ઉત્તર પ્રદેશ અધ્યાય . - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

ઉત્તર પ્રદેશ અધ્યાય .



આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો અધ્યાય જેમ્સ હેડલી ચેઈઝની નવલકથાના કોઈ પ્રકરણ જેવો દિલધડક અને રોમાંચક દેખાઈ રહ્યો છે. પશ્ચિમ ભારતમાં હજુ વિદાય લેવા લાગેલા શિયાળાની ઠંડક છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ગરમાગરમીની શરૂઆત રાજનેતાઓએ કરી જ દીધી છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તો દરેક ચૂંટણી છેલ્લા સપ્તાહનો જ ખેલ હોય છે અને છેલ્લે જ બાજી અણધારી રીતે પલટી જતી હોય છે. 

પરંતુ ઉત્તર પ્રદેશમાં એવું નથી, જો એડવાન્સ શતરંજ પાથરવામાં ન આવે તો શેતરંજી સંકેલવાનો વારો આવે! ભાજપના નેતાઓને કાનપુરમાં અજબની શ્રદ્ધા કે માન્યતા છે. ઈ.સ. ૨૦૧૪ની  લોકસભા ચૂંટણી વખતે અંતે ઇ.સ.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વેળાએ ભાજપના સંગઠને કાનપુરથી જ બુથ ઝુંબેશના શ્રીગણેશ કર્યા હતા. એ જ માન્યતા સાથે આ વખતે પણ ભાજપે શરૂઆત કાનપુરથી જ કરી છે. ઉત્તર પ્રદેશ હવે ભાજપ માટે એક અઘરો અધ્યાય છે.

ઈ.સ. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ  પાર્ટી (બસપા)નું ગઠબંધન અને કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધીના પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારીપદ સંભાળવાની ઘટનાઓને કારણે ભાજપે કાનપુરથી બુથને કાર્યકરના નેતૃત્વ હેઠળ મૂકી પોતાના સંભવિત મતદારોને મતદાન તરફ અભિમુખ કરવાનું નવું મેનેજમેન્ટ શરૂ કર્યું છે અને હવે તે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાવા લાગ્યું છે.

અખિલેશ યાદવ સ્વભાવે જ આમ તો પ્રવાસી પંખી છે. તેમના ચૂંટણીલક્ષી પ્રવાસો છેલ્લા બે મહિનાથી ચાલે છે. ભાજપે કાનપુરથી બુથ ઈન્ચાર્જોની એક સભામાં સ્પષ્ટ કહ્યું કે બુથ અધ્યક્ષ એટલે ભાજપનો અસલી માલિક! એનાથી કાર્યકરોમાં ઉત્સાહ આવ્યો છે ખરો પરંતુ નોટબંધી અને જીએસટીને કારણે નાગરિકો પોતાની પરેશાની સંબંધિત જે વાતો કાર્યકરો સાથે કરે છે તેના જવાબો હજુ કાર્યકરો સારી રીતે આપી શકતા નથી.

ભાજપે ઉત્તર પ્રદેશમાંથી ૭૪ લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. ખુદ ભાજપ પણ એ વાત સારી રીતે જાણે છે કે ઉત્તર પ્રદેશ હવે આસાન નથી. કારણ કે કેન્દ્ર અને રાજ્યમાં સરકારની વિરુદ્ધ રચાયેલા માહોલને ભાજપના નેતાઓ કેટલી હદ સુધી નિષ્પ્રભાવી કરી શકે છે તેના પર આધાર છે.

છેલ્લા એક સપ્તાહથી ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશના વિવિધ શહેરો અને ગ્રામ વિસ્તારોમાં ફરી રહ્યા છે. તેઓ ઘરે ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવી મેરા પરિવાર, ભાજપા પરિવારના સૂત્રો પોકારે છે.

નાગરિકોનું ચિત્ત વર્તમાન સરકારથી અલગ થઈ ગયું હોય એવું દેખાય છે એટલે ભાજપે લોકોને સાંભળવાની એક યોજના બનાવી છે જેનું નામ છે ભારત કે મન કી બાત. વડાપ્રધાને પોતાના એકલાના મન કી બાત તો અનેકવાર કહી હવે સત્તાની અવધિના અંતે તેઓ એટલે કે સમગ્ર ભાજપ ભારતના મનની વાત સાંભળવા ચાહે છે.

એ માટે ભાજપે ઉત્તર પ્રદેશના મતદારોને ચૂંટણી ઢંઢેરો ઘડવા માટેના સૂચનો આપવા જણાવ્યું છે. ઉપરાંત તારીખ ૩-૪ માર્ચ દરમિયાન મતદારો વચ્ચે એક રથ ફેરવવામાં આવશે જે રથ પણ લોકોના સૂચનો મેળવશે. ભાજપમાં અડવાણી છે છતાં નથી જેવા સ્ટેટસમાં આવી ગયા પરંતુ તેમણે શીખવેલો રથ તો હજુ ભાજપે કોઈ ને કોઈ બહાને દોડતો રાખ્યો છે.

ભાજપ અત્યારે જે ગણતરીએ ચાલે છે તેમાં સપા અને બસપાના બંડ પોકારનારા બાગી નેતાઓનો અપેક્ષિત સહકાર છે. બાગીઓને પોતાના અંકુશમાં લેવાનું કામ અખિલેશ-માયાવતી હજુ સારી રીતે પાર પાડી શક્યા નથી.

એ બાગીઓ જ ભાજપના પીળા પડી ગયેલા બાગને ફરી વાસંતિક કરવા દોડશે અને ભાજપનો એના પર જ બહુ મોટો મદાર છે. ઉત્તર પ્રદેશની ૫૦૦થી વધુ કોલેજોમાં ભાજપે કાર્યકરોને મોકલ્યા છે. કેટલીક કોલેજોએ સહકાર ન આપતા તેમણે બારોબારથી સૂત્રોચ્ચાર કર્યા.

આ સૂત્રોમાં નવયુવાન મતદારો કે જેઓ પહેલીવાર આ વખતે મત આપવાના છે તેમને તેમની જિંદગીનો પ્રથમ મત નરેન્દ્ર મોદી માટે આપવાનું સમજાવવામાં આવ્યું છે. મોદી સત્તા પર આવ્યા ત્યારથી છેલ્લા અંતરીમ બજેટ સુધી બેરોજગારો અને બેરોજગારી પર ભાજપે જે અકળ મૌન દાખવ્યું છે એની નારાજગી યુવાવર્ગમાં છે. વળી પકોડા પ્રકરણે પણ વડાપ્રધાન મોદીને યુવાનોમાં અધિક અપકીર્તિ અપાવી છે.

કિસાનો ભાજપથી નારાજ છે એવા આ વખતના અરસામાં આદિત્યનાથે કિસાનોની રેલીઓ દ્વારા પ્રચાર કરવાનું મુનાસિબ માન્યું છે. કિસાનોને સાથે લઈ ઉત્તર પ્રદેશના ગ્રામ અને શહેરી વિસ્તારોમાં સરઘસનું પણ આયોજન થયું છે, પરંતુ કિસાનો કે જેઓ ભાજપ સામે ફરિયાદ કરનારો મુખ્ય સમુદાય છે એના પર કોઈ પ્રભાવ પડે કે નહિ તે અનિશ્ચિત છે. ભાજપના ટોચના નેતાઓના ઉત્તર પ્રદેશના સતત પ્રવાસો એમના સતત પ્રયાસોને પ્રતિધ્વનિત કરે છે. એટલે જ આ વખતે ઉત્તર પ્રદેશનો લોકસભા જંગ દિલધડક અને રોમાંચક બનવાનો છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BYak5j

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages