
બર્મિંગહામ, તા. 9 માર્ચ 2019, શનિવાર
ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય વિજેતાનો ઈંતેજાર હજુ એક વર્ષ માટે લંબાયો છે. બેડમિંટનની એલિટ ટુર્નામેન્ટમાં ભારતની આખરી આશા સમાન ખેલાડી કિદામ્બી શ્રીકાંત મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન જાપાનીઝ ખેલાડી મોમોટા સામે હારીને બહાર ફેંકાયો હતો. આ સાથે ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.
જાપાનીઝ ખેલાડી મોમોટાએ શ્રીકાંતને ૨૧-૧૨, ૨૧-૧૬થી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ વિમેન્સ સિંગલ્સમાં ભારતની ૨૦૧૫ની ફાઈનલીસ્ટ સાયના નેહવાલ વર્લ્ડ નંબર વન તાઈપેઈની ખેલાડી તાઈ ત્ઝુ યીંગ સામે હારી ગઈ હતી. શ્રીકાંત વર્લ્ડ નંબર વન સુપરસ્ટાર સામે ટકી શક્યો નહતો અને મોમોટાએ મેચમાં શરૂઆતથી પ્રભાવ જમાવી દીધો હતો. શ્રીકાંતનો મોમોટા સામે આ સતત આઠમો પરાજય છે.
ભારતને આ વખતે સાયના, સિંધુ અને શ્રીકાંત પાસેથી ટાઈટલ જીતવાની આશા હતી. જોકે સિંધુ તો પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. જ્યારે સાયના અને શ્રીકાંતે અનુક્રમે મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં બે-બે મેચો જીતી હતી. જોકે ક્વાર્ટર ફાઈનલમાં તેઓને હારનો સામનો કરવો પડયો હતો. ભારતની ડબલ્સ જોડીઓ તો પહેલા જ બહાર ફેંકાઈ ચૂકી છે
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HkPK2N
No comments:
Post a Comment