
મોન્સાન્ટોએ બનાવેલી નિંદામણની દવાથી લાંબે ગાળે કેન્સર થાય છે : ખેડૂતોને હાનિકારક દવા પધરાવા માટે કંપની બદનામ છે
સાન ફ્રાન્સિસ્કો, તા.14 મે, 2019, મંગળવાર
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની કોર્ટે આજે જગવિખ્યાત એગ્રોકેમિકલ કંપની મોન્સાન્ટોને ૨.૦૫૫ અબજ ડૉલર (અંદાજે ૧૪૫ અબજ રૃપિયા)નો દંડ ફટકાર્યો હતો. કંપનીએ એક ગ્લીફોસેટ નામનું રસાયણ વિકસાવ્યું છે. આ રસાયણનું કામ નિંદામણનો નાશ કરવાનું છે. આ રસાયણ કંપની રાઉન્ડઅપ બ્રાન્ડ નેમથી માર્કેટમાં વેચે છે.
પરંતુ ગ્લીફોસેટમાં કેન્સર સર્જે એવા હાનિકારક દ્રવ્યો હોવાની માહિતી કંપનીએ છૂપાવી હતી. આ માહિતી ગુપ્ત રાખવા બદલ કંપનીને અમેરિકામાં સૌથી મોટો દંડ થયો છે. અગાઉ પણ આ વર્ષે અને ૨૦૧૮માં મોન્સાન્ટોને આવા દંડ થઈ ચૂક્યા છે. મૂળભૂત રીતે માહિતી છૂપાવીને ખેડૂતોને દવા પધરાવી દેવા માટે આ કંપની બદનામ થયેલી છે.
કેલિફોર્નિયામાં રહેતા વૃદ્ધ યુગલ આલ્વા અને આલ્બર્ટા પિલિઅડે કંપની વિરૃદ્ધ આ કેસ દાખલ કર્યો હતો. તેઓ એક દાયકાથી આ નિંદામણનાશક દવા વાપરતા હતા. અંતે તેના સંપર્કથી જ તેમને કેન્સર થતું હોવાનું જણાયુ હતું. કંપનીને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ કંપનીએ કેન્સરની વાત દબાવી દેવાની કોશિષ કરી હતી.
એટલુ જ નહીં વૈજ્ઞાાનિક સંશોધનો ખોટા જાહેર કરવા માટે અબજો રૃપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ કેન્સરકારક તત્ત્વો હટાવવા પ્રયાસ કર્યો ન હતો. આ દંપતિના શરીરમાં દવાના સંપર્કમાં આવ્યા પછી લોહીનું કેન્સર જોવા મળ્યું હતું.
પિલિઅડ દંપતીએ કરેલા કેસમાં એવી વિગત હતી કે આ દવામાં કેન્સરાકર (કાર્સિનોજન્સ) પદાર્થો હોવાની જાણ છતા કંપનીએ તેની માહિતી વપરાશકારોને આપી ન હતી. કેસ દાખલ થયા પછી સાત સપ્તાહ સુધી ચાલ્યો હતો અને અંતે કોર્ટે કંપનીને દોષિત ઠેરવી હતી.
આ ગરબડ બદલ આ અગાઉ પણ કંપનીને અનુક્રમે ૨૮.૯૨ કરોડ અને ૮ કરોડ ડૉલરનો દંડ થઈ ચૂક્યો છે. કંપની વિરૃદ્ધ અમેરિકાની વિવિધ કોર્ટમાં કુલ મળીને ૧૩,૪૦૦ કેસ પેન્ડિંગ છે. અમેરિકામાં જાહેર આરોગ્ય અંગેના કાયદા ઘણા કડક છે. માટે આવી જગવિખ્યાત કંપનીઓને તોતીંગ દંડ કરતા ત્યાંની સરકાર અચકાતી નથી.
આ કેસમાં પણ કોર્ટે નોંધ્યુ હતું કે કંપની પોતાની ભૂલ માટે બેદરકાર છે, જાણી જોઈને ગરબડ કરે છે. માટે તેને અતીભારે દંડ થવો જોઈએ. એ પછી કંપનીએ દંપતિ માટે ૨.૦૫૫ અબજ ડૉલરના દંડની રકમ નક્કી કરી હતી. કંપનીએ દંપતીને આ દંડ ચૂકવવો પડશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JjtXKH
No comments:
Post a Comment