સોલાર પાવરઃ પાવર પાવર કરતા ઉમેદવારોને મેલો તડકે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

સોલાર પાવરઃ પાવર પાવર કરતા ઉમેદવારોને મેલો તડકે


ઘડીકમાં ટરકો ને ઘડીકમાં છાંયો માટીડો મ્હારો દોઢ-ડાહ્યો.... ચોમાસાના દિવસોમાં સૂરજ નીકરે મોરો (મોડો) જે હાથમાં છટરી (છત્રી) એ ભાગ કોરો.... હિલેરિયસ હિલ્લુ આન્ટી એટલે અમારા મીઠડા પારસી પાડોશણ એના 'માટીડા'ની મજાક-મશ્કરી કરતા કરતા આવાં હાથ બનાવટના   જોડકણાં ગાયા કરે.

હિલ્લુ આન્ટીનો 'માટીડો' એટલે હોમી અંકલ પણ મઝેદાર મિજાજના. આન્ટી ગમે એટલી મજાક કરે તો  પણ માઠું ન લગાડે. કાયમ કહે કે 'આવી ઘરવાલી ને ઘર-વ્હાલી નસીબદારને જ મલે હો? એટલે તમારી જેવાં સહુ નેબર પન આ મારી 'પા-ડોસી'ને ચાહે છેને? ઘરવાલી કાયમ ભસતી રહે એનાં કરતાં  હસતી રહે એમાં શું ખોટું છે?'

ઉનાળો આવતા  ધીરે ધીરે  ગરમી વધવા માંડી. બપોરે એક વાગ્યે હું ઓફિસ જવા નીકળ્યો ત્યારે હોમી અંકલને ઘરના ઓટલે હાથમાં ખાલી બાઉલ  લઇ ખરા તડકામાં બેઠેલા જોયા મેં હસીને પૂછ્યું અંકલ આ જુદી જુદી પાર્ટીવાળા વોટ માગવા નીકળી પડે એમ તમેય  હાથમાં  ખાલી ભીક્ષાપાત્ર લઈ કેમ બેઠા છો? હું હજી  વાક્ય પૂરૂં કરૂ ત્યાં તો કિચનમાંથી તપેલી લઈને ધસમસતા હિલ્લુ આન્ટી આવ્યા અને ચૂપચાપ જાડી રગડા જેવી દાળ અંકલના બાઉલમાં નાખી.'

મેં આન્ટીને પૂછ્યું કે 'આવાં તડકામાં કેમ અંકલને દાળ પીરસી?' હિલ્લુ આન્ટી લટકો કરી હસીને  બોલ્યા 'આ ટારા અંકલ ક્યારના  ફરમાઈશ કરતા હતા કે  ડાલ ટરકા (તડકા) બનાવ એટલે મેં ડાલ (દાળ) બનાવી અને તારા અંકલને તડકામાં બેસાડી ખવરાવી, આને જ કહેવાય ડાલ-ટરકા (દાલ-તડકા) પરી સમજ?  આન્ટીની વાત સાંભળી મારા દિમાગમાં  પણ એક જોડકણું નહીં પણ તોડકણું ફૂટી નીકળ્યું :

એક બાર બીબીસે 

જો 'ટરકા'

વો ના રહે ઘાટકા

કે ઘરકા

દયા આતી હૈ દેખ કે

હાલ ઐસે વરકા

પથુકાકા તો પોચટ વરને માટે એક જ શબ્દપ્રયોગ કરે કે પા-વર છે. વહુ સામે પા ભાગનું વરપણું દેખાડી શકે એને પા-વર જ કહેવાયને? કાકા તો અમિતાભ બચ્ચનની ફિલ્મના એક પાત્રની અટક કાયમ યાદ કરે,  દાવર પછી કહે જેની ઘરવાળી એના વરનો આખો દિવસ દા કાઢે એને કહેવાય દા-વર જે કદાવર ન હોય એ દા-વર જ રહેને?

બે-ત્રણ દિવસ વિત્યા ત્યાં આંતરરાષ્ટ્રીય   મહિલા  દિન આવી પહોંચ્યો. નારી સન્માન, મહિલા સશક્તિકરણ(ભઈલા અશક્તિકરણ)ની ધૂમ મચી ગઈ ધૂમ.  નારી કભી ન હારી, નર સે  નારી કમ નહીં... નારી કે બીના હમ નહીં એવાં સૂત્રો ગાજવા માંડયા પથુકાકાના ઘર તરફ નજર કરી તો બાલકનીમાં ખુરશી ઢાળીને  કાકાના એકના એક જીવનસંગીની  (અને જીવનતંગીની) (હો) બાળાકાકી તડકામાં બેઠા હતા.

મેં બૂમ પાડીને કાકાને  પૂછ્યું  'કાકા આ શું છે? કાકીને કેમ તડકે બેસાડયા છે?' કાકા બોલ્યા 'આ તારી કાકી મહિલા સશક્તીકરણનો પ્રયોગ કરે છે.' મેં પૂછ્યું મહિલા સશક્તીકરણ માટે કાકી તડકામાં કેમ બેઠા છે? પથુકાકા બોલ્યા 'તારી કાકી સૌરઉર્જા મેળવે છે. મહિલા  સશક્તીકરણ માટે એનર્જી જોઈએને? એ એનર્જી તડકામાંથી મેળવે છે. તડકામાંથી જે એનર્જી મેળવશે એનો ઉપયોગ મારી જેવાં એ-નરજી સામે કરશે પડી સમજ? અત્યાર સુધી ઘરમાં સોલાર કૂકર હતું હવે આ સોલાર-કાકી જોવા મળશે બરાબરને?'

મેં કહ્યું કાકા પશ્ચિમ બંગાળના કાયમ તમતમતા રહેતા મમતા બેનર્જી પણ આવું જ  કરે છેને? બે-નરને ભાંગી બનાવેલા ઈ બે-નરજી દિલ્હીમાં બેઠેલા 'એ-નરજીનું નિશાન સાધીને પોતાની એનર્જી વેડફયા કરે છેને? જેણે સર્જીકલ  સ્ટ્રાઈક કરી હોય એની સામે બે-નરજીની નરજીકલ સ્ટ્રાઈક શું કામ આવવાની?

મારી વાત સાંભળી કાકાએ જોડકણું ફફડાવ્યુંઃ

કાકી, કૂકરને કામિની

ચાલે સૌરશક્તિથી

અને આ કાકા ચાલે વાંકા

ભારે અશક્તિથી 

મેં કહ્યું 'કાકા હવે તો સોલાર-પાવરની મોટરગાડીઓ પણ દોડવા માંડી છે ખબર છેને?' પથુકાકા માથું ધુણાવી બોલ્યા 'વાહ વાહ પાવરથી કાર પણ ચાલે અને સર-કાર પણ ચાલે  હો?  કારની બેટરી વારે વારે ચાર્જ કરવી પડે. જ્યારે  સરકારની બેડટરી દર પાંચ વર્ષે ચાર્જ કરવા માટે ચૂંટણી યોજવી પડે. કારનો પાવર ઉતરે તો ધક્કા મારી  ચલાવવી પડે અને સર-કારનો  પાવર જાય ત્યારે   મતદારો એને ધક્કે  ચડાવે બરાબરને'.

મેં કાકાને કહ્યું કે 'આપણને તો ભાઈ પાવર-ફૂલ  સરકાર જોઈએ દેશમાં પાવર-ફૂલ.'  કાકાએ તરત કહ્યું કે મોટાભાગની સરકાર જ્યારે  પાવરમાં આવે ત્યારે પાવર-ફૂલ જ હોય છે. પણ પછી ધીમે ધીમે ઓલા પા-વરની જેમ એનો પાવર ઉતરતો જાય છે.  પછી  એ પાવર-ફૂલ બનવા હવાતિયા મારે છે.'

મે આશ્ચર્ય વ્યકત કરતા પૂછ્યું કે એક વાર પાવર ઉતરતો જાય પછી કેવી રીતે એ પાવરફૂલ બનવા માટે હવાતિયાં મારે? મને તો કંઈ સમજાયું નહીં.' પથુકાકાએ ફોડ પાડયો કે 'ફૂલ એટલે શું? મૂર્ખ બરાબરને? હવે જ્યારે સરકાર પાવર ગુમાવવા માંડે એટલે  ગાદી પર ટકી રહેવા માટે શું કરે ખબર છે? જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવા માંડે. એટલે જેની પાસે પાવર હોય એ જનતાને ફૂલ બનાવે એને જ કહેવાય પાવર-ફૂલ સરકાર,  બોલ  મારી વાત સાચી કે નહીં?'

મેં કાકાને કહ્યું ' આ વખતે લોકસભાની ચૂંટણી ભરઉનાળે યોજાવાની છે હો?' કાકા બોલ્યા 'અરે ભાઈ એક બાજુ ઉનાળાની ગરમી અને બીજી બાજુ ચુનાવી ગરમી ભેગી થશે હો? મતદાન માટેની લાઈનોમાં જોજે તપેલા અને તપેલીઓ જોવા મળશે.' મેં પૂછ્યું મતદાન કેન્દ્રમાં કંઈ જમણવાર થોડો જ છે કે ત્યાં તપેલા-તપેલી  જોવા મળે?'

કાકા ખડખડાટ દાંત કાઢીને  બોલ્યા કે 'અરે તાતડિયે તડકે વૉટ આપવા માટે લાઈનોમાં ઊભા રહેતા પુરૂષો અને સ્ત્રીઓના  ટાલકા તપી જાય એટલે  એને તપેલા-તપેલી જ  કહેવાયને? જરા સમજ તો ખરો? સમજને વાલે  સમજ ગયે હૈ, ના સમજને વાલે સમજ ગયે હૈ, ના સમજે વો ઈલાસ્ટીક (નાડી વગરના અ-નાડી) હૈ...'

મે કહ્યું 'કાકા ચૂંટણીમાં ઉભા રહે એ બધાને બસ પાવર જ જોઈએ, આજે જેની પાસે પાવર નથી એવાં કેટલાય લોકો શું જનતાની સેવા નથી કરતા? પણ આ બધા તો  બસ પાવર... પાવર... પાવર... માટે જ હવાતિયા મારતા હોય છે.' પથુકાકા બોલ્યા 'હું તો બધાને  એક જ સલાહ આપું છું કે પાવર... પાવર પુરાણ ચલાવતા ઉમેદવારો ઊંબરે આવીને ઉભા રહેને  તો એને મૂકજો તડકે. ભલે એ તાતડિયે તડકે  સોલાર-પાવર મેળવે. હવે  આ જનતા કંઈ સાવ ભોટ નથી રહી હો? એ ઉમેદવારોને બરાબર ઓળખીને જ વોટ આપશે જોજે તો ખરો? એટલે જ ફરી ફરી કહું છું કેઃ

નઠારાઓને મેલજો તડકે

ભલે પછી એ ભડકે.

અંત-વાણી

પાવરથી ચાલે કાર

પાવરથી ચાલે સરકાર

પણ ઉતરે બેટરી  એની

જે જનતાની કરે નહીં દર-કાર.

સાવરિયો રે મારો સાવરિયોે...ગીત

સોભળ્યું છેને? હવે ચૂંટણીમાં જેના

ધણી જીતશે અને જેના હાથમાં પાવર

આવશે એ ધણીઆણી શું ગાશે?

પાવરિયો રે મારો પાવરિયો...

હું તો ડોબો જાણુને

એ ગાદીએ ગરિયો...

લોકશાહીમાં બીજું શું થાય?

ખોટા ચૂંટાય, ને સાચા કૂટાય.

ચટણીમાં પોતે વાટવું પડે

ચૂંટણીમાં બીજાનું વાટવું પડે.

ગાદી પર ખાદીના કવર

ખાદી ઉપર ગાદીના લવર.

ભાઈ હોય કુલ કુલ

અને ભાભી ભડભડ ભડકા

ત્યારે તાતડિયે તડકે બેસાડી

ખવરાવે દાલ-તડકા.

ગાંધીજી કરતા પદ-યાત્રા

ગાંધીના નામે પદ માટે પદ-યાત્રા.

પાક ઉપર એર-સ્ટ્રાઈક

વિપક્ષો પર વેર-સ્ટ્રાઈક

ચૂંટણીમાં ખુરશી માટે ચેર-સ્ટ્રાઈક.

રમતગમતમાં ખેલદિલી

રાજરમતમાં ખેલ-દિલ્લી.

અલગતાવાદીઓ ભારત-છોડા

(ગાદીને)વળગતાવાદીઓ 

ભારત-ને-છોડો.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCFv6w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages