
- વિકાસની ખોખલી વાતોનું આ છે પ્રતિબિંબઃસોનગઢ અને ઉચ્છલના ૨૭ ગામોમાં દર વર્ષે ૧ લી એપ્રિલથી ટેન્કર મારફતે પાણી વિતરણ થાય છે
બારડોલી, વ્યારા, બુધવાર
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વનક્ષેત્રમાં આવેલા મલંગદેવ ઓટા સહીત ૧૨ ગામમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. ગ્રામજનો બળદગાડામાં પ્લાસ્ટીકના બેરલ મુકી અન્ય ગામના કુવામાંથી પાણી લાવી વપરાશ કરી રહ્યાં છે. ભાજપ સરકારના ટેન્કરીયું ગુજરાત હવે ભુતકાળ બની જશે ના દાવા વચ્ચે સરકાર દ્વારા દર વર્ષે તા. ૧ લી એપ્રિલથી વરસાદ થાય ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે.
ગુજરાતમાં ૨૪ વર્ષથી શાસન કરતી ભાજપા સરકાર દ્વારા દુષ્કાળીયું અને ટેન્કરીયું ગુજરાત ભુતકાળ બની ગયું હોવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ હજુ પણ સોનગઢ તાલુકાના વનક્ષેત્રના ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોળીના તહેવાર સાથે શરૂ થાય છે. સરકાર દ્વારા દર વર્ષે તા. ૧ લી એપ્રિલથી ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. જેમાં મલંગદેવ ઓટા વિસ્તારના ૧૨ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં શરૂ થાય છે. ગત ચોમાસામાં વરસાદ ઘણો ઓછો રહેતા આ વર્ષે પીવાના પાણીની સમસ્યા વહેલી શરૂ થઈ છે. તમામ ગામના લોકો પીવાના અને વપરાશના પાણી માટે બળદગાડામાં પ્લાસ્ટીકના બેરલ(પીપ) મુકી નજીકના ગામોમાં કુવામાંથી પાણી લાવવામાં આવી રહ્યું છે.
ગ્રામજનો દ્વારા પાણીની ટેન્કરો જલ્દી શરૂ કરવા માટે તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવ્યા નથી. સોનગઢ ખાતે તા. ૩ જી માર્ચના રોજ ભાજપ સરકારના શિક્ષણ મંત્રીના હસ્તે રૂ. ૧૬૩૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. સરકારના અનેક દાવાઓ વચ્ચે પીવાના પાણીની સમસ્યા તાપી જિલ્લાના વનક્ષેત્રના ગામોમાં શરૂ થઈ છે. જે ચોમાસાની શરૂઆત સુધી રહેશે. અને સરકાર દ્વારા દર વર્ષે ટેન્કર મારફત અપાતા પાણીની સગવડ ઝડપી શરૂ થાય તે જરૂરી જણાય છે.
અહીં દર વર્ષે ટેન્કરથી પાણી વિતરણ થાય છે
તાપી જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા દર વર્ષે ગામદીઢ એક ટેન્ડર પાણી મોકલવામાં આવે છે. જે તા. ૧ લી એપ્રિલથી શરૂ કરવામાં આવે છે. જેમાં કુલ ૨૭ ગામમાં સોનગઢ તાલુકાના ઘુસર, બોરથવા, પહાડદા, ઓટા, લાંગડ, સીનોદ, માળ, સાદડુન, રાસમાટી, વડપાડા, ઉમરદા, કુમકુવા, અગાસવાણ, દોણ, દુમદા, બેડવાણ, આમલગુંડી, ખાંજર, મેઢા, ચીખલી, ભેંસરોટ, ગાલખડી, કાલવા, કેલાઈ, ચીમેર વગેરે ગામો તેમજ ઉચ્છલ તાલુકાના ભડભુંજા, અમોદા, ફુલ ઉમરાણ, નિઝર તાલુકાના વ્યાવલ ગામનો સમાવેશ થાય છે.
આ ગામોમાં પાણીની છે તીવ્ર અછત
સોનગઢ તાલુકાના મલંગદેવ, માળ, પહાડદા, ઘુસર, ભરથવા, સીનંદ, રાશમાટી, ઓટ, ચીમેર, મહુવાડા, ખપાટીયા અને સાદડુન ગામે પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVXvQy
No comments:
Post a Comment