
(પીટીઆઈ) યુનાઈટેડ નેશન્સ, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
અમેરિકાએ યુએનના કાયમી સભ્ય દેશ ફ્રાન્સ અને બ્રિટનના સમર્થનથી આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા નવેસરથી યુએન સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. એ સાથે અમેરિકાએ ચીનને મસૂદની ઢાલ બનવાનું બંધ કરવાની તાકીદ પણ કરી હતી.
મસૂદ અઝહરને યુએનનો વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં ચીન સતત અવરોધ ઊભો કરે છે. ગયા મહિને ચીને વિટો પાવર વાપરીને મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર થતા બચાવી લીધો હતો. તે પછી અમેરિકાએ ફ્રાન્સ અને બ્રિટનના સમર્થનથી વધુ એક વખત યુએન સુરક્ષા પરિષદ સમક્ષ મસૂદ અઝહર વિરૂદ્ધ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ચીનને બાજુમાં રાખીને અમેરિકા સહિત ત્રણ સ્થાઈ સભ્યોએ સુરક્ષા પરિષદના અન્ય ૧૫ સભ્યો સાથે તે દિશામાં વાર્તાલાપ શરૂ કર્યો છે. આ ત્રણેય દેશોએ મળીને નવેસરથી જૈશ-એ-મોહમ્મદનો આતંકી વડો મસૂદ અઝહર યુએન દ્વારા પ્રતિબંધિત થાય તેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.
આ પસ્તાવ મંજૂર થશે તો મસૂદ અઝહર ઉપર ઘણાં પ્રતિબંધો લાગુ પડશે. પ્રવાસ કરવા ઉપર તો પ્રતિબંધ લાગશે, પરંતુ સંપત્તિ ઉપર પણ પ્રતિબંધ મૂકાશે. અમેરિકાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન મસૂદની ઢાલ બનવાનું બંધ કરીને વિશ્વને આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં સમર્થન આપે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યુ હતું કે ઘર આંગણે લાખો નિર્દોષ મુસ્લિમોને ત્રાસ આપતું ચીન આતંકવાદના બહાને બેવડાં ધોરણો અપનાવે છે. એક તરફ સ્થાનિક સ્તરે આતંકવાદ ફેલાવતા હોવાના બહાને જિનજિઆંગ પ્રાંતમાં મુસ્લિમો ઉપર અમાનવીય ત્રાસ વર્તાવે છે. પણ બીજી તરફ ખરેખર ઈસ્લામના નામે નિર્દોષ લોકોનો જીવ લેવા સંગઠન અને તેના આતંકી વડાને સતત બચાવે છે. ચીનના આ બેવડાં ધોરણો હવે સમગ્ર વિશ્વ સમક્ષ આવી ગયા છે.અમેરિકાએ કહ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષમાં ચાર-ચાર વખત મસૂદને બચાવવા વિટો પાવર વાપરી ચૂકેલું ચીન હવે વિશ્વને સમર્થન કરે અને આ ખતરનાક આતંકવાદી વિરૂદ્ધ પગલાં ભરવામાં યુએનને સહકાર આપે.
અમેરિકા સંયુક્ત રાષ્ટ્રમાં બળજબરી કરવાનું બંધ કરે : ચીનની અકળામણ
યુએનની આતંકવાદ વિરોધી સમિતિના અધિકારો ઉપર અમેરિકા તરાપ મારતું હોવાનું કહીને ચીને નવા પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો
(પીટીઆઈ) બેઈજિંગ, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
અમેરિકાએ ચીનની પરવા કર્યા વગર યુએનમાં આતંકવાદી મસૂદના વિરૂદ્ધમાં નવો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. આતંકવાદીને બચાવવા મથતા ચીને અકળાઈને કહ્યું હતું કે અમેરિકા સતત પ્રસ્તાવ મૂકીને સંયુક્ત રાષ્ટ્રમાં બળજબરી કરી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે અમેરિકા-બ્રિટન-ફ્રાન્સના મસૂદ વિરૂદ્ધ મૂકાયેલા નવા પ્રસ્તાવના સંદર્ભમાં કહ્યું હતું કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બળજબરી કરી રહ્યું છે. એક વખત પ્રસ્તાવ નકાર્યા પછી નવેસરથી પ્રસ્તાવ મૂકીને અમેરિકા યુએનની સુરક્ષા પરિષદ ઉપર દબાણ લાવી રહ્યું છે તે યોગ્ય નથી.
અકળાયેલા ચીને કહ્યું હતું કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રસંઘનો પ્રભાવ ઘટાડવાના પ્રયાસો બંધ કરે અને જે કંઈ પણ કરે છે તે પોતાના જોખમે કરે. અમેરિકા આવાં પગલાં ભરે છે તો પછી તેના પરિણામો માટે પણ તૈયાર રહે એવું કહીને યુએનમાં તેની અવગણના થઈ તે બાબતે ચીને આઘાત છતો કર્યો હતો. અમેરિકાના આ પગલાંથી આખી ઘટના વધુ જટિલ બનશે એવું કહીને ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે મસૂદ બાબતે ચીન તેના વલણમાં સ્પષ્ટ છે અને એમાં ફેરફારની કોઈ ય યોજના નથી. ચીનને આ મુદ્દે વિચારવા માટે વધુ સમયની જરૂર છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U2CmI4
No comments:
Post a Comment