નવી દિલ્હી, તા.11 નવેમ્બર 2018,રવિવાર
છત્તીસગઢમાં ચૂંટણી પહેલા જ નક્સલીઓ સક્રિય થઇ ગયા છે. નક્સલીઓ દ્વારા એક બાદ એક સાત વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો.
ચૂંટણી અગાઉ જ થયેલા આ વિસ્ફોટને કારણે રાજ્યમાં નક્સલપ્રભાવીત વિસ્તારોમાં ભયનો માહોલ છે જેને પગલે સરકારે સુરક્ષા વધારી દીધી છે અને જે પણ બુથ નક્સલી વિસ્તારોમાં આવેલા છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન પણ જારી કરી દેવામાં આવ્યા છે.
આઇજીપી દિપાંશુ કાબ્રાએ જણાવ્યું હતું કે બીએસએફની એક ટીમને રાજ્યના કાનકેર જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી જે દરમિયાન નક્સલીઓએ આઇઇડી વિસ્ફોટ કરી દીધો હતો. આ હુમલો જંગલ વિસ્તારમાં થયો હતો. આ હુમલામાં બીએસએફના સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનું મૌત નિપજ્યું હતું.
હુમલા બાદ નક્સલીઓ જંગલ વિસ્તારમાં નાસી છુટયા હતા, જેથી સર્ચ ઓપરેશન જારી કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં સાત આઇઇડી વિસ્ફોટ થયા હતા. આવો જ એક હુમલો નક્સલ પ્રભાવીત બીજાપુર જિલ્લામાં થયો હતો. જે દરમિયાન જવાનોએ પણ નક્સલીઓને આક્રામક જવાબ આપવા માટે ગોળીબાર કર્યો હતો.
સામસામે કલાકો સુધી ગોળીબાર થયો હતો. બાદમાં નક્સલીઓ જંગલમાં ભાગી ગયા હતા. જોકે બીજાપુર જિલ્લામાં પોલીસે એક નક્સલીને ઠાર માર્યો હતો. જ્યારે એક જીવતો પકડાયો હતો. આ પહેલા આઠ નવેમ્બરે પણ ચાર નાગરીકો અને સીઆઇએસએફનો એક જવાન માર્યા ગયા હતા. એટલે કે માત્ર ત્રણ દિવસમાં જ આ ત્રીજી મોટી જાનહાની નક્સલી હુમલામાં સર્જાઇ છે.
જ્યારે બીજી નવેમ્બરના રોજ થયેલા હુમલામાં બીએસએફના બે જવાન શહીદ થયા હતા. જ્યારે ૩૦ ઓક્ટોબરના હુમલામાં દુરદર્શનના કેમેરામેન અને બે પોલીસ જવાન શહીદ થયા હતા. આ પહેલા ૨૭મી ઓક્ટોબરના રોજ સીઆરપીએફના ચાર જવાન શહીદ થયા હતા. એટલે કે છેલ્લા ૧૫ દિવસમાં નક્સલીઓએ છત્તીસગઢને ઘમરોળ્યું છે. અને એક બાદ એક હુમલા કરી રહ્યા છે.
જેને પગલે ભયના માહોલમાં છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. સોમવારે પ્રથણ તબક્કાનું મતદાન હોવાથી સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઠેરઠેર પ્રભાવીત વિસ્તારોમાં બીએસએફના જવાનોને પણ ખડકવામાં આવ્યા છે. રાજ્યભરમાં આશરે એક લાખ જેટલા સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. નક્સલીઓએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. અને છેલ્લા ૧૫ દિવસમાં હુમલા કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ જવાનો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2De3vOE
No comments:
Post a Comment