
ગાંધીનગર,તા.07 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
દહેગામ તાલુકાના કડજોદરા ગામે ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર આરોગ્ય વિભાગે થોડા દિવસ પહેલા પકડી પાડયો હતો ત્યારે આજે વધુ એક સફળ રેડમાં ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટીસ કરતો મુન્નાભાઇ પકડાયો છે. બહિયલ ગામમાં દર્દીઓની સારવાર કરતો હોવા ઉપરાંત આ બોગસ ડોક્ટર પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલની પણ કોઇ વ્યવસ્થા ન હતી જેને લઇને આ બોગસ ડોક્ટરને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
દહેગામ તાલુકા આરોગ્ય અધિકારીની સુચનાથી બહિયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. બૈદનાથ રામ, પાલુન્દ્રાના મેડિકલ ઓફિસર ડો. સતિષ કે. પંડયા, કડાદરાના મેડિકલ ઓફિસર ડો. અનુજ્ય પટેલ તથા ટીમના અન્ય સભ્યોએ ભેગા થઇને આજે બહિયલ ગામમાં રેડ પાડી હતી. જ્યાં અમરીષભાઇ ચીનુભાઇ સોની એલોપેથી પ્રેક્ટીસ કરતાં હોવાનું માલુમ પડયું હતું. તેમની પુછપરછ કરતાં તેમની પાસે (સનદ) મુક્તિ પ્રમાણપત્રનો કોર્ષ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ કોર્સના આધારે એલોપેથી પ્રેકટીસ કરી શકાતી નથી. તેમ છતાં ગેરકાયદે રીતે આ અમરીષભાઇ અહીં એલોપેથી પ્રેક્ટીસ કરતાં હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. એટલું જ નહીં આ ક્લિનીક પણ બાયોમેડિકલ વેસ્ટમેન્જમેન્ટ માટેની કોઇ વ્યવસ્થા ન હતી.
એલોપેથીક પ્રેકટીસ માટે માન્ય ન હોય તેવી ડિગ્રી લઇને એલોપેથીક પ્રેક્ટીસ કરીને લોકોના સ્વાસ્થ્ય ખાતે ચેડા કરતાં આ અમરીષભાઇને પોલીસની હાજરીમાં પકડવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બહિયલ આઉટ પોસ્ટને જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં અહીંથી એલોપેથીક ટેબલેટ, ઇન્જેક્શન, સ્પીરીટ સહિત અન્ય જથ્થાને પણ કબ્જે લેવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આવા બોગસ ડોક્ટરો સામે ડ્રાઇવ ચલાવવામાં આવશે અને તેમને પોલીસ હવાલે કરાશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SqUwzI
No comments:
Post a Comment