નવી દિલ્હી, તા. ૨૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રંચડ બહુમતીથી વિજય થયા પછી મોદી-શાહના પ્રખર ટીકાકાર શત્રુધ્ન સિંહા અચાનક બંનેની પ્રશંસા કરતા થઇ ગયા છે. સિંહાએ બંને નેતાઓની પ્રશંસા કરીને ભાજપના વિજયને મહાન ગણાવ્યો છે.
ૂબીજી તરફ પટણા સાહેબમાં પોતાને હરાવનાર ભાજપના નેતા રવિશંકર પ્રસાદને પોતાના પારિવારિક મિત્ર બતાવ્યા છે. હંમેશા ભાજપને બે નેતાઓની પાર્ટી કહીને હંમેશા ટીકા કરનારા સિંહાએ અમિત શાહની પ્રશંસા કરીને તેમને શ્રેષ્ઠ રણનીતિકાર ગણાવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં જીત અંગેના પોતાના અભિનંદન સંદેશમાં શત્રુધ્ન સિંહાએ ટ્વિટર પર જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માસ્ટર રણનીતિકાર અમિત શાહ અને મારા પારિવારિક મિત્ર રવિશંકર પ્રસાદને વિજય બદલ અભિનંદન. આ એ પાર્ટીમાં વિજયની ઉજવણીનો સમય છે જે અત્યાર સુધી મારી હતી. હું તમામને હૃદયપૂર્વક સલામ કરું છું.
ભાજપમાં બળવો કરી કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાએ આ વખતે પોતાની પટણા સાહેબ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જો કે કેન્દ્રીય પ્રધાન રવિશંકરપ્રસાદના હાથે તેમને હારનો સામનો કરવો પડયો છે.
બીજી તરફ લખનઉ બેઠક પરથી સપાની ટિકિટ પરથી ચૂંટણી લડનારા તેમના પત્ની પૂનમ સિંહાને પણ રાજનાથના હાથે હારનો સામનો કરવો પડયો છે.
આ અગાઉ ચૂંટણી હારી ગયા પછી શત્રુધ્ન સિંહાએ ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. જો કે આ તમામ વાતોનો આ યોગ્ય સમય નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4D88i
No comments:
Post a Comment