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવાના સ્વપ્નનો ભૂકો કરી નાખવાનો અનુરોધ પણ નક્સલવાદીઓએ લોકોને આ બેનરોમાં કર્યો હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.
અન્ય કેટલાંક બેનરોમાં ગયા વર્ષે ગઢચિરોલી જિલ્લાના કાસાન્સુર ખાતે પોલીસ સાથેના એનકાઉન્ટરમાં માર્યા ગયેલા ૩૭ માઓવાદીઓને બિરદાવવામાં આવ્યા હતા. ૧૭મી એપ્રિલે પોલીસના હાથે માર્યા ગયેલા નકસવાદી રામકો નારોટીના એન્કાઉન્ટરને આ બનેરોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.
માઓવાદીઓએ આ વિસ્તારમાં લગાવેલા તમામ બેનર પોલીસ હટાવી લીધા હોવાનું અધિકારીએ કહ્યું હતું. દરમિયાન, મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાંથી નક્સલવાદના ઉપદ્રવનો અંત આણવા પ્રયાસ કરશે એમ ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન દીપક કેસરકરે જમાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZUQO47
No comments:
Post a Comment