
અમદાવાદ, શુક્રવાર
સુરતમાં ટયુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગના બનાવને પગલે શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા ટયુશન ક્લાસીસના સંચાલન પર બે મહિના સુધી સંપુર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ શહેર પોલીસ કમિશનરે બહાર પાડયું છે. પોલીસ કમિશનરે તમામ ઝોનના ડીસીપીઓને આ સંદર્ભે તપાસ હાથ ધરવા જણાવ્યું છે. શહેરમાં કેટલાય ટયુશન ક્લાસીસ તથા બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા નથી ઉપરાંત તેમણે એનઓસી પણ મેળવી નથી.
સુરતમાં ટયુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અનેક બાળકોના મોત નીપજ્યા હતા. આ બનાવની ગંભીરતાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે રહેણાંક વિસ્તારોમાં ચાલતા તમામ ટયુશન ક્લાસીસના સંચાલન પર ૨૫ મે ૨૦૧૯થી ૨૩ જુલાઈ ૨૦૧૯ સુધી સંપુર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર આડયું છે. આ સમય દરમિયાન જે સંસ્થાઓ અગ્નશામક સુરક્ષા વ્યવસ્થાના યોગ્ય સત્તાધિકારીના એનઓસી પ્રમાણપત્ર તથા સંબંધિત ભૌતિક પુરાવા રજુ કર્યા બાદ અને તેમણે વસાવેલા ફાયર સેફ્ટીના સાધનોથી પુર્ણરૃપે તાલીમબધ્ધ હોવાના પુરાવા રજુ કર્યા પછી તેઓને કાર્યરત થવા માટે વિચારણા હાથ કરવામાં આવશે.તે સિવાય તમામ ઝોનના ડીસીપીઓને ટયુશન ક્લાસીસ તથા બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ વગેરેમાં ફાયર સેફ્ટી તથા એનઓસી સંદર્ભે તપાસ કરવા આદેશ આપ્યો છે.
ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજ મકવાણાના જણાવ્યા મુજબ અમે આજથી જ ટયુશન ક્લાસીસ, કોમર્શિયલ બિલ્ડીંગો, હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ વગેરે ઠેકાણે તપાસ શરૃ કરી દીધી છે. જેમાં તેમની પાસે ફાયર સેફ્ટીના યોગ્ય ઉપકરણો, ઈમરજન્સી એક્ઝીટ, એનઓસી વગેરે છે કે નહી તેની તપાસ શરૃ કરી છે. જો તેમની પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો મુજબના ફાયર સેફ્ટીના સાધનો, એનઓસી વગરે નહી હોય તો તેના સંચાલકો માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. તે સિવાય તેમના લાયસન્સ રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત શહેરમાં ફાયર સેફ્ટી વગરના ટયુશન ક્લાસીસ કે બિલ્ડીંગો અંગે કોઈને માહિતી હોય તો તેમને ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HXFAn9
No comments:
Post a Comment