લોકશાહીમાં પારદર્શકતા માટે જોખમ ઊભું કરતા ઇલેક્ટોરલ બોન્ડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

લોકશાહીમાં પારદર્શકતા માટે જોખમ ઊભું કરતા ઇલેક્ટોરલ બોન્ડ


- ગયા વર્ષે ચૂંટણી બોન્ડની યોજનાને લાગુ કરતા મોદી સરકારે દાવા કર્યાં હતાં કે તેના દ્વારા રાજકીય પક્ષોને મળતા ફંડની તમામ પ્રક્રિયામાં પારદર્શકતા આવી જશે પરંતુ હવે ચૂંટણી પંચ જ કહી રહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડથી ચૂંટણીમાં કાળા નાણાંનો પ્રયોગ વધી શકે છે

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ફરી વખત રાજકીય પક્ષોને મળતા ફંડનો મામલો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને પડકારતી અરજી સંદર્ભે ચાલી રહેલી સુનાવણીમાં ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને પારદર્શકતા માટે ગંભીર ખતરો ગણાવી છે. મોદી સરકારે લાગુ કરેલી ચૂંટણી બોન્ડ અંગેની નીતિઓ પર અસહમતિ જાહેર કરતા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવતો ફંડ કોઇ પણ રીતે યોગ્ય નથી. 

રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ભંડોળમાં પારદર્શકતા લાવવાના ભાગરૂપે નાણા મંત્રી અરુણ જેટલીએ ગયા વર્ષે ચૂંટણી બોન્ડની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દરેક રાજકીય પક્ષને ફંડ રોકડ રકમ નહીં પરંતુ બોન્ડ દ્વારા આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેટલીએ ગત બજેટ રજૂ કરતી વખતે જ બોન્ડના માધ્યમ દ્વારા ચૂંટણી ફંડ આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ ઇલેક્ટોરલ બોન્ડ ભારતના કોઇ પણ નાગરિક કે કંપની ખરીદી શકે છે. 

જેટલીએ ઇલેક્ટોરલ બોન્ડ રજૂ કરતી વખતે  દાવો કર્યો હતો કે આ પ્રકારના બોન્ડની વ્યવસ્થા શરૂ થવાથી રાજકીય પક્ષોને મળતા ફંડની તમામ પ્રક્રિયામાં પારદર્શકતા આવી જશે. જોકે તેમના આ દાવા અંગે સવાલ કરતા કોંગ્રેસે કહ્યું હતું કે જો બોન્ડ દ્વારા ફંડ આપનાર વ્યક્તિનું નામ જાહેર નહીં કરવામાં આવે તો એ પ્રક્રિયા પારદર્શક કેવી રીતે ગણાય? ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ. કૃષ્ણામૂર્તિએ પણ બોન્ડ સિસ્ટમ અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ચૂંટણી બોન્ડની આ નવી યોજનાથી ચૂંટણી ફંડમાં પારદર્શકતાને પ્રોત્સાહન નહીં મળે તેમજ કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેની સાંઠગાંઠ તોડવામાં પણ સફળતા નહીં મળે. 

ચૂંટણી બોન્ડ કેવી રીતે કામ કરે છે એ સાદા શબ્દોમાં સમજીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વર્ષમાં એક વખત અમુક ચોક્કસ દિવસોએ આ બોન્ડ જારી કરે છે. આ બોન્ડ એક હજાર રૂપિયાથી લઇને એક કરોડ રૂપિયા સુધીની હોય છે. દાન આપનાર આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પાર્ટીના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. પાર્ટીના ખાતામાં આ રકમ તેને મળેલા ફંડરૂપે જમા થઇ જાય છે. પહેલી નજરે સરળ જણાતી આ પ્રક્રિયામાં એવા અનેક મુદ્દા છે જે ગંભીર સવાલ ખડા કરે છે. ઇલેક્ટોરલ બોન્ડ વિરુદ્ધ જતો પહેલો અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે એમાં રહેલી ગુપ્તતા. ઇલેક્ટોરલ બોન્ડ યોજનામાં દાન આપનારનું નામ જાહેર ન કરવાની જોગવાઇ છે. તો રાજકીય પક્ષને પણ એ વાત જાહેર ન કરવાનો અધિકાર છે કે તેને ફંડ કોણે આપ્યો.

અહીંયા દેશના નાગરિકોની રાજકીય માહિતી મેળવવાની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર પ્રહાર થાય છે. યાદ રહે કે બંધારણના અનુચ્છેદ ૧૯(૧) અ અંતર્ગત દેશના દરેક નાગરિકને આ અધિકાર મળેલો છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં મતદાન કરવાની સ્વતંત્રતા દરેક ભારતીયનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકારના સંદર્ભમાં જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડનારા ઉમેદવારોને પોતાનો ગુનાઇત ભૂતકાળ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો. મતદાન કરતી વખતે નોટાનું બટન દાબવાનો અધિકાર પણ આ મૂળભૂત અધિકાર અંતર્ગત જ આવે છે. 

એ સંજોગોમાં જો મતદાર એ જાણી ન શકે કે રાજકીય પક્ષો પાસે નાણા ક્યાંથી આવે છે તો એ પારદર્શકતા સામે સવાલ ખડાં કરે છે. બીજી વાત અહીંયા એ મહત્ત્વની છે કે ઇલેક્ટોરલ બોન્ડ અપારદર્શક તો છે પરંતુ લોકો માટે, સરકાર માટે નહીં. ઉદાહરણ તરીકે આ ચૂંટણી બોન્ડ બેંક પાસેથી ખરીદવાના હોવાથી સરકારને તો ખબર પડી જશે કે દાન આપનાર કોણ છે. એવામાં સત્તાધારી પક્ષ આ જાણકારીનો પોતાના હિતો માટે ફાયદો ઉઠાવી શકે છે. તાજેતરમાં એવા રિપોર્ટ પણ હતાં કે ચૂંટણી બોન્ડ દ્વારા સત્તાધારી ભાજપને જ સૌથી વધારે ફંડ મળ્યો છે. 

તાજેતરમાં જ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો કે કેન્દ્રમાં સત્તામાં રહેલા ભાજપને વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન અજ્ઞાાત સ્ત્રોતો દ્વારા ૫૫૩ કરોડ રૂપિયાનો ફંડ મળ્યો છે જે અન્ય પાંચ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી રકમ કરતા પાંચ ગણો વધારે છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને માત્ર ૧૬.૮૦ લાખ રૂપિયા જ રોકડ સ્વરૂપે મળ્યાં છે પરંતુ અજ્ઞાાત સ્ત્રોત દ્વારા જે મોટી રકમ પ્રાપ્ત થઇ છે એની કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. 

એડીઆરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના ૬ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇ, બસપા, તૃણમુલ કોંગ્રેસ અને એનસીપીની કુલ આવક ૧૨૯૩.૦૫ કરોડ રૂપિયા હતી. આમાં અજાણ્યા સ્ત્રોત દ્વારા થયેલી આવક ૬૮૯.૪૪ કરોડ હતી જે આ પક્ષોને મળેલા કુલ ફાળાના ૫૩ ટકા જેટલી થાય છે. આ ૬૮૯.૪૪ કરોડ રૂપિયામાંથી ૨૧૫ કરોડ એટલે કે ૩૧ ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળી છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ફાળો આપનારની જાણકારી પણ જાહેર કરવી જરૂરી નથી. નોંધવા જેવી બાબત એ છે કે અજ્ઞાાત સ્ત્રોત દ્વારા મળેલા ફાળામાંથી સત્તાધારી ભાજપને સૌથી વધારે એટલે કે ૫૫૩.૩૮ કરોડ રૂપિયા મળ્યાં છે જે અજ્ઞાાત સ્ત્રોતો દ્વારા મળેલી કુલ રકમના ૮૦ ટકા જેટલા થાય છે. 

હાલની જોગવાઇ અનુસાર રાજકીય પક્ષોએ ૨૦ હજાર રૂપિયાથી ઓછી રકમનું દાન કરનારા લોકો અંગે માહિતી આપવાની જરૂર નથી. તેમજ ચૂંટણી બોન્ડના માધ્યમ દ્વારા દાન આપનારા લોકોના નામ અંગે પણ ખુલાસો કરવાની જરૂર નથી. એ સંજોગોમાં ૫૦ ટકા કરતા વધારે આવકના સ્ત્રોત અંગે કોઇ જાણકારી મળતી નથી. હવે લાગે છે કે ઇલેક્ટોરલ બોન્ડના પ્રયોગ બાદ પણ રાજકીય પક્ષોને મળતા ફંડના સ્ત્રોત વિશે જાણકારી મેળવવામાં સફળતા મળી નથી. ઉલટું, ઇલેક્ટોરલ બોન્ડના પ્રયોગ દ્વારા સત્તાધારી ભાજપને જ સૌથી વધારે ફાયદો થયો હોવાનું જણાય છે. 

રાજકીય પક્ષોને મળતા કોર્પોરેટ ફંડિગમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યાં છે. જેમકે અગાઉ એવી જોગવાઇ હતી કે કોઇ કોર્પોરેટ હાઉસ તેના છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના ૭.૫ ટકા રકમ જ રાજકીય ફંડમાં આપી શકે જે જોગવાઇ દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં, હવે કોઇ કંપની પર એ બંધન પણ નથી કે તે પોતાના નફાનુકસાનના ખાતામાં રાજકીય પક્ષને અપાયેલા ફંડનો ઉલ્લેખ કરે. એ નિયમ પણ હટાવી દેવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્ત્વમાં હોય એવી કંપની જ રાજકીય પક્ષોને ફંડ આપી શકે. આ તમામ છટકબારીઓનો મતલબ એ નીકળે છે કે કોઇ ખોટ કરતી કંપની સત્તાધારી પક્ષને ફંડ આપીને અમુક લાભ સાધવાનો પ્રયાસ કરી શકે છે. તો બોગસ કંપનીઓ પણ મનફાવે એટલું દાન કરી શકે છે જે એક પ્રકારનું મની લોન્ડરિંગ જ કહી શકાય. 

ચૂંટણી પંચે વિદેશી યોગદાન નિયમન કાયદામાં કરવામાં આવેલા સંશોધનનો પણ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે આ સંશોધનથી દેશના રાજકીય પક્ષોને અનિયંત્રિત વિદેશી ફંડિંગની અનુમતિ મળશે અને એનાથી ભારતીય નીતિઓ વિદેશી કંપનીઓથી પ્રભાવિત થઇ શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો વિદેશી કંપનીઓ પોતાના હિતો સાધવા સત્તાધારી પક્ષને મનફાવે એટલું ભંડોળ આપીને વેપાર નીતિઓને પોતાના પક્ષમાં કરી શકે છે. એક જોતાં તો આ પાછલા બારણેથી વિદેશી કંપનીઓના ગુલામ બનવા જેવું જ થયું કહેવાય. 

રાજકારણમાં ભ્રષ્ટાચારનું મોટું કારણ રાજકીય પક્ષોને મોટા મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યાવસાયિક કંપનીઓ દ્વારા મળતો ફંડ છે. આવી રકમમાંથી નજીવી રકમની માહિતી જાહેર કરવામાં આવતી હોય છે જ્યારે મોટો આંકડો ધરાવતી રકમનો કોઇ હિસાબ મળતો નથી. આમ જાહેર ન કરવામાં આવતી રોકડ રકમના સ્વરૂપે જ કાળા નાણાનો વ્યવહાર વધતો હોય છે. અને આવું કાળું નાણું જ મોટા ભાગના રાજકીય પક્ષોને ચલાવવામાં મોટો ફાળો ભજવતું હોય છે. રાજકીય પક્ષો ચૂંટણી પંચને તેમની આવક અને ખર્ચનો હિસાબ તો આપતા હોય છે પરંતુ એમાં આવી બેહિસાબી નાણાની કોઇ વિગત હોતી નથી.ઇલેક્ટરોલ બોન્ડ યોજના અમલમાં મૂકતી વખતે મોદી સરકારે દાવો કર્યો હતો કે આ યોજનાના અમલીકરણ દ્વારા ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ ખતમ થઇ જશે. ખાસ કરીને પડદા પાછળ થતી રોકડ રકમની લેવડદેવડ બંધ થઇ જશે. પરંતુ આ યોજનામાં દાનકર્તાનું નામ જાહેર ન કરવાની જોગવાઇ જ પારદર્શકતાનું હનન કરે છે. ચૂંટણી ટાણે રાજકીય પક્ષો પ્રજાને આકર્ષવા બેફામ ખર્ચ કરતા હોય છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારે કેટલો ખર્ચ કરવો એ અંગે ચૂંટણી પંચે મર્યાદા બાંધી હોય છે પરંતુ જગજાહેર વાત છે કે મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો અનેક ગણી વધારે રકમ ખર્ચતા હોય છે. પાંચ વર્ષ પહેલાં સત્તામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટમાં પારદર્શકતા લાવવાના મોટા દાવા કર્યાં હતાં. રાજકીય પક્ષોની આવકજાવકનો હિસાબ પણ પારદર્શક બનાવવાનો ઇરાદો તેમણે જાહેર કર્યો હતો. પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે ત્યારે ફરી વખત દેશની સર્વોચ્ચ અદાલત ઇલેક્ટોરલ બોન્ડ મામલે હસ્તક્ષેપ કરીને ચૂંટણી ફંડમાં પારદર્શકતા લાવવા પ્રયાસ કરે એ ઇચ્છનીય છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCxMpP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages