
પીડીપીના સાંસદોએ બંધારણની નકલ ફાડી, પોતાના કપડા ફાડયા
રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ ૧૨૫ વિ. ૬૧ મતોથી પાસ: કલમ ૩૭૦નો પહેલો ખંડ લાગુ રહેશે
રાજ્ય પુનર્ગઠન બિલ માટે વોટિંગ વખતે ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામી સર્જાતાં મતપત્રથી વોટિંગ કરવું પડયું
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 5 ઓગસ્ટ, 2019, સોમવાર
મોદી સરકારે બીજી વખત સત્તા સંભાળ્યા પછી ટ્રિપલ તલાક સહિત એક પછી એક વિવાદાસ્પદ બિલોને સંસદમાં પસાર કરાવી ઈતિહાસ સર્જ્યો છે ત્યારે સોમવારે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરતા ખરડા સહિત જમ્મુ કાશ્મીર સંબંધિત કેટલાક બિલ પસાર કરીને નવો ઈતિહાસ રચી દીધો છે.
સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે સલામતી પરની કેબિનેટ બેઠક, સલામતી બાબતો પરની નિર્ણાયક બોડી અને કેન્દ્રીય કેબિનેટની બેઠકો પછી રાજ્યસભામાં આવેલા ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરતા ખરડા સહિત રાજ્ય પુનર્ગઠન બિલ અને અનામત સંશોધન બિલ રજૂ કર્યું, જેને ગૃહની મંજૂરી મળી ગઈ. રાજ્યના પુનર્ગઠનની તરફેણમાં ૧૨૫ મત જ્યારે વિરોધમાં ૬૧ મત પડયા. આ મુદ્દે આખો દિવસ ગૃહમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. હવે લોકસભામાં મંગળવારે આ બિલ પર ચર્ચા થશે.
અમિત શાહે રાજ્યસભામાં એક સાથે ચાર બિલ રજૂ કર્યા હતા. જોકે, દરેક બિલ પર અલગ અલગ મતદાન થયું હતું. જેમાં ત્રણ બિલ ધ્વની મતથી પસાર થયા હતા જ્યારે રાજ્ય પુનર્ગઠન બિલ પર વોટિંગ થયું હતું. આ સમયે ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામી સર્જાતાં મતપત્રથી વોટિંગ કરવાની ફરજ પડી હતી. રાજ્ય પુનર્ગઠન બિલ બહુમતી સાથે રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. એ જ રીતે જમ્મુ અને કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં આર્થિક નબળા વર્ગ માટે જમ્મુ-કાશ્મીર અનામત સુધારા બિલ પણ પાસ થઈ ગયું હતું.
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું, 'મહોદય, હું સંકલ્પ રજૂ કરૂં છું કે આ ગૃહ કલમ ૩૭૦(૩) હેઠળ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જાહેરા કરાતી નીમ્નલિખિત જોગવાઈઓની ભલામણ કરે છે, બંધારણની કલમ ૩૭૦(૩) હેઠળ ભારતના બંધારણની કલમ ૩૭૦ ખંડ ૧ સાથે વંચાયેલ કલમ ૭૦ના ખંડ ૩ દ્વારા અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર એ જાહેરાત કરે છે કે તે જે દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરાશે અને તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરાશે, તે દિવસથી કલમ ૩૭૦ના ખંડ ૧ સિવાય બધા ઘંડ નાબૂદ થઈ જશે.' આ સાથે કલમ ૩૫-એ કલમ ૩૭૦નો જ એક ભાગ હોવાથી તે કલમ પણ આપોઆપ રદ થઈ ગઈ.
અમિત શાહે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સંકલ્પને અપાયેલી મંજૂરી પણ રજૂ કરી. અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિને કલમ ૩૭૦(૩) હેઠળ પબ્લિક નોટિફિકેશનથી કલમ ૩૭૦ ખતમ કરવાનો અધિકાર છે. તેમણે ઉમેર્યું જમ્મુ કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન છે, તેથી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બધા અધિકાર સંસદ પાસે છે. રાષ્ટ્રપતિના આદેશને આપણે બહુમતીથી પસાર કરી શકીએ છીએ.
જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનના સંદર્ભમાં તેમણે કહ્યું કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે, જેને વિધાનસભા નહીં હોય. જમ્મુ અને કાશ્મીર પણ કેન્દ્રશાસિત પ્રદેશ હશે, પરંતુ તેને દિલ્હી અને પુડુચેરીની જેમ વિધાનસભા હશે. ગૃહમંત્રીની જાહેરાતનો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક, આપ, એનસીપી અને ડાબેરી નેતાઓએ તીવ્ર વિરોધ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ગૃહને ગજવી મૂક્યું હતું. પાછળથી તેઓ વેલમાં ધસી આવ્યા હતા અને તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. પીડીપીના સાંસદોએ તેમના કપડાં ફાડી નાંખ્યા હતા અને બંધારણની નકલો પણ ફાડી હતી. તેમના આ કૃત્ય બાદ અધ્યક્ષ વેંકૈયા નાયડુના આદેશથી માર્શલે તેમને ગૃહની બહાર કર્યા હતા.
ઠરાવને બસપ, બીજેડી, ટીઆરએસ, અન્નાદ્રમુકનો ટેકો જ્યારે જેડી-યુએ વોકઆઉટ કર્યું
બીએસપી, બીજેડી, ટીઆરએસ અને અન્નાદ્રમુક જેવા કેટલાક પ્રાદેશિક પક્ષોએ આ ઠરાવ અને બિલને સંપૂર્ણ ટેકો આપ્યો હતો જ્યારે એનડીએના સાથી પક્ષ જેડી(યુ)એ વોકઆઉટ કર્યું હતું. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા પહેલાં શાહે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો અને કહ્યું કે કલમ ૩૭૦એ જમ્મુ કાશ્મીરને દેશ સાથે જોડાવા દીધું નથી. ગૃહમંત્રી એ કહ્યું કલમ ૩૭૦ હવે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડશે નહીં. શાહે ગૃહને માહિતી આપી કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કલમ ૩૭૦ નાબૂદ કરતા સરકારી જાહેરનામા પર હસ્તાક્ષર કરી દીધા છે અને જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી વિધાનસભા હાલ અસ્તિત્વ ધરાવતી ન હોવાથી એસેમ્બ્લી પાસે જે સત્તાઓ હોય છે તે સંસદના બંને ગૃહો પાસે છે. રાષ્ટ્રપતિના આદેશ પર ચર્ચા થઈ શકે છે અને સંસદના બંને ગૃહ તે પસાર કરી શકે છે. રાષ્ટ્રપતિના આદેશની નકલ પણ ગૃહમા વહેંચવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે કલમ ૩૭૦ને તેની અંદર જ આપેલી જોગવાઈઓ મુજબના આદેશ મારફત દૂર કરી શકાશે. કલમ ૩૭૦ (૩)ની જોગવાઈઆ વાંચતા ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજ્ય પાસે કલમ ૩૭૦ને નાબૂદ કરવાની સત્તા છે અને તેમાં સુધારો કરવાની સત્તા છે અને રાષ્ટ્રપતી આ માટે જાહેરનામુ અથવા બંધારણીય આદેશ બહાર પાડી શકે છે.
બંધારણીય સુધારા વિના બંધારણમાં સુધારો શક્ય છે કે કેમ તેવો સવાલ સપાના રામગોપાલ યાદવે પૂછતાં શાહે ગૃહને જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા વર્ષ ૧૯૫૨ અને ૧૯૬૨માં જાહેરનામા મારફત કલ ૩૭૦ની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તે જ માર્ગ અમે અપનાવ્યો છે અને અમે તેને નાબૂદ કરીએ છીએ. શાહે દાવો કર્યો હતો કે વિપક્ષ માત્ર રાજકારણ માટે આ પગલાંનો વિરોધ કરે છે અને ગૃહમાં હોબાળો કરે છે. શાહની જાહેરાત પછી પીડીપીના સભ્યોએ તેમના કપડાં ફાડી નાંખ્યા અને ત્યાર બાદ પીડીપી સભ્યોએ બંધારણની નકલો ફાડી હતી. અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ તેમને ગૃહમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. વિપક્ષના હોબાળાના કારણે ગૃહ થોડીક વખત ખોરવાઈ ગયું હતું.
જવાહરલાલ નહેરૂએ કરેલી ઐતિહાસિક ભૂલને અમિત શાહ સુધારી રહ્યા છે : પ્રહલાદ જોશી
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, જવાહરલાલ નહેરૂએ કરેલી ઐતિહાસિક ભૂલને અમિત શાહ સુધારી રહ્યા છે. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ દૂર કરવી એ વર્ષોથી ભાજપના એજન્ડામાં છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રાદેશિક પક્ષોએ કલમ ૩૭૦ દૂર કરવાના પ્રયાસને લોકો પરનું આક્રમણ ગણાવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેઓ કાશ્મીરમાં પ્રવર્તતી સ્થિતિ અંગે પણ વાત કરશે. શાસક ભાજપે તેના બધા જ સભ્યોને પાંચમી અને સાતમી ઓગસ્ટે સંસદમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હિપ ઈશ્યુ કર્યો હતો. લોકસભાના સભ્યોને જણાવાયું હતું કે ૫મી અને ૭મી ઓગસ્ટે કેટલીક મહત્ત્વની ચર્ચા અને બિલ પસાર થવાના હોવાથી તેમણે હાજર રહેવું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YMU7c5
No comments:
Post a Comment