
સોશિયલ મીડિયા પર અફવાઓનાં ઘોડાપૂર વચ્ચે રાહતના સમાચાર
1938માં બનેલાં થિયેટર ફરતે ગ્રીન નેટ લાગતાં સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓ તથા, હેરિટેજ પ્રેમીઓ ભાવુક થઈ ગયા હતા, નવી ઈમારતમાં 3જા માળે મલ્ટીપ્લેક્સ સ્વરુપે ચાલુ રહેશે
મુંબઈ : મુંબઈનું આઈકોનિક થિયેટર ઈરોઝ તોડી પાડવામાં આવી રહ્યું હોવાની અફવા સોશિયલ મીડિયા પર ફરી વળી હતી. ૧૯૩૮માં બંધાયેલી કલાત્મક ઈમારત ફરતે ગ્રીન નેટ લાગી હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓ, સિનેરસિકો તથા મુંબઈના હેરિટેજ ચાહકો પણ ભારે ચિંતા અને આક્રોશ વ્યક્ત કરવા લાગ્યા હતા. આ થિયેટર રાજ્ય સરકાર હસ્તક લઈ લે તેવી માગણી સુદ્ધા થઈ હતી. જોકે, હવે એટલું સ્પષ્ટ થયું છે કે આ થિયેટર નામશેષ થવાનું નથી. ત્યાં રિનોવેટ થઈ રહેલી નવી બિલ્ડિંગમાં ત્રીજા માળે તે મલ્ટીપ્લેક્સ સ્વરુપે ચાલુ રહેશે.
મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશન નજીક આવેલું આ થિયેટર એક સમયે ફિલ્મના ચાહકોનું મનપસંદ સ્થળ હતું. જો કે ૨૦૧૯થી તેમાં ફિલ્મો દર્શાવાનું બંધ કરી દેવાયું હોવાથી તે હવે માત્ર એક સંભારણુ બની ગયું હતું. તેની ફરતે ગ્રીન નેટ લાગતાં આ બિલ્ડિંગ તૂટી રહી છે અને અહીં બહુમાળી કર્મશિઅલ કોમ્પ્લેક્સ બની જશે તેવી અફવા ફેલાઈ હતી. ફિલ્મ લેખક અને એડિટર અપૂર્વ ઈસરાની, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી , દિગ્દર્શક વીણા બક્ષી ઉપરાંત સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓ, કલાકારો, હેરિટેજ ચાહકો તથા સિને પ્રેમીઓએ આ ઐતિહાસિક અને ભવ્ય ઈમારત તૂટી રહી છે તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતાનાં સંભારણા વાગોળવા શરુ કર્યાં હતાં. જોતજોતામાં તો પોતે ઈરોઝમાં કઈ ફિલ્મો કોની સાથે કેવા સંજોોગમાં જોઈ છે અને તેની શું યાદો છે તેની પોસ્ટ્સનો પ્રવાહ વહેતો થયો હતો.
ફિલ્મ એડિટર અને લેખક અપૂર્વએ સોશિયલ મીડિયા પર થિયેટરની યાદો તાજી કરતી પોસ્ટ શેર કરી છે. આ થિયેટરમાં યુવાવસ્થામાં પોતે માણેલી પળો તેમણે યાદ કરી હતી. તેમણે લખ્યું છે કે ૧૯૩૮માં બનેલા દક્ષિણ મુંબઈના આ કળાત્મક લેન્ડમાર્કમાં હું કોલેજ બન્ક કરીને સિનેમા જોવા જતો હતો. આ જ થિયેટરમાં હું પ્રથમ વાર ડેટ પર ગયો હતો અને આ જ થિયેટરમાં મારી પ્રથમ ફિલ્મ સત્યા ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. મુંબઈ પોતાના હેરિટેજ મકાનો જાળવી નથી શક્યું તે ખરેખર દુઃખની વાત છે.
દિગ્દર્શક વીણા બક્ષીએ પણ માયક્રોબ્લોગીંગ સાઈટ પર લખ્યું છે કે ઈરોઝ કળાત્મક સજાવટનો ગઢ અને ઉત્તમ ઉદાહરણ હતું. હવે તેના સ્થાને વિશ્વમાં અન્યત્ર છે તેવો ચમકતા કાચ અને ક્રોમ મોલ ઊભો થશે. સિનેસૃષ્ટિ માટે આ એક દુઃખદાયક દિવસ છે.
આ સોશિયલ મીડિયા પોસ્ટ્સને પગલે આખરે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ થિયેટર બંધ થવાનું નથી. અહીં મોલ સાથે મલ્ટીપ્લેક્સ બનશે. તેનું નામ ઈરોઝ જ રહેશે. તેનું બહારનું માળખું યથાવત રહેશે. નવાં માળખાંમાં પહેલા બે માળ પર શોપિંગ સેન્ટર રહેશે જ્યારે ત્રીજા માળ પર થિયેટર રહેશે. હાલના માળખાને સંપૂર્ણપણે તોડી નહિ પડાય પણ રિનોવેશન કરવામાં આવશે.
ઈરોઝ નવાં સ્વરુપે પણ કાયમ રહેવાનું હોવાની વાત ફેલાતાં સોશિયલ મીડિયા પર તેના મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો બદલાતા જમાના પ્રમાણેના ફેરફારને આવકારી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનું જૂનું હેરિટેજ સ્વરુપ જ જળવાયેલું રહે તેમ ઈચ્છી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TzEtC3d
No comments:
Post a Comment