કેજરીવાલનો સ્વભાવ કોંગ્રેસ સાથે જોડાણમાં ખલનાયક બન્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

કેજરીવાલનો સ્વભાવ કોંગ્રેસ સાથે જોડાણમાં ખલનાયક બન્યો



આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું જોડાણ દિલ્હીમાં નહી થાય તે દર્શાવે છે કે ગઠબંધનની દિવાલોમાં તિરાડો પહોળી થતી જાય છે. દિલ્હી અને હરિયાણામાં કેજરીવાલ કોંગ્રેસ સાથે જોડાણ કરવા માંગતા હતા. દિલ્હીમાં બેઠકો અંગેની વહેંચણીના કારણે પેચ ફસાયેલા હતા એવું જાહેર કરવામાં આવ્યું છે.

પરંતુ હકીકત એ છે કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના દિલ્હી એકમના નેતાઓ સાથે સંબંધો એટલી હદે બગાડી નાખ્યા હતા કે સ્થાનિક નેતાગીરી તેમની સાથે જોડાણ તો શું ઉભા રહેવા પણ તૈયાર નહોતા.

કેજરીવાલે રાહુલ ગાંધી સાથે સંપર્કો વધાર્યા હતા અને જોડાણ માટે ચર્ચા ચાલુ રાખી હતી પરંતુ દિલ્હી માટે નિર્ણય લેવા શિલા દીક્ષિતનો ઓપિનિયન લેવાનો હતો. દિલ્હીના નેતાઓ કેજરીવાલ વિશે સ્પષ્ટ હતા કે આમની સાથે કોઈ જોડાણ ન થવું જોઈએ. શીલા દીક્ષિત મુખ્યપ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તેમણે કેજરીવાલ સાથે જોડાણ માટે નેગેટીવ પ્રતિભાવ આપ્યો હતો.

કેજરીવાલ ગમે તેમ કરીને રાષ્ટ્રીય તખ્તા પર આવવા માંગે છે તેમનું ગણિત એવું છે કે કેન્દ્રમાં ખીચડી સરકાર બને તો તેમને લોટરી લાગી શકે છે. હાલમાં આમ આદમી પાર્ટી જે લોકસભામાં ચાર બેઠકો છે એક તો માત્ર ચાર બેઠકો અને વિપક્ષની પાટલી પર બેસવાનું હોઈ તેની કોઈ નોંધ નથી લેવાતી આમ આદમી પાર્ટી પંજાબમાં પણ ખાસ કંઈ ઉકાળી શકી નથી.

દિલ્હીમાં કોંગ્રેસ સાથે જોડાણ માટે કેજરીવાલ છેલ્લા એક મહિનાથી પ્રયાસ કરે છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતને પહેલા ધડાકે જ જોડાણ માટે ના પાડી દીધી હતી ત્યારે ધૂંધવાયેલા કેજરીવાલે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. કેજરીવાલે ત્યારે અન્ય વિપક્ષો સાથે પણ મસલત કરી હતીકે ભાજપ સાથે લડવું હશે તો એક થઈને રહેવું પડશે અને બેઠકોની વહેંચણી પણ સર્વસંમતિથી કરવી પડશે.

ગયા રવિવારે વિપક્ષના નેતાઓ ચંદ્રાબાબુ નાયડુ અને મમતા બેનરજીએ દિલ્હીમાં જાહેર સભા કરી હતી ત્યારે તેમની સાથે કેજરીવાલ પણ હતા. કોંગ્રેસ આ સભાથી દૂર રહી હતી. કેજરીવાલે છેલ્લે કોંગ્રેસને એવી ઓફર કરી હતી કે દિલ્હીમાં જોડાણ ના થાય તો કંઈ નહિ અમારી સાથે હરિયાણામાં જોડાણ કરો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કેજરીવાલ અને તેમના સાથીએ કોંગ્રેસ સાથે ઘણી હુંસાતુંસી કરી હતી.

કેજરીવાલ ત્યારે ખૂબ અભિમાનમાં ફરતા હતા, રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું એવું જાણવા છતાં કેજરીવાલે દરેકની સાથે વેરઝેર ઉભા કર્યા હતા હવે જ્યારે તેમને કેન્દ્રના તખ્તા પર આગળ વધવાની જરૂર પડી છે ત્યારે તેમનો હાથ પકડવા કોંગ્રેસ તૈયાર નથી.

કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે જોડાણ નહીં કરવાનો નિર્ણય કરીને મેચ્યોર્ડ નિર્ણય કર્યો છે. જો કે સાથેસાથે વિપક્ષોના મહાગઠબંધન પર મોટો ફટકો પડયો હતો. 

મહાગઠબંધન અનેક જગ્યાએ તૂટેલું છે માયાવતી ને અખિલેશે માત્ર ઉત્તરપ્રદેશમાં નહિ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સાથે જોડાણ નથી કર્યું.

તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબોના ઉત્કર્ષ માટે દરેકના ખાતામાં પૈસા જમા આપતી 'ન્યાય' નામની આર્થિક રાહતની સિસ્ટમ જાહેર કરી ત્યારે વિપક્ષોએ તેમને ટેકો આપવો જોઈએ તેના બદલે માયાવતીએ તો સ્કીમનો જોરદાર વિરોધ કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના ટોચના નેતા મમતા બેનરજીના ગઢમાં જઈને રાહુલ ગાંધીએ મમતા વિરોધી ભાષણ કરતા વિપક્ષના દરેક નેતાને વાકું પડવા લાગ્યું છે. જ્યાં ભાજપ સાથે વન-ટુ-વન ફાઇટ આપવાની હતી ત્યાં ત્રિપાંખિયો જંગ જામશે જેના કારણે ભાજપ ફાવી જશે.

અરવિંદ કેજરીવાલ સાથે જોડાણ કરવાની કોંગ્રેસે ના પાડયા બાદ અન્ય વિપક્ષો પણ સમાધાન માટે આગળ આવ્યા નહોતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોડાણ થાયતો ભાજપને પરસેવો વળી જાય તેમ હતું કોંગ્રેસના એક નેતાઓ જોડાણ ઇચ્છતા હતા પરંતુ કેજરીવાલ અને તેમના સાથીઓનો સ્વભાવ આડે આવ્યો હતો.

અન્ના હજારેએ દિલ્હીમાં લોકપાલ માટે ચલાવેલા આંદોલનમાંથી ઉભરી આવેલા અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. દરેક નેતાને દગો દઈને સત્તા પર આવેલા કેજરીવાલને આગળ વધવા કોઈના સાથની જરૂર છે. જો કે, રાજકારણમાં ગમે તેની જરૂર પડી શકે છે તે વાતની કેજરીવાલને હવે ખબર પડી છે, કેજરીવાલે હવે સુધરવું પડશે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFg23Y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages