બે લીઝધારકોને 16 કરોડનો દંડ ફટકારાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 14 May 2023

બે લીઝધારકોને 16 કરોડનો દંડ ફટકારાયો


માણસા તાલુકાના અનોડિયા ગામમાં પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીખનન કરનાર સામે કાર્યવાહી

કલેક્ટરની ટીમે પાડેલા દરોડામાં સામે આવેલી રેતીચોરી અંગે માપણી કરી દંડ કર્યો ઃ રોયલ્ટી પાસનો દૂરઉપયોગ કરવાનો પણ ગુનો

ગાંધીનગર: માણસા તાલુકાના અનોડિયા ગામ પાસેની સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તી સામે કલેક્ટરની ટીમે દરોડો પાડતા દોડધામ મચી ગઇ હતી. અહીંથી રેતી ઉલેચતા હિટાચી મશીન, હોડકા તથા ટ્રકની જપ્તી કરવામાં આવ્યા ઉપરાંત અહીં માપણી કરીને લીઝધારકોને દંડ ફટકારવા સુચના આપી હતી. જેના પગલે જીઓલોજીસ્ટ દ્વારા માપણી કરીને ગેરકાયદે ખનન કરતા બે લીઝધારકોને ૧૬ કરોડનો દંડ ફટકાર્યો છે. આ લીઝધારક આ માતબર રકમનો દંડ ભરે છે કે કેમ તે તો જોવુ જ રહ્યું.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા અનોડિયા ગામ પાસે સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન કરીને કરોડોની રેતી ચોરી અંગે જાણ થતા કલેક્ટરે પોતાની ટીમ દ્વારા અહીં મોડી રાત્રે દરોડો પડાવ્યો હતો. જે રેડ દરમ્યાન ત્રણ લીઝમાં ગેરકાયદે ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે અહીંથી ૧૮થી વધુ ટ્રક સહિત બે હોડી અને અન્ય વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે ભુસ્તર તંત્રને તપાસ કરીને માપણી બહાર ખોદકામ કરનાર લીઝ ધારકોને દંડ આપવા આદેશ કરવામાં આવ્યો હતો. કલેક્ટરના આદેશને પગલે ભુસ્તર તંત્ર દ્વારા આ વિસ્તારની માપણી કરવામાં આવી હતી જેમાં લીઝ કરતા વધુ તેમજ લીઝ વિસ્તાર બહાર ખોદીને તેમાંથી રેતી ચોરી હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે લીઝ વિસ્તાર બહાર ખોદકામ અને રોયલ્ટી પાસના દૂરઉપયોગ બદલ એક લીઝ ારકને ૭.૪૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો આવી જ રીતે બીજી લીઝમાં પણ ગેરકાયદે ખનન અને કરોડોની રેતીની ચોરી સામે આવી હતી જેના પગલે અન્ય એક લીઝ ધારકને ૮.૪૮ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બન્ને લીઝધારકોને ૧૫.૯૦ કરોડ એટલે કે, લગભગ ૧૬ કરોડ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ તો આ દંડ ભરવામાં આવ્યો નથી જેથી આ લીઝ બ્લોક કરી દેવામાં આવી છે.ભુસ્તર તંત્ર દ્વારા માપણી કરીને ગેરકાયદે ખનન અને રેતીચોરી બદલ બે લીઝધારકોને ૧૬ કરોડ જેટલો દંડ તો ફટકારી દેવામાં આવ્યો છે પરંતુ આ લીઝધોરકો આ દંડ ભરે છે કે કેમ તે તો હવે જોવુ જ રહ્યું.તો બીજીબાજુ કલેક્ટરની ટીમ દ્વારા દરોડા પાડવાનો સિલસિલો આગળ વધતા ભુસ્તર તંત્ર પણ એક્ટીવ થઇ ગયું છે. 

રેડમાં જપ્ત કરાયેલા 18 ટ્રકના માલિકોને એક-એક લાખનો દંડ

જિલ્લાના માણસા તાલુકામાં આવેલા અનોડિયા ગામ પાસે નદીમાં ગેરકાયદે ખનનની પ્રવૃત્તી સામે કલોલ પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા કલેક્ટરની સુચનાને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમ્યાન રોયલ્ટી પાસ નહીં હોવા છતા રેતીનું ખોદકામ અને વહન કરતા હિટાચી મશીન અને ટ્રક મળી આવ્યા હતા. એટલુ જ નહીં, અહીં હોડકામાં એન્જીન બેસાડીને પાણીની સાથે રેતી ઉલેચીને તેની પણ ચોરી કરવામાં આવતી હતી. જેથી બે હિટાચી મશીન, ૧૮ ટ્રક તથા બે હોડકા અને એન્જીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ટ્રકના માલિકો પાસેથી એક-એક લાખ રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે. 

લીઝ બહાર ૧,૭૦૩ ટન રેતી ઉચેલી લીધી : 5.96 લાખ દંડ

કલોલ પ્રાંત અધિકારી દ્વારા અનોડિયા પાસે નદીમાં કરવામાં આવેલી રેડ દરમ્યાન ત્રણ લીઝમાં ગેરકાયદે ખોદકામ જોવા મળ્યું હતું. બે લીઝધારકો દ્વારા લીઝ બહાર મોટાપ્રમાણમાં ગેરકાયદે ખનન અને રોયલ્ટી પાસનો દુરઉપયોગ કર્યો હોવાને પગલે તેમને ૧૬ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો બીજી બાજુ અન્ય એક લીઝધારક દ્વારા પણ ગેરકાયદે ખોદકામ કરીને રેતીની ચોરી કરવામાં આવી હતી. આ લીઝધારકે અહીં કુલ ૧,૭૦૩ મેટ્રીક ટન રેતીની ચોરી કરી હોવાનું સામે આવતા તેને રૂપિયા ૫.૯૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ તો અન્ય બે લીઝની જેમ આ લીઝ પણ બ્લોક કરી દેવામાં આવી છે.




from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/78J6IGz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages